ભુજ-માંડવીમાં ૧૧ બોટલ શરાબ ઝડપાયો

ભુજ : શહેરના એરપોર્ટ રોડ ઉપર ડોલર હોટલ પાસેથી પોલીસે એક શખ્સને દસ બોટલ શરાબ સહિત ૧પ હજારના મુદ્દામાલ સાથે ધરબોચી લીધો હતો. બીજી તરફ માંડવી પોલીસે પણ એક બોટલ શરાબ પકડ્યો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર એ ડિવિઝન પીઆઈ એમ.જે. જલુના માર્ગદર્શન હેઠળ એએસઆઈ જયદીપસિંહ ઝાલાએ ડોલર હોટલ પાસેથી મહેન્દ્રસિંહ ચેનસિંહ રાવત (રહે. એરપોર્ટ રોડ સમાવાસ શાંતિનગર ભુજ)ને રાત્રીના સવા દસ વાગ્યે ઝડપી પાડ્યો હતો. આરોપીના કબજા મોટર સાયકલની તલાસી લેતા ઈગ્લીશ દારૂની રમની દસ બોટલો મળી આવતા કિં.રૂા.૪ હજાર આંકી કબજે કરી હતી. તો ૧ મોબાઈલ સહિત ૧પ હજારનો મુદ્દામાલ હસ્તગત કરી આરોપી સામે ગુન્હો નોંધી સલાખો પાછળ ધકેલી દીધો હતો. બીજી તરફ માંડવીના હેડ કોન્સટેબલ દામજીભાઈ કન્નડે કલવાણા રોડ પર રહેતા હેમત ઉર્ફે જગુ શિવરામગર ગુસાઈના કબજામાંથી ઈગ્લીશ દારૂની બોટલ નંગ ૧ કિં.રૂા.૪૦૦ની કબજે કરી હતી. રેઈડ દરમ્યાન આરોપી હાજર ન મળતા તેના સામે ગુન્હો નોંધી ધરપકડ કરવા કાર્યવાહી હાથ કરી હતી.