ભુજ મર્કેન્ટાઈલ બેંકની માર્કેટયાર્ડ સ્થિત આદ્યુનિક શાખાનું ઉદ્દઘાટન કરાયું

બેંક દ્વારા રપ૦૦થી વધુ ગ્રાહકોને આત્મનિર્ભરની લોન અપાઈ : ભારતીય બિલ-પે સુવિધા પણ ખુલ્લી મુકાઈ

ભુજ : બેંકિંગ ક્ષેત્રે અગ્રેસર ભુજ મર્કેન્ટાઈલ કો-ઓપરેટીવ બેંકની ભુજ સ્થિત માર્કેટયાર્ડ શાખાનું નવીનીકરણ થયા બાદ આદ્યુનિક શાખાનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. સાંસદ વિનોદ ચાવડાના હસ્તે માર્કેટયાર્ડ બ્રાન્ચનું નવ સંસ્કરણ કરાયું હતું.

ભુજ મર્કેન્ટાઈલ બેંક કારકિર્દીના ર૪ વર્ષ પૂર્ણ કરી રપમા વર્ષમાં પ્રવેશી ચુકી છે, ત્યારે સિલ્વર જ્યુબેલી વર્ષ દરમિયાન બેંકની નવીનતમ આદ્યુનિક શાખાનું ઉદ્દઘાટન કરાયું હતું. વિનોદ ચાવડાએ ગ્રાહકો માટે સાનુકુળ આદ્યુનિક સુવિધા સાથે સજ્જ અને ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ અત્યાધુનિક કોમ્પ્યુટરાઈઝ સિસ્ટમ સાથેની નવી બ્રાન્ચનું ઉદ્દઘાટન કરી ખુશી વ્યક્ત કરી હતી. બેંકના ફાઉન્ડર ચેરમેન સીએ મહેન્દ્ર મોરબીઆએ કહ્યું કે, ભારતની ૧પ૦૦થી વધુ સહકારી બેંકના પાસાઓ ચકાસી દર વર્ષે બેંક પુરસ્કાર અપાય છે, જેમાં સ્મોલ કેટેગરી ક્ષેત્રે ભારતમાં પ્રતિષ્ઠીત બેંકો પુરસ્કાર અને ટેકનોલોજી ક્ષેત્રે ભુજ મર્કેન્ટાઈલ બેંકને નંબર-૧ બેંક બનાવવા બદલ બોર્ડ ઓફ ડાયરેકટર્સ, ગ્રાહકો, સભાસદો, બેંકના કર્મચારીઓ અને શુભેચ્છકોને અભિનંદન આપ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આત્મનિર્ભર યોજનામાં પણ બેંક દ્વારા રપ૦૦ જેટલા ગ્રાહકોને લોન અપાઈ છે. રોકાણમાં બેંક નંબર-૧ રહી છે. ચેરમેન જયેશભાઈ મહેતાએ પ્રગત્તિશીલ બેંક માટે શુભેચ્છા પાઠવી હતી. બેંકના જનરલ મેનેજર સીએ સ્મિત મોરબીઆએ ભારત બિલ પેની સુવિધા અંગે જણાવ્યું હતું કે, આ સિસ્ટમથી ગ્રાહકો લાઈટબિલ, ટેલિફોન બિલ, ફાસ્ટેગ, ક્રેડીટ કાર્ડ, કેબલ ટીવી સહિતની સુવિધાઓનો ચુકવણો કરી શકાશે. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર, કારોબારી ચેરમેન જગત વ્યાસ, બેંકના ડાયરેકટર ધર્મેશભાઈ મહેતા, હેમલભાઈ માણેક, મહેશભાઈ સોરઠિયા, તુલસી સુઝાન, ડી.એન. ત્રિવેદી, એડવાઈઝર નીતિનભાઈ સંઘવી, જયસુખભાઈ શાહ, કિરીટભાઈ પલણ વગેરે હાજર રહ્યા હતા. બેંકના જનરલ મેનેજર કશ્યપભાઈ વચ્છરાજાની, એજીએમ નરેન્દ્રભાઈ શાહ, નિમિષ વૈષ્ણવ, હિતેષ માણેક, કપીલ ધકાણ, ભદ્રેશ યાદવ વગેરે જહેમત ઉઠાવી હતી.