ભુજ મંદિરના સાધુ પાસેથી મોબાઈલ-લેપટોપ-આઈપેડ તાત્કાલિક જપ્ત કરો : ભીમજી ભુડિયા

સ્વામિનારાયણ મંદિર સ્ટેનમોરના પ્રમુખે ભુજ મંદિરને લખ્યો પત્ર : સાધુના બનાવને સમગ્ર દુનિયામાં સંપ્રદાય માટે ગણાવ્યો શરમજનક

 

અંગત પત્ર જાહેર કરવો ભીમજીભાઈની લાયકાત ન કહેવાય : કોઠારી સ્વામી
ભુજ : ભુજ સ્વામિનાયરાણ મંદિરના સંતો પાસેથી મોબાઈલ, લેપટોપ, આઈપેટ તાત્કાલિક અસરથી પરત લઈ લેવા જોઈએ તેવો પત્ર સ્વામિનારાયણ મંદિર સ્ટેનમોરના પ્રમુખ ભીમજી માવજી ભુડિયાએ લખ્યો છે, પરંતુ તેને જાહેર કરવો એ તેમની લાયકાત ન હોવાનું ભુજ મંદિરના કોઠારી સ્વામી નારાયણમુની દાસજીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ભીમજીભાઈને પત્ર લખવો હોય તો મહંતસ્વામીને લખવો જોઈએ આમ જાહેર કરવો યોગ્ય નથી. પત્ર સંદર્ભે લંડન સહિતના સ્થળોએથી ફોન આવી રહ્યાનું પણ ઉમેર્યું હતું.

 

 

ભુજ : ભુજ સ્વામિનારાયણ મંદિરના સ્વામીના બહુચર્ચિત બનાવને સમગ્ર દુનિયામાં સંપ્રદાય માટે શરમજનક ગણાવી સાધુઓ પાસેથી મોબાઈલ, લેપટોપ, આઈપેડ તાત્કાલિક જપ્ત કરવા પગલા ભરવા સ્વામિનારાયણ મંદિર સ્ટેનમોરના પ્રમુખે અપીલ કરી છે.
ભીમજી માવજી ભુડિયાએ ભુજ મંદિરને લખેલ પત્રમાં જણાવેલ કે, તાજેતરમાં આપણા ભુજ મંદિરના સાધુઓના જે બનાવ બન્યા અને ભુજ મંદિરનું અને આપણા સાધુનું અને સ્વામિનારાયણ સંપ્રદાયનું જે વગોણું થયું અને સારી દુનિયામાં નામ ખરાબ થયું તે બહુ જ અફસોસ લાયક છે અને સર્વ સત્સંગી માટે શરમજનક વાત છે. સાધુનો ધર્મ છે સત્સંગ કરો અને સત્સંગ કરાવવો. હરિભક્તો પહેલેથી જ કહેતા આવ્યા છે કે આ સાધુઓ મોબાઈલ રાખે છે તે યોગ્ય નથી અને સાધુ પાસે કોઈ પણ મોબાઈલ, લેપટોપ અથવા આઈપેડ ના હોવા જોઈએ. આ વાત જાહેર સભામાં આપણા વડીલ એવા લક્ષ્મણભાઈ ભીમજી રાઘવાણીએ પણ કરેલી હતી અને તે વાતને ત્યારે નકારકતામાં ગણાવામાં આવી હતી અને ત્યારે અમુક સાધુ તેને વિષે આડુ પણ બોલ્યા હતા અને અશબ્દ પણ બોલ્યા હતા તે સહુ જાણે છે અને હવે આનું પરિણામ આપણે સહુ જોઈ રહ્યા છીએ.
ભુજ મંદિરના સર્વે ટ્રસ્ટી મંડળને ખાસ અનુરોધ અને વિનંતી છે કે કોઈ સાધુ પાસે મોબાઈલ, લેપટોપ અથવા આઈપેડ ના હોવા જોઈએ અને જે સાધુ પાસે આવી કોઈ ચીજો હોય તો મહેરબાની કરીને તાત્કાલીક જપ્ત કરી લેવા જોઈએ. મંદિરમાં સ્થાનિક આઈટી અને કમ્પ્યુટરની બહુ સારી એવી સુવિધા છે જે આપણા સંતો તેનો ઉપયોગ કરી શકે છે. કોઠારમાં પણ ફોનની સુવિધા છે અને એક્સટ્રા રાખી શકાય છે. સાધુઓ જ્યારે બારે જતા હોય છે ત્યારે હરિભક્ત ડ્રાઈવર સાથે હોય છે. તો તે ડ્રાઈવર પાસે ફોનની સુવિધા હોવી જોઈએ (એમરજન્સી માટે) જે સાધુ ઉપયોગ તે ટાઈમે કરી શકે અને કોઈ પણ સ્થાને હોયે તો તે સ્થાને ફોન હોય તે ફોનનો ઉપયોગ કરી શકે. માટે આ ફોન, લેપટોપ અને આઈપેડ સાધુઓને રાખવાનું બંધ કરો.
સ્વામિનાયરાણ મંદિર ભુજના ટ્રસ્ટી બોર્ડનો આ પત્ર વિશે શું અભિપ્રાયે છે અને શું પગલા લેવાના છો તે જવાબ શકય હોઈ તેટલો જલદી વળતો પ્રત્યુતર મળે તેવી વાત વ્યકત કરી આપની કોપી આફ્રિકા, ઓસ્ટ્રેલિયા તેમજ યુકેના બધા મંદિરોમાં મોકલાવેલ હોવાનું પણ જણાવેલ છે.