મંગળવારે અનંતચૌદશ બાદ તા.૬ થી ૨૦ સુધી શ્રાધ્ધપક્ષઃ ૨૧મીએ નવરાત્રિ શરૂ

ભુજ : મંગળવારે અનંતચૌદશ નિમિત્તે શ્રીજીને ભાવભીની વિદાય સાથે જ શ્રાદ્ઘપક્ષની શરૂઆત થશે.  પિતૃતર્પણ, પિંડદાન, શ્રાદ્ઘને લઇને ધાર્મિક રીતે મહાત્મ્ય ધરાવતો શ્રાદ્ઘપક્ષ તા. ૬ને બુધવારથી ૨૦ મીને બુધવાર સુધી રહેશે. જોકે, તેમાં ચાલુ વર્ષે ક્ષયતિથિને કારણે પિતૃતર્પણ માટે ૧૫ દિવસના જ શ્રાદ્ઘ રહેશે.
પાંચમની તિથિના ક્ષયને કારણે શ્રાદ્ઘમાં એક દિવસ ઘટી ગયો છે. ૧૯મીએ સર્વપિતૃ અમાવસ્યા, ૨૦મીએ માતામહ શ્રાદ્ઘ બાદ ૨૧મીએ માતાજીના ઘટસ્થાપન સાથે જ નવલી નવરાત્રિની રોનક શરૂ થઇ જશે.
ચાલુ વર્ષે ૬ સપ્ટેમ્બરથી શ્રાદ્ઘ શરૂઆત થશે. સામાન્યપણે શ્રાદ્ઘ પક્ષ ૧૬ દિવસ હોય છે. જોકે, ચાલુ વર્ષે તેમાં ક્ષય તિથિને કારણે ૧૫ દિવસના જ શ્રાદ્ઘ રહેશે. છેલ્લા બે વર્ષથી ક્ષય તિથિને કારણે ૧૫ દિવસના જ શ્રાદ્ઘ હતા. જેમાં હવે ૨૦૨૦ની સાલમાં શ્રાદ્ઘના પૂરેપૂરા ૧૬ દિવસ રહેશે. ૧૧મી તારીખે પાંચમ અને છઠ્ઠ એક જ દિવસે હોય બંને તિથિના શ્રાદ્ઘ એક જ દિવસે થઇ શકશે. જયારે ૧૯મીએ સર્વ પિતૃ મોક્ષ અમાવસ્યા છે. આ દિવસે તમામ પિતૃઓના પિંડદાન, શ્રાદ્ઘ,  તર્પણ કરી શકાશે. જયારે બીજા દિવસે ૨૦મીએ માતામહ શ્રાદ્ઘ રહેશે.  અનંતચૌદશ સોમવારે તા. ૪ને બપોરે ૧૨.૧૫થી મંગળવારે બપોરે ૧૨.૩૨ વાગ્યા સુધી જ છે. બાદ શરૂ થતા શ્રાદ્ઘમાં પાંચમની તિથિનો ક્ષય હોય ૧૫ જ દિવસ છે. સામાન્ય પણે ગણેશોત્સવ અને નવરાત્રિમાં તિથિની વૃદ્ઘિ થતી હોય ત્યારે શ્રાદ્ઘપક્ષમાં ક્ષય તિથિ આવે છે. આ વર્ષે ગણેશોત્સવમાં દશમીની તિથી બે હોવાને કારણે શ્રાદ્ઘમાં એક તિથીનો ક્ષય છે. ચાલુ વર્ષે ૬થી ૨૦ સુધી શ્રાદ્ઘ બાદ ૨૧મીથી નવરાત્રિ પર્વની શરૂઆત થશે