ભુજ પોસ્ટની નોટિસો લીલા તોરણે ફરી પરત

ભુજ પોસ્ટ ઓફિસના ૬પ૦ જેટલા ખાતાઓમાં ૧૦ વર્ષથી લેવડ-દેવડ ન થતા પોસ્ટ વિભાગે ખાતેદારોને નોટિસ આપી પરંતુ મોટા ભાગની નોટિસો આવી પરત : ખાતાધારકો પોતાનું એકાઉન્ટ શરૂ કરાવવા કે કલોઝ કરાવવા ભુજ હેડ પોસ્ટ ઓફિસનો કરે સંપર્ક

ભુજ :  સામાન્ય રીતે લોકો સેવીંગ માટે પોસ્ટ ઓફિસને વધુ મહત્વ આપતા હોય છે. ઘણા લોકો પોસ્ટ ઓફિસમાં સેવિંગ ખાતું ખોલાવી બચત કરતા હોય છે, તેમજ વિવિધ યોજનાઓનો લાભ પણ મેળવતા હોય છે. જાે કે, ઘણા વર્ષોથી પોસ્ટ વિભાગના ખાતાઓમાં કોઈપણ પ્રકારની લેવડ- દેવડ થઈ નથી. જેથી પોસ્ટ વિભાગે ખાતાની ખરાઈ માટે નોટીસો ઈસ્યુ કરી જાે કે, મોટા ભાગની નોટીસો લીલા તોરણે પરત આવી હતી.

આ અંગેની વિગતો મુજબ એક તરફ બેંકો તરફ લોકોનું આકર્ષણ હતું, પરંતુ આડેધડ બેંકો મર્જ થવી અને દિવસ ઉગે અને નવા કૌભાંડ ઉજાગર થવા તેમજ ઓનલાઈન છેતરપિંડીના વધેલા બનાવોથી લોકો સલામતી માટે પોસ્ટમાં વધુ થાપણ રાખી રહ્યા છે. કોરોનાના આ સમયગાળામાં પણ પોસ્ટ વિભાગમાં લેવડ-દેવડનું પ્રમાણ ઘટવાને બદલે વધ્યું છે. જાે કે, ઘણા સમયથી અનેક ખાતાઓ બંધ હાલતમાં છે. ભુજ પોસ્ટ ઓફિસમાં હાલની સ્થિતિએ ૬પ૦ થી ૭૦૦ બચત ખાતા એવા છે, જેમાં ૧૦ વર્ષ કે વધુ સમયથી કોઈ પણ પ્રકારની લેવડ- દેવડ  થઈ નથી. જેથી ખાતેધારક હયાત છે કે કેમ? અથવા કયા કારણોસર ખાતામાં લેવડ-દેવડ કરતા નથી. ખાતાનો વપરાશ ન કરવો હોય તો કલોઝ કરો અથવા જરૂરી પુરાવા રજૂ કરી ખાતું પુનઃ શરૂ કરવો તે સંદર્ભેની નોટીસ ખાતેધારકોના ઘરના એડ્રેસ પર મોકલવામાં આવી હતી. જાે કે, મોટા ભાગના ખાતેધારકોના રહેણાક બદલાઈ જતા આ નોટીસો પરત આવી છે. ઘણા ખાતેધારકોની પુરતી વિગતો ન હોવાથી પોસ્ટ વિભાગ તેઓનો સંપર્ક પણ કરી શકતો નથી. પરિણામે પોસ્ટ ઓફીસમાં આવા ખાતાઓની યાદી લગાવાઈ છે, તેમ છતાં કોઈ રીસ્પોન્શ હજુ મળ્યો નથી.

આ બાબતે ભુજ પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્તર અનીલ વ્યાસે કહ્યું કે, હાલની સ્થિતિએ ૬પ૦ થી ૭૦૦ ખાતાઓ લાંબા સમયથી બંધ છે. આવા ખાતેધારકોને ખાતું ચાલુ કરાવવા નોટિસો અપાઈ હતી. જાે કે, રહેણાંક બદલાઈ જતા મોટા ભાગની નોટિસો પરત આવી છે. લાંબા સમયથી જેઓ ખાતામાં લેવડ-દેવડ કરતા નથી. તેવા ખાતેધારકો જરૂરી આધાર સાથે ભુજ હેડ પોસ્ટ ઓફીસનો સંપર્ક કરે તે માટે અનુરોધ કર્યો છે.