ભેરૈયામાં હોજની દિવાલ ધસી પડતા સગીરા મોતને ભેટી

માંડવી : તાલુકાના ભેરૈયા ગામે આવેલી વાડીમાં પાણીના હોજની દીવાલ ધસી પડતા ચગદાઈ જવાથી ૧૬ વર્ષિય સગીરા સોનલબેન જયંતીભાઈ નાયકાનું માથામાં ગંભીર ઈજા થવાથી મોત નિપજ્યું હતું. વાડીમાં ખેત-મજૂરીનું કામ કરતા જયંતીભાઈ નાયકા દંપત્તિ અને પુત્રી ત્રણેય જણા વાડીમાં હોજની સફાઈ કરતા હતા ત્યારે દીવાલ ધસી પડતા ત્રણેય જણા ચગદાઈ ગયા હતા. જેમાં સગીરાનું મોત નિપજ્યું જ્યારે જયંતીભાઈ અને તેમની પત્નીને ઈજા થવાથી હોસ્પિટલ ખસેડાયા હતા.

ચપરેડીમાં પરિણીતાએ આયખું ટુંકાવ્યું

ભુજ : તાલુકાના ચપરેડી ગામે અટલનગરમાં રહેતા ર૮ વર્ષિય પરિણીતાએ પોતાના ઘરે હુંક પર ચુંદડી બાંધી આપઘાત કરી લેતા પરિવારજનોમાં અરેરાટી છવાઈ છે. પધ્ધર પોલીસમાંથી મળેલી વિગતો મુજબ અટલનગરમાં રહેતા ગીતાબેન દિનેશભાઈ ડાંગર નામની પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસે બનાવની નોંધ કરી આપઘાતના કારણો જાણવા તપાસ હાથ ધરી છે.

મેઘપર (કુંભારડી)માં પોલીસ પતિએ પત્ની પર ગુજાર્યો દમન

અંજાર : તાલુકાના મેઘપર (કુંભારડી) ગામે આવેલા રાધાનગર-રમાં રહેતા એએસઆઈ પતિએ પત્નીને લાકડીથી માર મારી દમન ગુજારતા અંજાર પોલીસમાં ફોજદારી ફરિયાદ નોંધાઈ છે. ગાંધીધામ પોલીસ હેડક્વાર્ટરમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા પાંચાણભાઈ દેવજીભાઈ ડુંગરિયા સામે પત્ની કાંતાબેને પોલીસ ફરિયાદ નોંધાવી છે. જે પ્રમાણે લગ્નના ૮ વર્ષથી આરોપી પતિ અવાર-નવાર માર મારી ઘરેથી ચાલી જવા મેણાટોણા મારી શારિરીક માનસિક ત્રાસ આપતો હતો. ઘર-સંસાર તુટે નહીં એ માટે મહિલાએ પોલીસ ફરિયાદ કરી ન હતી. જોકે, ગત ૧૩ તારીખે આરોપી મહિલાને ગાળો આપી લાકડીથી માથા અને બન્ને પગમાં માર મારતા મહિલાએ તેના પોલીસ પતિ વિરૂદ્ધ અંજારમાં ફરિયાદ નોંધાવી છે.

ભવાનીપુર કેનાલ પાસે રિક્ષા ઉથલી જતા મહિલાનું મોત

ભચાઉ : તાલુકાના ભવાનીપુર વિસ્તારમાં પસાર થતી નર્મદા કેનાલને રસ્તે રીક્ષા નીચે ગબડી જતા તેમાં સવાર મહિલાનું ગંભીર ઈજાઓથી મોત થયું હતું. ભચાઉના હિંમતપુરામાં રહેતા પર વર્ષિય અમીનાબેન ઉમેદભાઈ નોતિયાર ઈદના દિવસે પોતાના પરિવારને લઈને ભવાનીપુરમાં આવેલા કનકસૂર્ય અહીંસાધામમાં બાળકોને ફરવા લઈ ગયા હતા. તેઓ પરત પોતાના ઘરે હિમતપુરા આવતા હતા ત્યારે રસ્તામાં નર્મદા કેનાલના રસ્તે આડસ ન હોવાથી રીક્ષા ગબડીને નીચે ખાબકી હતી. જેમાં અમીનાબેનનું ગંભીર ઈજાઓથી મોત નિપજ્યું જ્યારે પરિવારમાં બાળક સહિત ત્રણ લોકો ઘાયલ થયા હતા. અવાર-નવાર આ માર્ગે વાહનો પલટી ખાય છે જે અંગે હવે ઘટતું કરવું જરૂરી છે.

