ભુજ જી.કે.હોસ્પિટલમાં ઢમઢોલ.માહે પોલ.! ખાડે જતાં તંત્રને કચ્છના રાજકારણીઓ ઢંઢોળશે?

જિલ્લાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવારને લઈને લીંપાપોત્તી-લાલીયાવાડી જ ચાલતી હોવાના બહાર આવતા ગંભીર કિસ્સાઓ કહેવાય ચિંતાજનક : દર્દીઓને સારવારનો અભાવ, સેનેટાઈઝેશન ન કરવુ, તબીબો દ્વારા દર્દીને એડમીટ કર્યા બાદ પરવા ન કરવી, ટેસ્ટીગ રીપોર્ટમાં લાંબો સમય કાઢી નાખવો, દર્દીઓના સગાઓને છાશવારે ધક્કા ખવડાવવા સહિતની વધી રહી છે ફરીયાદો

કોરોનાના ગંભીર દર્દીઓની સારવારમાં શું રંધાયુ દર્દીઓને નથી કરાતા અવગત અને એકાએક જ વેન્ટીલેટર પર રાખ્યાનુ કહી અને થંભાવી દેવાય છે મૃતદેહ..? દર્દીઓને ફોનના ઈન્કાર પછવાડે શેનો ભય? શુ હોસ્પિટલની પોલમપોલ છત્તી થઈ જાય માટે સ્માર્ટ ફોનની કરાઈ છે મનાઈ? તો પછી દર્દીઓ જે વેન્ટીલેટર પર છે, ઓકસિજન બાયપેપ પર છે, તેવાઓની સારવાર સગા-દર્દીઓ અવગત થાય તેવી સ્ક્રીન સહિતની વ્યવસ્થાઓ કેમ નહી?

ખાટલે મોટી ખોટ : કેટલાક જાગૃત લોકો દ્વારા જી.કે.ના વહીવટીની સામે વિરોધ કરાય છે પણ તે દુધના પરપોટાની જેમ જ સમી જઈ અને વાંજીયો પુરવાર થઈ જાય છે, અથવા તો વિરોધકર્તાઓના સ્વાર્થ સંધાઈ જતા હોવાથી પણ ક્ષણિકમા જ આ વિરોધી છાવણીઓ ગુમ થઈ જતી હોય છે..!

