ભુજ-ભચાઉ અને નખત્રાણામાં મારામારીના પાંચ બનાવો

લોરિયામાં સામ સામે છરી વડે પ્રહાર કરાયાઃ માધાપર, વામકા, નાના કાદિયા અને લાખીયારવીરામાં
પણ નજીવી અદાવતે થઈ મારકુટ

ભુજ : જિલ્લામાં મારામારીના બનાવો સતત વધી રહ્યા છે. તેવામાં ભુજ – ભચાઉ અને નખત્રાણામાં મારામારીના વધુ પાંચ બનાવો પોલીસ ચોપડે દર્જ થયા હતા, જેમાં ભુજ તાલુકાના લોરિયામાં સામ સામે છરી વડે પ્રહાર કરાયા હતા. તો માધાપર, વામકા, નાના કાદિયા અને લાખીયારવીરામાં પણ નજીવી અદાવતે મારકુટના કિસ્સા બન્યા હતા. ભચાઉ તાલુકાના વામકા ગામે છોકરાઓને ઠપકો આપવા મુદ્દે મારામારીનો બનાવ બન્યો હતો. કાનજીભાઈ નરશીભાઈ કોલીએ નોંધાવેલી ફરિયાદ મુજબ આંગણામાં રમતા છોકરાઓ ઝઘડો કરતા હોવાથી તેઓને છુટા પાડી આરોપી રામજી નરશી કોલીના છોકરાને ઠપકો આપતા આરોપી રામજીએ ઉશ્કેરાઈને પોતાના હાથમાં રહેલી લાકડી ફરિયાદી કાનજીભાઈને મારતા માથાના ભાગે ઈજા થવાથી ટાંકા આવ્યા હતા. ઉપરાંત સાહેદ દયાબેન છોડાવવા જતા તેઓને પણ હાથના ભાગે મુઢમાર મારતા ઈજાઓ થઈ હતી. બનાવ સંદર્ભે સામખિયાળી પોલીસે ગુનો દાખલ કર્યો છે. ભુજ તાલુકાના તાલુકાના લોરિયા ગામે રહેતા રમઝાન જુસબ હજામ અને ઉમર હુસેન હજામને આરોપીઓ જુમ્મા ઓસમાણ અને ગની ઓસમાણે જૂના ઝઘડાની અદાવતે છરીના ઘા માર્યા હતા. જેઓને સારવાર અર્થે જી.કે.માં લવાતા હોસ્પિટલ ચોકીએ એમએલસી દાખલ થઈ હતી. તો બીજીતરફ સામે પક્ષે જુમા ઓસમાણ ખલીફાએ હોસ્પિટલ ચોકીએ પ્રતિ ફરિયાદમાં કહ્યું કે, તેઓ જુના કુનરિયા ત્રણ રસ્તા પાસે આવેલ હોટલે ચા પીવા ગયા ત્યારે ત્યાં હાજર આરોપી રમઝાન જુસબ અને ઉમર હુસેને જુના ઝઘડાનું મનદુઃખ રાખી છરી અને લાકડી વડે માર માર્યો હતો. જો કે, બાદમાં આ કેસમાં સમાધાન થઈ જતા પોલીસ ફરિયાદ થઈ ન હતી. બીજીતરફ માધાપર ગામે આવેલ ગોકુલધામના મંદિરમાં ઓટલા પર બેસવા બાબતે અશોક દરજીએ નવુભા વાઘેલાને લાકડી વડે માર માર્યો હોવાની કેફિયત હોસ્પિટલ ચોકીએ નોંધાઈ છે. તો મારામારીના અન્ય એક બનાવમાં નખત્રાણાના લાખીયારવીરા ગામે પ્રેમ લગ્નના મનદુઃખે યુવકને મારી નાખવાની ધમકી અપાઈ હતી. ગામના અશોકભાઈ માવજીભાઈ સથવારાએ આરોપી ખેતશી અરજણ સથવારા સામે ફરિયાદ નોંધાવી છે, જે મુજબ ફરિયાદીએ આરોપીના દિકરાની દિકરી સાથે પ્રેમલગ્ન કર્યા હોઈ જેનું મનદુઃખ રાખી ફરિયાદી આરોપીના ઘર પાસેથી નિકળ્યા ત્યારે ધોકાથી માર મારી મારી નાખવાની ધમકી આપી હતી. તો નાના કાદિયા ગામે હનુમાનજીના મંદિર પાસે આરોપી ભાવેશ ખીમજી પાયણે ફરિયાદી દિલીપભાઈ જેન્તીલાલ દાફડાને ગાળો આપી મારી નાખવાની ધમકી આપી હતી.