ભુજ-દેશલપર રેલનું ભાવી ચીફ રેલ્વે સેફટી કમિશ્નરના રિપોર્ટ પર નિર્ભર

ભુજ ઃ ભુજ-નલિયા રેલ્વે ટ્રેકને બ્રોડગેજ ટ્રેકમાં રૂપાંતરીત કરવાની કામગીરી હાલે પૂરજાશમાં ચાલુ છે અને દેશલપર સુધીના રેલ્વે ટ્રેકનું કામ ઝડપભેર પૂર્ણતા તરફ આગળ ધપી રહ્યું છે ત્યારે ભુજથી દેશલપર સુધીના રેલ્વે ટ્રેકના કામનું કેન્દ્ર સરકારની સેફટી કમિશ્નરની ટીમ દ્વારા નિરીક્ષણ કાર્ય કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રેક નિર્માણ સહિતની કામગીરીમાં રહેલ કેટલીક ખામીઓ બાબતે જવાબદાર અધિકારીઓનું ધ્યાન પણ દોરવામાં આવ્યું હતું, ત્યારે હવે ઈન્સ્પેક્શન રિપોર્ટ પર ભુજ-દેશલપર રેલ્વે ટ્રેકનું ભાવિ નિર્ભર બન્યું છે. આ અંગેની વિગતો મુજબ કેન્દ્ર સરકારના રેલ્વે વિભાગે ભુજ – નલિયા બ્રોડગેજ રૂપાંતરને ખાસ મહ¥વ આપ્યું છે. જેના લીધે કામનો ધમધમાટ પણ પૂર્ણ કક્ષાએ ચાલી રહ્યો છે. ભુજથી દેશલપર સુધીના રેલ્વે ટ્રેકનું કામ પૂર્ણ થઈ ગયેલ છે અને હવે પ્લેટફોર્મ પરની માળખાકીય સુવિધાઓ જ બાકી છે ત્યારે રેલ્વેના સેફટી કમિશ્નર સુશીલચંદ્ર સાથે ૧૧ જેટલા અધિકારીઓએ ભુજથી દેશલપર ટ્રેકનું નિરીક્ષણ કર્યું હતું ત્યારે આ બાબતે ભુજ સ્ટેશન માસ્ટર કે.કે. શર્માએ જણાવ્યું કે, રેલ્વેના સેફટી કમિશ્નર દ્વારા ટ્રેકનું નિરીક્ષણ કરાયું હતું તેમજ જરૂરી સૂચનો પણ કરાયા હતા. હવે તેમના દ્વારા આ નિરીક્ષણનો જે રિપોર્ટ તૈયાર કરાશે તેના આધારે ભુજ-દેશલપર ટ્રેક પર ક્યારે ટ્રેન દોડશે તે નક્કી થશે. આ રિપોર્ટ એકાદ માસમાં આવી જાય તેમ હોઈ રિપોર્ટ આવ્યા બાદ કોઈ નિર્ણય લેવાશે.