ભુજ-મુંબઈની હવાઈ સેવાના વસૂલાતા ત્રણ ઘણા ભાડાથી કચ્છીઓને થતો અન્યાય

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી અરજણભાઈ ભુડિયાએ ભુજ-દિલ્હીની હવાઈ સેવા શરૂ કરવા
કરી માંગણી

ભુજ : કચ્છ જિલ્લામાં વર્ષોથી હવાઈ સેવામાં જાણે અન્યાય થતો હોય તેવું સ્પષ્ટ જોવા મળે છે. મુખ્ય મથક ભુજ ખાતે આવેલ હવાઈ મથક સુવિધા સભર છે, જ્યાં વર્ષોથી એક યા બીજી રીતે હવાઈ સેવા બંધ પડતી જોવા મળી છે. એટલું જ નહીં ભુજથી મુંબઇ વચ્ચે ભાડા પણ એટલા વસુલાય છે જે ક્યાંય પણ ન હોય. અમદાવાદથી મુંબઈનું ભાડું જે સામાન્ય હોય છે તેનાથી ત્રણ ગણું ભાડું ભુજથી મુંબઈ વચ્ચે હવાઈ સેવાના વસુલાય છે, જે યોગ્ય બાબત નથી.
આજે પશ્ચિમ કચ્છમાં મોટાભાગના ગામોમાં પટેલ ચોવીસીના પરિવારજનો વિદેશ ધંધાર્થે તેમજ વસવાટ કરે છે. ભુજથી મુંબઇ વચ્ચેની વિમાની સેવા અવારનવાર ચાલુ બંધ થતી હોવાથી પ્રવાસીઓને નાછૂટકે મુંબઈથી અમદાવાદ અને અમદાવાદથી ભુજ સુધી ટ્રેન અથવા બસ માર્ગે આવવું પડે છે, જેને લઈને સમય પણ વેડફાય છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી અરજણભાઈ ભુડિયાએ આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી, કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાને પત્ર પાઠવીને ભુજ-મુંબઇ વચ્ચે હવાઈ સેવા નિયમિત થાય, ભાડા વ્યાજબી રહે તેમજ ભુજથી દિલ્હી સુધી હવાઈ સેવા શરૂ થાય તે માટેની માંગણી કરી છે.હાલમાં ઉદ્યોગકારોને લઈને હવાઈ સેવા કંડલામાં કાર્યરત છે, પણ પશ્ચિમ ક્ચ્છ માટે શું તે એક સવાલ છે. દરેક વખતે એરપોર્ટ ઓથોરિટી એવું બહાનું કરે છે કે ભુજથી ટ્રાફિક મળતું નથી, પણ એક વાત એવી છે કે ભાડા વ્યાજબી કરવા જોઈએ અને નિયમિત સેવા મળે તો દરેક પ્રવાસી લાભ લઇ શકે તેમ છે. આ બાબતે જવાબદારો દ્વારા યોગ્ય નિર્ણય લઈ ભુજથી હવાઈ સેવા નિયમિત અને વ્યાજબી ભાડામાં થાય તે જરૂરી છે.