ભુજ-ભચાઉ રોડનું રિસર્ફેસીંગ ન થાય ત્યાં સુધી લાખોંદ ટોલ ટેક્સ બંધ કરો : વિનોદ ચાવડા

કલેક્ટર કચેરી ખાતે જીએસઆરડીસી અને કોન્ટ્રાક્ટર સાથે યોજાયેલી સમીક્ષા બેઠકમાં સોમવાર સુધીમાં કામ શરૂ કરી દેવા સાંસદે આપી સૂચના : રોડનો કોન્ટ્રાક્ટ ર૦ વર્ષનો હોવા છતાં ૯ વર્ષમાં જ પડ્યા ઠેર-ઠેર ગાબડા

ભુજ : ગુજરાત સ્ટેટ રોડ ડેવલોપમેન્ટ કો.ના અધિકારી તથા રોડ મેઈન્ટેનન્સ કોન્ટ્રાકટરો સાથે સાંસદ વિનોદભાઇ ચાવડાએ કલેક્ટરની ઉપસ્થિતિમાં તેમની કચેરીમાં ભુજ – ભચાઉ સુધીના રોડની મરામત – રીસર્ફેસીંગ બાબતે સમીક્ષા બેઠક કરી હતી. એકલ બાંભણકા રોડ તેમજ પલાંસવાથી ટીકર રોડ-રસ્તા માટે સ્ટેટ આર એન્ડ બીને સૂચના આપવામાં આવી હતી. કલેક્ટરને દરખાસ્ત કરતા શ્રી ચાવડાએ જણાવ્યું હતું કે, ભુજ – ભચાઉ રોડના મેઈન્ટેનન્સનું કામ વાલેચા એજન્સી પાસે હોવાથી તેમને આ રોડ જલ્દીથી મરામત કરવા – ખાડા પુરવા તેમજ કબરાઉ પાસે ફોરલેન રોડની હાલત ખૂબજ ખરાબ છે તે ત્વરિત રીપેરીંગ કરવામાં આવે અને આ રસ્તો સંપૂર્ણપણે મરામત ન થાય ત્યાં સુધી લાંખોદ પાસેનો ટોલટેક્ષ બંધ કરવા જણાવ્યું હતું. આ રસ્તો કચ્છનો એન્ટ્રી પોઈન્ટ રોડ છે, જેનો કોન્ટ્રાક્ટ ૨૦ વર્ષનો છે. ૨૦૧૧મા આ રસ્તો બનેલ છે. ચાંદ્રાણી પાસે પુલ બનેલ છે, પરંતુ પુલની પાસે ખૂબજ ખાડા હોવાથી લોકોને પુલ નીચેથી પસાર થવું પડે છે. કબરાઉ શાળાએ જતાં બાળકોને રસ્તો ક્રોસ કરવો પડે છે, જેથી અંડરબ્રીજ બનાવવા, લોદ્રાણી નર્મદા કેનાલ પાસેનો રસ્તો રીપેર કરવા બાબતોના સૂચન સાંસદે કર્યા હતા તેમજ જીએસઆરડીસી તથા વાલેચા એજન્સીના અધિકૃત પ્રતિનિધિઓને આ રસ્તાના કામ સોમવાર સુધીમાં ચાલુ કરવા અને ચાલુ થયેલ કામની માહિતી મંગળવાર સુધી પહોંચાડવા જણાવ્યું હતું, જેથી રસ્તાના ચાલુ કામની સમીક્ષા માટે મુલાકાત લઈ શકાય.
આ મિટીંગમાં કલેક્ટર, સાંસદ વિનોદભાઈ ચાવડા, અધિક કલેક્ટર શ્રી ઝાલા, જીએસઆરડીસીના ડેપ્યુટી જનરલ મેનેજર તથા પ્રોજેકટ ઇન્ચાર્જ જીગર પટેલ, ડેપ્યુટી પ્રોજેકટ ડાયરેક્ટર, આર.એમ. ઝાલા, નરેશભાઈ ભાનુશાલી મદદનીશ ઇજનેર તેમજ વાલેચા એજન્સીના કોન્ટેટીવ સર્વેયર સત્યવાનજી, લાંખોદ ટોલ પ્લાઝા મેનેજર સૌરભ ભાર્ગવે ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો.