ભુજ રેલવે સ્ટેશન ખાતે આરોગ્ય અને રેલવે ટીમના કોરોના વોરિયર્સ સક્રિય

અન્ય રાજયના મુસાફરો માટે કોવીડ-૧૯ની ચકાસણી અંગે થઇ રહેલી સઘન કામગીરી

ભુજ : વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર થયેલા નોવેલ કોરોના વાયરસ
કોવીડ-૧૯ના બીજા તબક્કાના સંક્રમણને ડામવા અને સાવચેતીના પગલાં લેવાના ભાગરૂપે
રાજય બહારથી આવતા રેલયાત્રીઓનું ભુજ રેલવે સ્ટેશન ખાતે રેલવે તેમજ આરોગ્ય ટીમ દ્વારા
સઘન ચેકીંગ અને ટેસ્ટીંગની કામગીરી થઇ રહી છે.
કોવીડ-૧૯ના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આરોગ્ય ખાતું
અને જીઆરપી, રેલવેના સંયુકત પ્રયાસોથી બીજા રાજયોમાંથી આવતાં યાત્રીઓના
આર.ટી.પી.સી.આર.ની કામગીરી ૧ માસ ઉપરાંતથી ચાલી રહી છે.
બહારના રાજયોના યાત્રીઓની થર્મલગનથી તાપમાન ટેસ્ટ તેમજ તેમના કોવીડ-૧૯ના
ટેસ્ટનું આરોગ્ય પ્રમાણપત્ર અને ઓળખપત્રની ચકાસણી કરાવવામાં આવે છે તેમજ જેમનો ટેસ્ટ
ના થયો હોય તેવા અન્ય રાજયોના મુસાફરોનો હાલે ભુજ રેલવે સ્ટેશન પર ધનવંતરી રથની
ભુજ તાલુકાની આરોગ્યની બે ટીમ દ્વારા ચકાસણી કરાઇ રહી છે.
હાલે ભુજ રેલવે સ્ટેશન ખાતે દૈનિક દાદર-ભુજથી, સયાજીનગરી એકસપ્રેસ, બાન્દ્રા-
ભુજથી કચ્છ એકસપ્રેસ તેમજ બ્રાન્દ્રા ભુજ એસી સુપરફાસ્ટ ત્રણ દિવસ અને પુના ભુજ પાંચ
દિવસ માટે આવે છે. જેમાં યાત્રીઓના કોવીડ ટેસ્ટની સઘન કામગીરી ચાલી રહી છે, એમ
સ્ટેશન મેનેજરશ્રી કે.કે.શર્મા જણાવે છે. તેમના અનુસાર અન્ય રાજયોના યાત્રીઓના સઘન
કોવીડ તપાસની કામગીરી રેલવેનાં સ્ટાફ, રેલવે પોલીસ તેમજ જિલ્લાની આરોગ્ય ટીમ દ્વારા
થઇ રહી છે. લોકોમાં જાણકારી અને જાગૃતિ છે. યાત્રીઓ હકારાત્મક અભિગમ દાખવીને કોવીડ-
૧૯ માટેનો આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કરાવે છે.
ટીકીટ ચેકીંગ કરનાર લલ્લા યાદવ અનુસાર, “હા કયારેક યાત્રીઓ ઉતાવળ કરતાં હોય
છે પણ કોવીડ-૧૯ના સંક્રમણ અટકાવવાની સાવચેતીમાં સહયોગ આપે છે. બહારના રાજયોના
મુસાફરોમાં ઘણુંખરે રેપીડ ટેસ્ટ કરવાનો હોય છે જેમાં અમે તેમને ચકાસીને આરોગ્ય ટીમ પાસે
મોકલીએ છીએ.

તો ભુજ તાલુકાની બે આરોગ્ય ટીમના ડો.હિરલબેન, ડો.વનીતાબેન બરાડીયા, ડો.મીના
ભેદી અને કોમ્યુનીટી હેલ્થ ઓફિસર રશ્મી વાઘેલા કોરોના વોરિયર્સ તરીકે સ્ટેશન પર ફરજ
બજાવી રહયા હતા. તેમણે જણાવ્યું કે, ૧ માસથી આ કામગીરીમાં લોકોમાં જાગૃતિ અને થોડોક
ખચકાટ પણ જોવા મળે છે છતાં તેઓ આ ટેસ્ટ કરાવે છે. ઉતાવળ હોય તે યાત્રીઓ ઝડપથી
જતા રહે છે તેમને અમે ફોન પર રિપોર્ટની વિગતો પહોંચતી કરીએ છીએ તો કેટલાંક સ્થળ
ઉપર જ કોવીડ-૧૯નો રિપોર્ટ મેળવી લે છે.
કચ્છ એકસપ્રેસમાં ઘાટકોપર મુંબઇથી આવેલા બારદાનના વેપારી ૪૬ વર્ષિય
નાનજીભાઇ ભાનુશાળી જણાવે છે કે, “આ સારી અને જરૂરી વ્યવસ્થા છે. બોમ્બેમાં આ ટેસ્ટ નથી
કરાવ્યો એટલે સારું છે અહીં થઇ ગયો. અબડાસાના જંગડીયા ગામે પિતાજીની તબિયત જોવા
આવ્યો છું અને સૌએ આ ટેસ્ટ ફરજીયાત કરાવવો જોઇએ.”
જયારે રાપર તાલુકાના મોડા ગામના વતની ૫૦ વર્ષિય ધનજીભાઇ માના પરિવાર
સાથે થાણેથી આજે ભુજ પહોંચ્યા હતા. તેમણે જણાવ્યુંકે, અમે સારવાર માટે કચ્છ આવ્યા છીએ
ત્યારે પરિવારનો થયેલ આ ટેસ્ટ અમારા રક્ષણ માટે અમને ગમ્યું છે. એમના ધર્મપત્ની ગૃહિણી
ડાહીબેન કહે છે સાવચેતી માટે જરૂરી છે આ ટેસ્ટ કરાવવો જોઇએ.
ભુજ બરેલી એકસપ્રેસમાં અજમેરથી આવેલ ૨૭ વર્ષિય હંસરાજ જણાવે છે કે, આ રેપીડ
ટેસ્ટ થવો જરૂરી છે અને રેલવે તેમજ આરોગ્ય દ્વારા કરવામાં આવતી આ કામગીરી ઉત્તમ છે.
દરેકે ફરજીયાત રીતે આ કરાવવું જરૂરી છે.
નખત્રાણા વિન્ડ ફાર્મ ખાતે સીનીયર ઈજનેર તરીકે ફરજ બજાવતાં જયપુરના કરન
વરિષ્ઠ ભુજ બરેલી એકસપ્રેસ ટ્રેનમાંથી ઉતરી કોવીડ રેપીડ ટેસ્ટની લાઇનમાં ઉભા રહયા હતા.
તેમણે કહયું કે, જયપુરમાં થર્મલ ટેસ્ટ કરવામાં આવ્યો છે અને હવે હું મારો રેપીડ ટેસ્ટ અહીં
કરાવીશ. જો કે ટીકીટ લેતાં પહેલાં જ સૌએ પોતાના ટેસ્ટ કરાવી લેવો જોઇએ એમ મારું માનવું
છે એમ પણ તેઓ જણાવે છે.
કેન્દ્ર અને રાજય સરકારની કોવીડ-૧૯ના સંક્રમણને અટકાવવા અને સાવચેતીના
પગલાં ભરવાના ભાગરૂપે થઇ રહેલી કામગીરીમાં મુસાફરો આ કોરોના વોરિયર્સને સહયોગ કરી
રહયા છે.