ભુજ પાલિકાના ડ્રેનેજ કર્મીએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

સામાન્ય અને સમયસર ન મળતા પગારને કારણે પગલું ભર્યાનું પ્રાથમિક તારણ : સહ કર્મચારીઓએ સુધરાઈને કસુરવાર ઠેરવી પુરતો પગાર આપવા કરી માંગ : બનાવને પગલે ભુજ શહેર બીડિવિઝન પોલીસ દ્વારા હાથ ધરાઈ તપાસ

(ક્રાઈમ પ્રતિનિધિ)ભુજ : શહેરના આરટીઓ વિસ્તારમાં હનુમાન મંદિરની બાજુમાં ભુજ સુધરાઈના ડ્રેનેજ કર્મચારીએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. હતભાગીએ પ્રથમ પોતાના શરીરની નશો કાપી લોહીથી દિવાલો પર લખાણ કરીને ગળેફાંસો ખાધો હતો. બનાવને ભુજ નગરપાલિકાની નીતિનો સામે સવાલો ખડા થયા છે. હાલ તો ભુજ બી ડિવિઝન પોલીસે બનાવની તપાસ આદરી છે.પ્રાપ્ત વિગતો મુજબ ભુજના આરટીઓ સર્કલ નજીક રહેતા મુકેશ બંસીલાલ સોનવાલ નામના યુવાને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. હતભાગીએ રાત્રી દરમ્યાન ચાકુથી પોતાના શરીરની નસો કાપી બાલટીમાં લોહી ભરી દિવાલો પર લખાણ કર્યું હતું અને ત્યાર બાદ ગળેફાંસો ખાઈને આ ફાની દુનિયાને અલવીદા કરી હતી. બનાવની જાણ હતભાગીના સહ કર્મચારીઓને થતા સવારે સાડા આઠ વાગ્યાના અરસામાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. હતભાગીના સહ કર્મચારી દિપક બાબુલાલે જણાવ્યું હતું કે, મૃતક મુકેશ સોનવાલ નગરપાલિકાની ડ્રેનજ બ્રાન્ચમાં નોકરી કરતો હતો. પુરતો અને સમયસર પગાર નહીં મળવાને કારણે તેમજ દેવું
થઈ જતા દાવેદારો હેરાન કરતા હોવાથી તેણે આ પગલું ભર્યું હોવાનું જાણવા મળે છે, તેવું તેમણે ઉમેર્યું હતું. વધુમાં કહ્યું હતું કે, નગરપાલિકા દ્વારા ૯ હજાર પગાર અપાય છે તેમાં પણ પીએફ કપાઈને આઠ હજાર જેટલા રૂપિયા હાથમાં આવે છે, જે સંતોષકારક વેતન ન હોવાનું તેમણે જણાવ્યું હતું. હતભાગીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. બનાવને પગલે ભુજ શહેર બી ડિવિઝન પોલીસનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. હતભાગીના મૃતદેહને પીએમ માટે ખસેડવા ઉપરાંત પંચનામા સહિતની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

નગરપાલિકાએ મારા ૩૦,૦૦૦ ચોરી કરી લીધા : હતભાગીએ દિવાલ પર લખ્યું
ભુજ : શહેરમાં ડ્રેનેજ કર્મચારીએ કરેલા આપઘાતની ઘટનામાં નગરપાલિકાની નીતિ પર સવાલો ઉઠી રહ્યા છે. હતભાગીએ પોતાના શરીરે ચાકુ વડે ઈજાઓ પહોંચાડી લોહીથી દિવાલો પર લખાણ કર્યું હતું, જેમાં નગરપાલિકા મારા ૩૦,૦૦૦ ચોરી…. જેવું લખાણ લખ્યું હતું. આ ઉપરાંત અન્ય લખાણો પણ ઘરની દિવાલો પર કર્યા હતા. બનાવને પગલે પોલીસે સર્વાગ્રહી તપાસ હાથ ધરી છે.

હતભાગીની પત્નિનું ર૦૧પ માં થયું હતું મૃત્યુ
ભુજ : નગરપાલિકાના ડ્રેનજ કર્મચારીએ આપઘાત કર્યો હતો. જેમાં દેવાદારો ઉપરાંત નગરપાલિકા સામે સવાલો ઉઠયા છે. તો એવી પણ વિગતો જાણવા મળી છે કે હતભાગીના પત્નિનું ર૦૧પમાં મૃત્યુ થયું હતું. હતભાગીને ૧૭ વર્ષનો દિકરો અને ૯ વર્ષની એક દિકરી છે. આ બન્ને બાળકો નજીકમાં જ તેમના નાના પાસે રહેતા હતા. યુવાને આત્મઘાતી પગલું ભરતા ભાઈ – બહેને પોતાના એક માત્ર પિતાની પણ છત્રછાયા ગુમાવી છે.