ગાંધીધામમાં સ્પા સેન્ટર ખુલ્લું રાખનાર સામે ફરિયાદ

ગાંધીધામ : કોરોનાને કારણે ભુજ અને ગાંધીધામમાં ૧૮ મે સુધી આવશ્યક ચીજવસ્તુ સીવાયની દુકાનો ખુલ્લી રાખી શકાશે નહીં તેવું જાહેરનામુ અમલમાં છે છતા શહેરના ઓસ્લો સર્કલ નજીક સ્પા સેન્ટર ખુલ્લું હોવાથી પોલીસ દ્વારા જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરાયો હતો. ઓસ્લો સર્કલ નજીક સર્વિસ રોડ પર આવેલી સેવન સ્પાઈસ હોટલના ઉપરના માળે આવેલ જૈની સ્પા ખુલ્લું જોવા મળ્યું હતું. તેમાં ગ્રાહકોની અવર-જવર પણ જોવા મળી હતી. પોલીસે સ્પા સંચાલક રાજાભાઈ બાબુભાઈ આહિર સામે ફરિયાદ દાખલ કરી છે.

ગાંધીધામમાં મોબાઈલ ઝુંટનારા બે બાઈક સવાર પકડાયા

ગાંધીધામ : શહેરમાં ખોડિયારનગર ઝુપડામાં રહેતો ૧૮ વર્ષિય ધર્મેશ દેવીપુજક નામનો યુવાન રેલવે કોલોની નજીક ચાવલા ચોક પાસે પગપાળા જતો હતો. ત્યારે પૂરઝડપે બાઈક પર આવેલા ઈસમો મોબાઈલ ઝુટવી નાસી ગયા હતા. જે કેસમાં પોલીસે ચુંગીનાકા પાસેથી ખારીરોહરના અસગર સિદિક સઈયા અને અકબર જાકુબ સઈયાને ઝડપી લીધા હતા. આરોપીઓ પાસેથી ૭૩ હજારની કિંમતના ૭ મોબાઈલ તેમજ બાઈક સહિત ૧.૧૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. બન્ને આરોપી રાત્રિના સમયે પગપાળા જતા વ્યક્તિના હાથમાંથી મોબાઈલ ઝુંટવાની મોડસઓપરેન્ડી ધરાવતા હતા.

ધુમ સ્ટાઈલથી બાઈક ન ચલાવ તેવું કહેનાર પ્રૌઢને માર પડ્યો

ગાંધીધામ : તાલુકાના કિડાણા ગામે આવેલી શ્રીરામ સોસાયટીમાં રહેતા પ૪ વર્ષિય મોહનભાઈ વાલજીભાઈ રોશિયાએ તેમના પડોશમાં રહેતા મણીબેનના ભત્રીજો મનસુખ ધૂમ સ્ટાઈલથી બાઈક ચલાવે છે તો અકસ્માત થશે તેવી ફરિયાદ મણીબેને કરી હતી. જેથી મનસુખ ગોહિલે એ વાતનું મનદુઃખ રાખી મોહનભાઈને ધકબુશટનો માર મારી હું બાઈક આમજ ચલાવીશ તમે ફરિયાદ કેમ કરી તેવું કહીં ઈજા પહોંચાડતા બી-ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ હતી.

ભુજમાં જુગાર રમતા બે મહિલા સહિત ૬ ખેલી ઝડપાયા

ભુજ : શહેરમાં સરપટનાકા પાસે આવેલા નાગનાથ મંદિર પાસે જાહેરમાં તીનપત્તિનો જુગાર રમતા બે મહિલા સહિત ૬ ખેલીઓને પોલીસે ઝડપી લીધા હતા. આ કાર્યવાહીમાં મહેશ ભગવાનજી ગોર, નીતિન જયશંકર ગોર, કિશોર નાનજીભાઈ ગોર, રસીદ જુબસ ખત્રી, પ્રિયાબેન રાજેશભાઈ ગોર અને વર્ષાબેન જયંતીલાલ ગોર જુગાર રમતા પકડાયા હતા. જેઓ પાસેથી પ૧પ૦ની રોકડ કબજે કરાઈ હતી.