ભુવડ-ખેડોઈમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસના દરોડા

ભુવડમાં ૧.૧૪ લાખના મુદ્દામાલ સાથે બે શખ્સો ઝડપાયા

ખેડોઈ સીમમાં પાડેલ દરોડામાં આરોપીઓ સાબુના ગોટાની જેમ હાથમાંથી સરકી ગયા

અંજાર : તાલુકાના ભુવડ ગામની સીમમાં આર.આર. સેલની ટીમે છાપો મારી ૪૪૦ લીટર તૈયાર દેશી દારૂ તથા દારૂ બનાવવાનો આથા સહિત ૧,૧૪,૬૦૦ના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા, તો અંજાર પોલીસે આર.આર. સેલના દરોડા પહેલા મોટી ખેડોઈ સીમમાં છાપો મારી દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી પાડી હતી.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર બોર્ડર રેન્જના આઈજીપી શ્રી પીયુષની સુચનાથી આર.આર. સેલના પીએસઆઈ એ.એસ. રબારીના માર્ગદર્શન હેઠળ સ્ટાફના કિરીટસિંહ ઝાલા, અબ્દુલ્લભાઈ સમેજા, જગદીશસિંહ સરવૈયા, નરેન્દ્રસિંહ જાડેજા, દિનેશભાઈ ભટ્ટી, મજીદભાઈ સમા વિગેરે અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારના ગામોમાં પેટ્રોલિંગમાં હતા, ત્યારે એએસઆઈ નરેન્દ્રસિંહ જાડેજાને મળેલી પૂર્વ બાતમીના આધારે ભુવડ ગામની સીમમાં છાપો મારી તૈયાર દેશી દારૂ લિટર ૪૪૦ કિ.રૂા. ૮,૮૦૦ તથા આથો લિટર ર૮૦૦ કિ.રૂા. પ૬૦૦ તેમજ દારૂની હેરાફેરી માટે રાખેલ જીપ નંબર જી.જે. ૧ર એ.વાય ૬ર૯૩ કિ.રૂા. એક લાખ મળી ૧,૧૪,૬૦૦ના મુદ્દામાલ સાથે હરી તેજા ઝરૂ (આહીર) (ઉ.વ. ૩૬) તથા રમેશ વેલા પરમાર (ગુર્જર) (ઉ.વ. ૩૪) (રહે બંને ભુવડ)ને પકડી પાડી અંજાર પોલીસના હવાલે કર્યા હતા. તો બીજીતરફ અંજાર પીઆઈ બી.આર. પરમારના  ાર્ગદર્શન હેડળ ભુવડ ઉપથાણાના સહાયક ફોજદાર વાલાભાઈ આહીર તથા સ્ટાફે ખેડોઈ ગામની સીમમાં આવેલા ભીમનાથ મહાદેવ મંદિર સામેની સીમમાં છાપો મારી મયુરસિંહ બળવંતસિંહ જાડેજા (રહે મોટી ખેડોઈ)ની દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડી હતી. દારૂ બનાવવાનો આથો લિટર ૧ર૦૦ કિ.રૂા. ર૪૦૦ તથા તૈયાર દેશી દારૂ લીટર ૧૪૦ કિ.રૂા. ર૮૦૦ મળી પર૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જયારે આજ સ્થળે ચાલતી હરેન્દ્રસિંહ ઉર્ફે હરીશભાઈ જટુભા જાડેજાની વાડીના સેઢામાં રઘુભા ઉર્ફે રઘો વિભાજી જાડેજા (રહે મોટી ખેડોઈ)ની ભઠ્ઠી પકડી પાડી હતી. તૈયાર દેશી દારૂ લિટર ૮૦ કિ.રૂા. ૧૬૦૦ તથા આથો લીટર ૧૦૦૦ મળી ૩૬૦૦નો મુદ્દામાલ પકડી પાડ્યો હતો. રેઈડ દરમ્યાન બંને આરોપીઓ નાસી જતા તેમના સામે બે અલગ અલગ ગુના નોંધી ધરપકડ કરવા માટે સહાયક ફોજદાર વાલાભાઈ આહીરે ચક્રોગતિમાન કરેલ છે.