ગાંધીધામ : કોરોનાની મહામારીમાં કચ્છના મુખ્ય આરોગ્ય ધામ જી.કે.જનરલ હોસ્પિટલની સેવાઓ ફરીથી શંકાના દાયરામાં આવી રહી છે. તંત્ર તદન ખાડે ગયુ હોય તેવી ફરીયાદ રોજીંદી બનવા પામી રહી છે. આંશીક છતા આવી સેવાઓની સામે વિરોધ પણ થવા પામી રહ્યા છે. આવા સમયે કચ્છના રાજકારણીઓ સામે પણ સવાલો થવા પામી રહ્યા છે કે, જીલ્લાના મુખ્ય આરોગ્ય ધામની કથળતી સેવાઓ બાબતે કયારે આવશો હરકતમાં?આ બાબતે જિલ્લાના પ્રબુદ્ધવર્ગમાથી સામે આવતા કચવાટભર્યા સવાલોની વાત કરીએ તો ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમા તમામ અદ્યતન સવલતો હોવાના દાવાઓની વચ્ચે જ દર્દીને પુરતી અને સમયસર સારવાર મળતી ન હેાવાની ફરીયાદો તો કોરોનાના કપરા કાળ પહેલા પણ છાશવારે બહાર આવતી જ રહેતી હતી અને તેના પગલે હંગામા અને હેાબાળા પણ થતા જ રહેતા હતા. હવે કોરોનામાં તો સ્થિતી વધુ કપરી બની રહી હોય તેમ જી.કે. જનરલ હોસ્પિટલના વહીવટને લઈને સવાલો ઉભા થવા પામી રહ્યા છે. અહી કયારેક કોરોનાના દર્દીઓને સારવારમાં લાલીયાવાડીની વાતો આવી રહી છે તો વળી કયારેક દર્દીઓ મૃત થઈ ગયા હોવા છતા પણ સબંધીઓને કલાકો સુધી જાણ ન કરવાના હોબાળો સામે આવી રહ્યા છે જયારે અમુક કિસ્સાઓમાં અન્યથી રિફર થયા બાદ અહી દાખલ કરાયા પછી કોઈ પણ પ્રકારની દર્દીની દરકાર જ થતી ન હોવાની ફરીયાદઉઠવા પામી રહી છે. જી.કે. જનરલ હોસ્પિટલ એ કચ્છનુ મુખ્ય સરકારી આરોગ્ય ધામ છે. ૧૩ર કરોડથી પણ વધારેનુ મોંઘુદાટ આ ઈમારત અને તેમા અનેકવિધ અદ્યતન સાધન-સામગ્રીઓ તથા તબીબો મુકી દેવાયા હોવાના દાવાઓ જાણે કે પોકળ પુરવાર થઈ રહ્યા હોય તેમ હાલમાં જી.કે. જનરલના તંત્ર ખાડે જતુ હોવાની ફરીયાદોથી દર્શાઈ રહયુ છે. મેડીકલ કોલેજમાં બેસીને આખેઆખુ કચ્છનુ વહીવટી તંત્ર અને જાહેરજીવન કચ્છ આખાયની ચિંતા સેવી રહ્યા છે અને કોરોનામા કયા શેની જરૂર છે તેનુ મંથન આદરી રહ્યા છે ત્યારે આ મેડીકલ કોલેજની દીવાલને અડીને આવેલ જી.કે. જનરલ હોસ્પિટલમાં કોરોનાને લઈને જે લાલીયાવાડીઓ ચાલી રહી છે તે મામલે એકશનમાં આવવુ, જાત મુલાકાત લેવી, દર્દીઓના આક્રંદને સાંભળવા, લાપરવાહ વહીવટદારોને લમધારવા સહિતની કોઈ જ તસ્દી લેવાતી દેખાતી નથી? એટલે સવાલો થઈ રહ્યા છે કે, કચ્છના આ રાજકારણીઓ જી.કે. મુદ્દે કયારે આવશે એકશનમાં?

  • ગાંધીધામના ગરીબ દર્દીને થયો કડવો અનુભવ

ઓકિસજન લેવલ ઘટતા ગાંધીધામથી ભુજ સિવિલમાં રીફર કરાયા, ખાત્રીઓ અપાઈ, ૧ કલાક રાત્રે એમ્યુલન્સમાં કતારમાં રાખી દીધા બાદ, એડમીટ કર્યા અને સવારે ૯ વાગ્યે તો કેસ થઈ ગયો પૂર્ણ..! કોઈ જ સારવાર ન અપાઈ..વેન્ટીલેટર પર પણ ન રખાયા?

