ભોપાલમાં સંઘની દિવાળી બેઠકનો ધમધમાટ

ભોપાલ ઃ આજથી મધ્યપ્રદેશના ભોપાલમાં ત્રણ દિવસ માટે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક આયોજિત થઈ રહી છે. સામાન્ય રીતે સંઘના મહત્વના નેતાઓ અને સંઘ સંચાલકોની આ બેઠકને ‘દિવાળી બેઠક’ કહેવામાં આવે છે. અર્થતંત્રની વર્તમાન મંદગતિ, મ્યાંન્મારમાંથી રોહિંગ્યાને દેશવટો, જાતે બની બેઠેલા ગૌરક્ષકો દ્વારા થતી હત્યાઓ તમામ બાબતો સંઘની આજથી યોજાનારી અખિલ ભારતીય કાર્યકારણી મંડળની બેઠકમાં ચર્ચાશે. આ બેઠક ત્રણ દિવસ ચાલશે. જેમાં સંઘ પોતાના કામકાજની સમીક્ષા કરશે. આ બેઠકમાં દેશભરમાંથી ૩૦૦ પ્રતિનિધી ભાગ લેશે. જેમાં દેશની વર્તમાન રાજનીતિક સ્થિતિ, આર્થિક-સામાજિક અને સાંસ્કૃતિક પરિદ્રશ્ય પર ચર્ચા થશે. ખાસ કરીને કેરળ, જમ્મુ કાશ્મીર અને પશ્ચિમ બંગાળની રાજનીતિક સ્થિત પર વિસ્તારથી વાતચીત થાય તેવા સંકેત છે અને રોહિંગ્યા મુસલમાનોને ભારતમાં શરણ આપવાના મુદ્દે પર વિમર્શ થશે. આર.એસ.એસ. મધ્ય ભારત પ્રાંત પબ્લિસીટીં હેડ ( પ્રચાર પ્રમુખ) દિપક શર્માએ કહ્યું હતું કે ભોપાલના શારદા વિહાર વિસ્તારમાં આવેલી શિશૂ મંદિર ( શાળામાં) યોજાનારી આ બેઠકમાં દેશના ૩૦૦ જેટલા સંઘના વિવિધ પ્રાંતના હોદ્દેદારો ભાગ લેશે. સંઘ વર્ષમાં બે વખત ઓક્ટોબર અને માર્ચમાં બેઠક યોજે છે. તેમાં આગામી સમય અંગે સંઘે ક્યા પ્રકારે વર્તવું તેનો નિર્ણય લેવાય છે.