ભુજ સુધરાઈની નવી કારોબારીએ ગત કારોબારીના અંદાજે ૧૩ કરોડના કામોના ઠરાવ રદ્દ કર્યા

ડ્રેનેજના કામોનું ત્રણ સભ્યોની ટીમ કરશે મોનિટરીંગ : સફાઈના કોન્ટ્રાક્ટ માટે પ૪ લાખનું ટેન્ડર આવ્યું, પણ રકમ હજુ વધુ જણાતા ટેન્ડર પ્રક્રિયા રદ્દ કરાઈ : ભુજ સુધરાઈની હયાત બિલ્ડીંગ તોડી નવી ઈમારત બનાવાશે

ભુજ : ભુજ નગરપાલિકાની નવી બોડીની પ્રથમ કારોબારી સમિતિની મિટીંગ યોજાઈ હતી. જેમાં ભુજના વિકાસ માટે ઘણા નિર્ણયો લેવાયા છે. પાલિકાની તિજોરી પર બોજો ન પડે તે માટે ગત બોડી દ્વારા લેવાયેલા અનેક ઠરાવો રદ્દ પણ કરાયા છે. કારોબારી સમિતિ દ્વારા ભુજના સર્વાંગિ વિકાસની નેમ વ્યક્ત કરાઈ છે.ભુજ નગરપાલિકામાં તાજેતરમાં વિવિધ સમિતિઓની રચના થઈ હતી ત્યારે કારોબારી સમિતિની પ્રથમ મિટીંગ નગરપાલિકા ખાતે કારોબારી ચેરમેન જગત વ્યાસ અને સદસ્યોની હાજરીમાં યોજાઈ હતી. જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી.નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કરે જણાવ્યુ હતું કે, અનુભવી કાર્યકરતાને નગરપાલિકાના કારોબારી ચેરમેન બનાવાયા છે. જગતભાઈ વ્યાસ દ્વારા ગટર અને પાણી સપ્લાય સહિતના કામોમાં સારી કામગીરી કરવામાં આવે છે. નવી કારોબારીમાં સિનિયર અને જુનિયર સભ્યોને સમાવી ભુજના સારા વિકાસની નેમ વ્યક્ત કરાઈ છે.કારોબારી ચેરમેન જગત વ્યાસે કારોબારી સમિતિની મીટિંગમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપતા કહ્યુ હતું કે, ભુજના ભવિષ્ય માટે કડક પગલા ભરવાનું નક્કી કરી વિવિધ નિર્ણયો લેવાયા છે. જેમાં ગરીબોને લગતુ કાર્ય કરી ૨૦૧૨થી બંધ થયેલી સુવર્ણ જયંતિ કાર્ડ યોજના ફરી શરૂ કરવા ઠરાવ કરાયો છે. શહેરમાં સેનિટેશનમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન અને સફાઈની કામગીરીનો કોન્ટ્રાક્ટ ૪૩ લાખમાં અપાયો હતો, જે પૂર્ણ થઈ જતા નવા ટેન્ડર બહાર પડાયા હતા. ૭૦ લાખના ખર્ચની સામે ૫૪ લાખનુ ટેન્ડર આવ્યું હતું. જો કે નગરપાલિકાની તિજોરીને ધ્યાને રાખી આ રકમ વધુ લાગતા ટેન્ડર રદ્દ કરી નવેસરથી ટેન્ડર મંગાવાની કામગીરી કરાઈ છે. તો ગત કારોબારી બોડી દ્વારા વોટર સપ્લાય માટે જે કામો નક્કી કરાયા હતા, જેમાંથી જે હયાત છે તેવા કામોને બહાલી અપાઈ છે. જ્યારે ગત બોડીના ૫૯ લાખના વોટર સપ્લાયના કામોના ઠરાવો રદ્દ કરવામાં આવ્યા છે. બાંધકામ શાખામાં ગત બોડીમાં ઘણા બધા ઠરાવોની હારમાળા સર્જાઈ હતી. કારોબારી અને પ્રમુખ સ્થાનેથી જે કામો મંજૂર થયા હતા, તેમાંથી જે કામો ચાલુ છે અને જે અગ્રતા વાળા છે તેને બહાલી અપાઈ છે. બાકીના ૧૨થી ૧૩ કરોડના કામોના ઠરાવ રદ્દ કરી દેવામાં આવ્યા છે. આવનારા સમયમાં સરકારની ગ્રાન્ટ મળશે ત્યારે અગ્રતા પ્રમાણે આ કામોને સમાવી લેવાશે. તો ગત વર્ષે ચોમાસા સમયે શહેરીજનોએ ડ્રેનેજની ભારે સમસ્યાનો સામનો કર્યો હતો. તે સમયે ડ્રેનેજના ઘણા કમો કરાયા હતા, ત્યારે ડ્રેનેજની સમસ્યાઓ નિવારવા થયેલા કામો અને થનારા કામોનું હવેથી મોનિટરીંગ કરાશે. આ માટે ૩ સદસ્યોની ટીમ કામ કરશે. જે કામગીરી અંગે પ્રમુખ, ચીફ ઓફિસર, કારોબારી સમિતિ, ડ્રેનેજ સમિતિ, એકાઉન્ટ સમિતિને રિપોર્ટ આપશે. જે બાદ જ ચુકવણુ કરાશે. વધુમાં જગત વ્યાસે જણવ્યું હતું કે, સફાઈ કામગીરી માટે સ્વચ્છતા અભિયાનની ગ્રાન્ટમાંથી ૪ ડબ્બાવાળી ગાડી ખરીદવામાં આવશે. ભાડા પાસેથી પાણી પુરવઠા માટે ૧૪ કરોડની ગ્રાન્ટ લઈ ચંગેલેશ્વર અને સેવન સ્કાય પાસે નવા ટાંકા બનાવાશે. શહેરમાં હાર્ડિંગ્સનો કોન્ટ્રાક્ટર ૧,૦૧,૧૧,૧૧૧માં જ્યારે કિયોસ્કનો કોન્ટ્રાક્ટર ૮ લાખ પ૧ હજારમાં મંજૂર કરાયો છે. નગરપાલિકાની દુકાનો ભાડેથી આપવામાં આવશે. હયાત બિલ્ડીંગ તોડી નગરપાલિકા અન્યત્ર સિફટ થશે. હયાત બિલ્ડીંગના સ્થળે નવું બિલ્ડીંગ બનાવવામાં આવશે, તો ગટર લાઈનના નવા રર લાખના કામો મંજૂર કરાયા હતા. નગરપાલિકાના જૂના વાહનો ભંગારથી હરાજી કરાશે. ભાડાની ગ્રાન્ટમાંથી નવી શબવાહિની લેવાશે. શહેરમાં રોડલાઈટની ફરિયાદને પહોંચી વળવા નવી લાઈટોની ખરીદી, જુદા-જુદા વિસ્તારોમાં રોડ લાઈટના પોલને પ્રોટેક્શન આપવા માટે ક્રોંક્રીટથી ફાઉન્ડેશન કરાશે તે સહિતના નિર્ણયો લેવાયા હતા.આ બેઠકમાં સદસ્યો અશોક પટેલ, સાત્વિકદાન ગઢવી, કિરણ ગોરી, ધીરેન શાહ, રશ્મિબેન સોલંકી, મહિદીપસિંહ જાડેજા, ધર્મેશ ગોર, દિવ્યરાજસિંહ જાડેજા હાજર રહ્યા હતા.