ગાંધીધામ :ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં સારવાના નામે કેવા કેવા ચલકચલાણા ચાલી રહયા છે તેનો વરવો ચિતાર આપતો એક કડવો અનુભવ ગાંધીધામ-કંડલાના ગરીબ દર્દીને થવા પામી ગયો છે. કોરોનાની ગાંધીધામની હોસ્પિટલમા સારવાર લઈ રહેલ એક મહીલા દર્દીનુ ઓકસિજન સ્તર ૯૦થી નીચુ ઉતરતા ભુજ સિવિલમાં તેમને રીફર કરવામાં આવ્યા હતા જયા સિવિલના જવાબદારો દ્વારા આ દર્દીને વેન્ટીલેટર સહિતની વ્યવસ્થાઓ કરી દેવાની ખાત્રીઓ અપાઈ હતી અને તેના આધારે જ દર્દી ગાંધીધામની હોસ્પિટલથી ડીસ્ચાર્જ થયા પરંતુ તેઓ સિવિલમાં રાત્રે પહોચતા જ તેમની તાબડતોડ સારવાર શરૂ કરવાના બદલે એકાદ કલાક તેઓને એમ્બયુલન્સમાં જ ઓકસિજન આપીને ઈંતજારી કરાવાઈ હતી. લગભગ રાત્રીના ૧ર કલાકે દર્દીને દાખલ કરવામા આવ્યા હતા પરંતુ બીજા દીવસે સવારે ૭ વાગ્યા સુધી દર્દીએ પરીવારજનોની સાથે કરેલી વાતચીત અનુસાર દર્દીની તબિયત ખુબ ખરાબ થઈ ગઈ હતી અને આખી રાત ન તો તેઓને વેન્ટીલેટર પર રખાયા કે ન તો કોઈએ તેમની દરકાર કરી હોવાની કેફિયત આપી હતી. જે બાદમાં આ દર્દી બીજા દીવસે સવારે ૧૦ વાગ્યાની આસપાસ હોસ્પિટલવાળાઓએ મૃત થઈ ગયાનુ સગાને જણાવી દીધુ હતુ. મહીલાના પતી રાત્રે એમ્બયુલન્સમ બહાર એક કલાક બેઠા બેઠા વાતો કરતા હતા, સવારે પણ સાડા સાત વાગ્યે ફોનથી બરાબર વાતો કરી હતી અને ૧૦ વાગ્યે તો તેને મૃત જાહેર કરી દેવાયા. પરીવારજનોએ આ રીતે થયેલ મૃતયુ બદલ હોસ્પિટલ પ્રસાસનની બેફિકરાઈ, ઢીલીનીતી, લાપરવાહી અને સારવારના નામે ઢોંગ જ કર્યા હોવાનો અંગુલીનિર્દેશ કર્યો છે. હકીકતમાં આવા કિસ્સાઓની તપાસ થવી જોઈએ અને તેમાં વાસ્તવિકતા રહી હોય તો જે-તે વોર્ડના ઈન્ચાર્જથી માંડી અને જી.કે.ના સૌ કોઈ જવાબદારોની સામે કડકમાં કડક રાહે કાર્યવાહી થવી જોઈએ જેથી બિફીકરાઈ અને લાપવરાહી થકી કોઈએ જીવ ગુમાવવાનો વારે ન આવે.

  • કચ્છ ભાજપ કે અન્ય સંસ્થા જી.કે.બહાર કેમ શરૂ ન કરે હેલ્પ ડેસ્ટ…?

દર્દીઓના સગાઓને મદદરૂપ થવા માટે કાર્યકર્તાઓ લગાડો કામે : ટિકીટો-હોદાઓના સેન્સ વખતે કાર્યલયોની બહાર સેવાકરી હોવાના દાવાઓ સાથે લાઈનો લગાડતા દાવેદારોને કોરોનાના કપરાકાળમાં કેમ ન કરાય સાચા સેવારત..!

દર્દીઓને અંદર ચીજવસ્તુઓ પહોચાડવી, દર્દીની સ્થીતી અનુસાર વીડીયો કોલથી વાતચીત કરાવી

એક જ પરિવારના ૪થી પાંચ સભ્યો કોરોના ગ્રસ્ત થતાં હોવાની છે સ્થિતી : આવામાં દર્દીને ચા-નાસ્તો આપવા સહિતની હેલ્પ ડસ્કથી દર્દીના સગા વ્હાલાઓને થઈ શકે છે મદદ

