ભુજ સ્વામિનારાયણ મંદિરનો ૫૯મો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો

ભુજ : મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત સ્વામિનારાયણ મંદિર ભૂજનો ૫૯મો વાર્ષિક પાટોત્સવ મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજની પુનિત નિશ્રામાં ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંદિરમાં બિરાજમાન અધિષ્ઠાતા ઉપાસ્ય ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન, પ્રાતઃ સ્મરણીય શ્રીજી સ્વયંમૂર્તિ જીવનપ્રાણ અબજીબાપા અને સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર મુક્તજીવન સ્વામીબાપાનું ષોડશોપચાર પૂજન – અર્ચન કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજના સાનિધ્યમાં ઉજવવામાં આવેલા પાટોત્સવ પર્વે સંતો-ભક્તોએ વિવિધ પકવાન, ફરસાણ, લીલા મેવા, ફ્રુટ, ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય અને ચોસ્યનો ભવ્ય અન્નકૂટની સુંદર કલાત્મક, મનોરમ્ય ગોઠવણીથી સજાવટ કરી હતી. ત્યારબાદ નીરાજન, પ્રવર્તમાન આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજના આશીર્વાદનું ઓનલાઇન દર્શન, શ્રવણ કર્યું હતું. આ અવસરને માણવા ભારતના વિવિધ રાજ્યોના તેમજ આફ્રિકા, અમેરિકા, ઓસ્ટ્રેલીયા, યુ.કે. વગેરે દેશોમાંથી હરિભક્તોએ ઓનલાઇન દર્શનનો લ્હાવો લીધો હતો.આ પ્રસંગે આશીર્વચન આપતાં પૂં. આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજે જણાવ્યું કે, ભવિષ્યકાળને મહાન બનાવવા માટે વર્તમાનકાળને મહાન બનાવો તેના માટે મનમુખી મટી ગુરુમુખી થવું પડે. ભગવાન અને ભગવાનના સત્પુરુષોના વચન પ્રમાણે નિર્વ્યસની થઈ ભક્તિ કરી મનુષ્ય જીવનને સાર્થક બનાવો.