મંગવાણા સીએચસી વેક્સિનેશનની કામગીરી માટે વિવાદમાં : રસી આપ્યા વગર ઈસ્યુ થયા સર્ટીફીકેટ

મુંબઈની મહિલાએ પ્રથમ ડોઝ લીધા બાદ હાલમાં મુંબઈમાં હોવા છતાં બીજા ડોઝનું સર્ટીફીકેટ આવ્યું : ભુજના સીનીયર સીટીઝને રસીના ડોઝ માટે મંગવાણામાં ઓનલાઈન સ્લોટ બુક કરાવ્યું, રસીનો વારો આવે એ પૂર્વે રસીકરણનું સર્ટીફીકેટ પણ ઈસ્યુ થઈ ગયું : ઠેર ઠેર ચાલતી લાલીયાવાડી સામે સીડીએચઓ અને જિલ્લા પંચાયત તંત્ર કેમ અંધારામાં ?

ભુજ : વેક્સિનેશનની કામગીરી હવે વિવાદોમાં સપડાઈ રહી છે. કારણ કે એકતરફ ઓન સ્પોટ નોંધણી કરાવનારા લોકોને કન્ફર્મેશનના મેસેજ આવતા નથી. તેવામાં ઓનલાઈન સ્લોટ બુક કરાવનાર લાભાર્થીને રસી મળ્યા પહેલા વેક્સિનેશન લઈ લીધાનો સર્ટીફીકેટ આવી જતા તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. નવાઈની વાત એ છે કે, આ શંકાસ્પદ કામગીરી નખત્રાણા તાલુકાના મંગવાણામાં સીએચસીમાં થઈ છે.આ અંગેની વિગતો મુજબ કોવિડની મહામારી સામે લડવા માટે જ્યારથી વૅક્સિનેશનની શરૂઆત થઈ છે ત્યારથી એના છબરડા, ગોટાળા અને કૌભાંડ જાણે રોજીંદા બની ગયાં છે. રોજ સવાર પડે અને એકાદ છબરડો, ગોટાળો કે કૌભાંડ પ્રકાશમાં આવી જ જાય છે. આવા જ વૅક્સિનેશનના સર્ટિફિકેટના વધુ છબરડો પ્રકાશમાં આવ્યો હતો. કારણ કે, ઘાટકોપર (વેસ્ટ)ના નવરોજી લેનમાં વર્ષોથી રહેતાં ૫૪ વર્ષનાં મંગળાબહેન શાંતિલાલ પટેલ માર્ચ મહિનામાં નખત્રાણા તાલુકાના દેવપર ગામમાં તેમના ભાઈઓ અને માતા-પિતાને મળવા આવ્યા હતા ત્યારે દેવપરમાં એપ્રિલ મહિનામાં એક સ્કૂલમાં વૅક્સિનનો કૅમ્પ યોજાયો હતો. અન્ય ગામવાસીઓ અને પરિવારજનોની સાથે મંગળાબહેને પણ દેવપરમાં જ વૅક્સિનનો પહેલો ડોઝ લઈ લીધો હતો. ત્યાર પછી તેઓ ૨૪ એપ્રિલની આસપાસ ઘાટકોપર પાછાં ફર્યાં હતાં. દેવપરના કૅમ્પમાં તેમણે લીધેલા પહેલા ડોઝના સર્ટિફિકેટ પ્રમાણે તેમણે તેમનો વૅક્સિનનો બીજો ડોઝ ૨૬ જૂનથી ૨૪ જુલાઈની વચ્ચે લેવાનો હતો. જોકે તેઓ ઘાટકોપરમાં બીજો ડોઝ લે એ પહેલાં જ ગુરુવારે તેમને દેવપર ગામથી ૧૨થી ૧૩ કિલોમીટર દૂર મંગવાણા સ્વાસ્થ્ય કેન્દ્રમાં બીજો ડોઝ લઈ લીધો છે એવું સર્ટિફિકેટ મળ્યું હતું. સૌથી વધુ નવાઈની વાત તો એ છે કે મંગળાબેન ગુરુવારે ઘાટકોપરમાં હાજર હોવા છતાં તેમણે મંગવાણા ગામમાં બીજો ડોઝ લીધો હતો એવું સર્ટિફિકેટમાં દર્શાવાયું છે. એને પરિણામે હવે તે ઘાટકોપરમાં બીજો ડોઝ લઈ શકશે નહીં. મંગવાણા ગામમાં મંગળાબેનના નામે કોણે વૅક્સિન લીધી એ પણ એક મોટો સવાલ છે.આ કિસ્સો હજુ સમ્યો નથી તેવામાં વધુ એક છબરડો બહાર આવ્યો છે. ભુજના સેંઘાણી મહેન્દ્રભાઈ શીવલાલ નામના ૬૧ વર્ષિય વૃદ્ધને રસીનો ડોઝ અપાવવા માટે તેમના પુત્રએ ઓનલાઈન નોંધણી કરાવી હતી, જેમાં નખત્રાણાના મંગવાણા સીએચસીમાં રસીનો સ્લોટ આવ્યો હતો. આજે બપોરે ૩ થી ૬નો સ્લોટ મળ્યો હતો. બપોર બાદ તેઓ રસી લેવા ભુજથી મંગવાણા જવાના હતા, પરંતુ એક વાગ્યાના અરસામાં મોબાઈલમાં મેસેજ આવ્યો કે તમે રસી લઈ લીધી છે. નવાઈની વાત એ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા સાથે સર્ટીફીકેટ પણ આવી ગયું જેમાં રસીનું નામ, રસી આપવા વાળાનું નામ, ડોઝના બેચ નંબર પણ દર્શાવાયા હતા. જે વ્યક્તિએ રસી લીધી નથી તેના નામનું સર્ટીફીકેટ ઓનલાઈન આવી જાય તે કેટલી ગંભીર બેદરકારી છે. હવે જયારે તેમને રસીનો ડોઝ લેવો હશે ત્યારે કેવી રીતે રસી મળશે. આધુનિકતા અને ટેકનોલોજીના દાવા કરતું તંત્ર આવા મુદ્દાઓ અંગે હજુ પણ અંધારામાં હોય તેવો તાલ જોવા મળી રહ્યો છે.