મંગવાણામાં મંદિરની ઓરડીમાં યુવાને ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત

ગાંધીધામમાં કેરોસીન છાંંટી જાત જલાવનાર યુવાને તોડ્યો દમઃ ગાંધીધામના સુંદરપુરીમાં ચક્કર આવતા પડી ગયેલા યુવાનનું મોત

(ક્રાઈમ પ્રતિનિધિ)ભુજ : કચ્છમાં અપમૃત્યુના ત્રણ બનાવોમાં ત્રણ યુવાનોનું મોત નિપજ્યું હતું. જેમાં નખત્રાણાના મંગવાણા ગામે મેલડી માતાના મંદિરની ઓરડીમાં યુવાને ગળે ફાંસો ખાઈ અનંતની વાટ પકડી હતી. તો ગાંધીધામમાં કેરોસીન છાટી સળગી ગયેલા યુવાને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. જ્યારે ગાંધીધામના રામબાગ રોડ નવી સુંદરપુરીમાં અચાનક ચક્કર આવતા પડી ગયેલા યુવાનનું મોત નિપજ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ નખત્રાણાના મંગવાણા ગામે મેલડી માતાના મંદિરે બનાવામાં આવેલી ઓરડીમાં મુળ આદિપુરના હાલ મંગવાણામાં રહેતા રમેશભાઈ કમાભાઈ ચારણ (ઉ.વ. ૩૭)એ ગળે ફાંસો ખાધો હતો. ઓરડીમાં હતભાગી યુવાને લાલ કપડાવળે ગળે ફાંસો ખાઈ આત્મઘાતી પગલું ભર્યું હતું. બનાવને પગલે હતભાગીને નખત્રાણા સીએચસીમાં ખસેડતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા નખત્રાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો દર્જ કર્યો હતો. જેને પગલે પીએસઆઈ એન.કે. ખાંભડે આગળની તપાસ હાથ ધરી છે. આ તરફ ગાંધીધામમાં સુંદરપુરીમાં આવેલા ત્રિકમસાહેબના મંદિર પાસે રહેતા હરેશભાઈ માધાભાઈ શુક્લ (ઉ.વ. ર૯)એ ગત તા.૧/ર/ર૧ના પોતાના ઘેર શરીર પર કેરોસીન છાટીને આગ ચાંપી દીધી હતી. બનાવમાં ગંભીર રીતે દાઝી ગયેલા હતભાગીને પ્રથમ રામબાગ હોસ્પિટલમાં ત્યારબાદ જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે પાટણ તેમજ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયા હતા. જ્યાં સારવાર કારગત ન નિવડતા હતભાગીએ દમ તોડ્યો હતો. બનાવને પગલે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે અકસ્માત-મોતનો ગુનો દર્જ કરી આગળની તપાસ હાથ ધરી છે.
ગાંધીધામના નવી સુંદરપુરીમાં રામબાગ રોડ પર રહેતા વિશાલ લક્ષ્મણભાઈ નાઈ (ઉ.વ. ર૮)નું અકસ્માતે મોત થયું હતું. હતભાગી યુવાન પોતાના ઘેર હતો ત્યારે અચાનક ચક્કર આવતા પડી ગયો હતો. ભોગગ્રસ્તને તેના ભાઈ કમલેશ નાઈએ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવને પગલે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસને જાણ કરાતા પોલીસે હતભાગીના મૃતદેહને પીએમ માટે રામબાગ હોસ્પિટલમાં ખસેડી અકસ્માત મોતનો બનાવ દર્જ કર્યો હતો. જેને પગલે પીએસઆઈ કે.જે.ચાવડાએ આગળની તપાસ હાથ ધરી છે.