ભુજ-રામાણીયામાંથી ચાર શંકાસ્પદ શખ્સો ઝડપાયા

ભુજ : સમગ્ર જિલ્લામાં પાછલા પખવાડિયાથી બાળકો ઉઠાવી જવાના અને કેટલીક બુરખાધારીઓની ટોળકી કચ્છમાં ઉતરી આવી હોવાની અને રોજબરોજ બાળકોના અપહરણ કરી જવાના કિસ્સાઓ ઉજાગર થતા રહ્યા છે ત્યારે આવા તત્ત્વોને ઝડપી પાડવા માટે પોલીસે પણ મુહીમ ચલાવી છે. પરંતુ બાળકો ઉઠાવી જવાના બનાવો સદંતર અફવાઓ પુરવાર થવા પામી રહ્યા છે. શહેરના જથ્થાબંધ માર્કેટ પાસેથી એક શંકાસ્પદ શખ્સને જ્યારે મુંદરા તાલુકાના રામાણીયા ગામેથી ત્રણ શંકાસ્પદ શખ્સોને પોલીસે ઝડપી પાડી તેમની પુછપરછ હાથ ધરી હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ ભુજની ભાગોળે જથ્થાબંધ માર્કેટ સામેના રોડ પરથી એક શખ્સને લોકોએ શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડયો હતો. તેની પુછતાછમાં કોઈ સંતોષકારક જવાબ નહી આપતા લોકોએ મેથીપાક ચખાડયો હતો.
આ શખ્સ પાસેથી દાતણ કાપવાનું હથિયાર મળી આવ્યું હતું. જેને લોકોએ સ્થાનિક પોલીસના હવાલે કર્યો હતો. બીજીતરફ મુંદરા તાલુકાના રામાણીયા ગામેથી ત્રણ ઈસમોને પોલીસે ઝડપ્યા હતા અને આ શખ્સો બાળકોને ઉઠાવી જતા હોવાની શંકાએ પુછતાછ કરતા ત્રણેય શખ્સો પ્રેશર કુકર તેમજ ગંભેલા વેચતા હોવાનું ખુલવા પામ્યું હતું. પોલીસ દ્વારા વધુ પુછપરછ હાથ ધરાઈ છે.