આહિર સમાજે તાજેતરમાં દાખવી હતી નારાજગી : અન્ય સમાજોએ પણ હોદ્દા માટે કરી છે માંગણી

ભુજ : મંગળવારે જિલ્લા પંચાયતની નવ નિયુક્ત બોડીની બીજી સામાન્ય સભા યોજાશે, જેમાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવશે. ત્યારે આ વખતે કોની લોટરી લાગશે તેની ચર્ચાઓ જામી છે. ખાસ તો તાજેતરમાં આહીર સમાજે નારાજગી દર્શાવી કારોબારી ચેરમેનના પદની માંગણી કરી હતી. ત્યારે આ અસંતોષની લાગણીને ભાજપ કેવી રીતે ઠારશે તે સવાલ ચર્ચામાં રહ્યો છે. ઉપરાંત અન્ય સમાજોના સભ્યો પણ જિલ્લા પંચાયતમાં ચૂંટાયા છે. ત્યારે તેઓ પણ પદની માંગણી કરી રહ્યા છે. ત્યારે આ વખતે કોની લોટરી લાગશે તે જોવું રહ્યું. મંગળવારે બપોરે ૧ર કલાકે કચેરીના સભાખંડમાં આ સામાન્ય સભા યોજવામાં આવનાર છે, જેમાં કારોબારી સમિતિ, સામાજિક ન્યાય, શિક્ષણ સમિતિ, જાહેર આરોગ્ય સમિતિ, જાહેર બાંધકામ સમિતિ, અપીલ સમિતિ ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિ, મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિની રચના કરવામાં આવશે. ઉપરાંત અગાઉની સામાન્ય સભાની નોંધને બહાલી, અંજારની આંબાપર ગ્રામ પંચાયતને સુપર સીડ કરવી, સિંચાઈ યોજનાના કામોને બહાલી આપવી, સ્ટેમ્પ ડ્‌યુટી અને રોયલ્ટીની આવકમાંથી વિકાસકામો સહિતના મુદ્દાઓને આવરી લેવામાં આવશે તેવું પ્રમુખ પારૂલબેન કારા અને ડીડીઓ ભવ્ય વર્મા દ્વારા જણાવાયું છે. નોંધનીય છે કે સવારે ૧૧ કલાકે જિલ્લા પંચાયત અતિથિ ગૃહના કમ્પાઉન્ડમાં
વૃક્ષારોપણ પણ કરવામાં આવશે.