ગાંધીધામ : જી.કે.જનરલ હોસ્પિટલ વિશાળ સંકુલ ધરાવી રહી છે. અહી કોરોનાના દર્દીઓ આવી રહ્યા છે તેઓને લઈને કઈક સમસ્યાઓ પણ સગાવ્હાલાઓને થવા પામી રહી હશે. આવામાં તેમને સાચુ અને સચોટ માર્ગદર્શન મળી રહે, કોઈ પણ રીતે તાંત્રિક અન્યાય થતો હોવાની લાગણી હોય તો તે બાબતે પણ સાત્વનાપૂર્વકની રજુઆતો યોગ્ય પ્લેટફોર્મ પર કરી શકાય તેવા હેતુથી જી.કે.જનરલ હોસ્પિટલમાં હકીકતમાં ભારતીય જનતા પાર્ટીએ અથવા તો એવી જ કોઈ અન્ય સંસ્થા કે રાજકીય પક્ષોએ અહી હેલ્પ ડેસ્ટની શરૂઆત કરવી જોઈએ. દર્દીઓને હોસ્પિટલમાં આપવાની ચીજવસ્તુઓ પહોચાડે, વસ્તુ મળી જાય તો ફોટો-વીડીયો તેનો શેર કરે, દર્દી સાથે સગાઓની વાત કરાવવા યોગ્ય હોય તો કરાવી આપે, દર્દીની સ્થિતી નિયમ અનુસાર દૃશાવી શકાતી હોય તો વીડીયો મારફતે સગાઓને બહાર દેખાડે તે સહિતની સેવાઓ આવી હેલ્પડેસ્ટ પરથી શરૂ કરવી જોઈએ. ભાજપ સહિતના રાજકીય પક્ષોમાં જયારે જયારે હોદાઓની લ્હાણી કરવાની હેાય કે ટિકિટો લેવાની હોય તો સેન્સ વખતે અમે ફલાણી સેવાઓ બજાવી છે અને અમને અન્ય સેવાયજ્ઞો કર્યાના લેટરપેડો લઈને કઈક સેવાભાવીઓ ઉમટી પડતા હોય છે, આવી યાદી રાજકીયપક્ષોના કાર્યલયમાં પડેલી ફાઈલોમાથી કાઢીને આ પ્રકારના કાર્યકર્તાઓને કોવિદની સેવામાં આવી હેલ્પડેસ્ક પર ગોઠવવા જોઈએ.

  • જી.કે.ના ડોક્ટરોએ કહ્યું ‘આઈ એમ સોરી’ને પરિવારજનો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા

જી.કે. જનરલના કથળેલા વહીવટના કારણે વધુ બે દર્દીના લાપરવાહીથી મોત : આદિપુરની હોસ્પિટલમાંથી જી.કે.માં ખસેડાયેલા બે કોરોના દર્દીઓના નિપજ્યા મોત : સ્ટાફની બેદરકારીથી દર્દીઓના ટપોટપ થતાં મોત કચ્છ માટે ચિંતાજનક : ખાનગી હોસ્પિટલો ગંભીર દર્દીની સ્થિતિ ગંભીર થાય ત્યારે જી.કે.માં મોકલી દે હાથ ખંખેરી દે છે… જેને કલેકટર સહિત આરોગ્ય તંત્ર નોંધ લે

ભુજ : કોરોનાની પરિસ્થિતિમાં તબીબો અને સ્ટાફ પોતાના જીવની પરવા કર્યા વગર કોરોના દર્દીઓની સેવા કરે છે. જોકે, તેમાં લાપરવાહી સાંખી શકાય નહીં. ભુજની મુખ્ય કોવિડ હોસ્પિટલ જી.કે. જનરલ કોરોનાની સારવાર અંગે વિવાદમાં આવી રહી છે તે વચ્ચે વધુ એક મામલો સામે આવ્યો છે. હોસ્પિટલમાં કથળેલા વહીવટ અને સ્ટાફની બેદરકારીથી બે દર્દીઓના મોત નિપજ્યા છે. બીજી તરફ આદિપુરની એ જ ખાનગી હોસ્પિટલમાંથી એક દર્દીને જી.કે. જનરલમાં લવાયા હતા. રાત્રે ૮ વાગ્યે હોસ્પિટલમાં દાખલ કરાયા, બીજા દિવસે બપોરે ૧ર વાગ્યે ડોક્ટરોએ કહ્યું આઈ એમ સોરી, અમે તમારા સ્વજનને બચાવી શક્યા નથી. દેવીસીંઘ નામના વ્યક્તિનું સ્ટાફની બેદરકારીથી જ મોત નિપજ્યું હોવાના આક્ષેપ પરિવાર દ્વારા કરાયા છે. આદિપુરની ખાનગી હોસ્પિટલ દર્દીઓને સારવાર આપે અને પરિસ્થિતિ કથળે ત્યારે જી.કે. જનરલમાં મોકલી દે તે કેટલી હદે યોગ્ય છે. તંત્રની એક-બીજા પર અપાતી ખોના કારણે કચ્છમાં કોરોનાથી પીડિત દર્દીઓ મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે.