ભુજ : ૪૦.૯ ડિગ્રી તાપની શેકાયું

પાછલા એક સપ્તાહથી બની રહ્યું છે રાજ્યનું ગરમ મથક ઃ કચ્છનું કાશ્મીર નલિયા પણ ૪૦ ડિગ્રી સાથે રાજ્યમાં બીજા ક્રમે
ભુજ ઃ પાછલા થોડા દિવસોથી કચ્છમાં સૂર્યનારાયણના આકરા મિજાજ જાવા મળી રહ્યા છે. સતત વરસી રહેલા આકરા તાપનાલીધે તાપમાનનો પારો સતત ઉંચકાઈ રહ્યો છે. જિલ્લામાં દૂર-દૂર સુધી શિયાળાના કોઈ એંધાણ ન વર્તાઈ રહ્યા હોય તેમ તાપમાનનો પારો ૩૯ ડિગ્રીથી વધુ જ નોંધાઈ રહ્યો છે. તેમાં પણ ભુજમાં તો તાપમાનનો પારો જેટ ગતિએ ઉંચકાઈ રહ્યો હોઈ સતત રાજ્યનું ગરમ મથક બની રહ્યું છે ત્યારે ગઈકાલે પણ ભુજ ૪૦.૯ ડિગ્રી તાપથી શેકાયું હતું. કચ્છ જિલ્લામાં ચોમાસા બાદ સીધી ઉનાળાએ દસ્તક દીધી હોય તેવી સ્થિતિ હાલે જાવા મળી રહી છે. સતત ઉંચકાઈ રહેલા તાપમાનના લીધે કચ્છીજનો ગરમીથી તોબા પોકારી રહ્યા છે. તેમાં પણ જિલ્લા મથક ભુજ મધ્યે તાપમાનનો પારો જેટ ગતિએ સવાર થયો હોય તેમ ૪૦ ડિગ્રીને પાર જ નોંધાઈ રહ્યો છે ત્યારે ગઈકાલે પણ ૪૦.૯ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જે રાજ્યનું સર્વાધિક તાપમાન છે, તો કચ્છનું કાશ્મીર કહેવાતું નલિયા પણ ૪૦ ડિગ્રી તાપમાન સાથે રાજ્યમાં બીજા ક્રમે રહ્યું છે. જ્યારે કંડલા એરપોર્ટ મધ્યે ૩૭.૬ ડિગ્રી અને ન્યુ કંડલા મધ્યે ૩૭.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.