ભુજ જી.કે.માં રેમડેસિવીર ઈન્જેક્શનનો જથ્થો તળિયાઝાટક

  • પૂર્વ કચ્છમાં ઈન્જેક્શન વિતરણની વાતો વચ્ચે

ઈન્જેક્શન લેવા માટે કચ્છની ગાડી ગત રાત્રીથી નરોડામાં છે ઉભી : આજ સાંજ સુધી જથ્થો પહોંચવાની શક્યતા પણ ધૂંધળીઃ રેમડેસિવીર ભુજ આવ્યા બાદ અહીંથીજ પૂર્વ કચ્છ માટે પણ થશે ફાળવણી

ભુજ : કચ્છમાં કોરોનાનો કહેર ઘાતક બની રહ્યો હોઈ ઈન્જેક્શન વિતરણની પ્રક્રિયા ઝડપી બનાવવા તેમજ સમયનો બચાવ થાય તે માટે પૂર્વ કચ્છના તાલુકા માટે આજથી અંજાર – ગાંધીધામથી વિતરણ શરૂ કરવાની વાત ઉચ્ચારાઈ હતી. હાલે સમગ્ર જિલ્લાના દર્દીઓ માટે જયાંથી રેમડેસિવીરનું વિતરણ થઈ રહ્યું છે તેવી ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં જથ્થો તળિયા ઝાટક થયો છે.આ બાબતે સુત્રોમાંથી પ્રાપ્ત થયેલી વિગતો મુજબ નરોડા ડેપોમાંથી કચ્છમાં રેમડેસિવીરનો જથ્થો ફાળવવામાં આવે છે. દરેક બેચમાં ૭૦૦ જેટલા ઈન્જેક્શન અપાય છે.ગત રાત્રીથી ઈન્જેક્શન લેવા માટે કચ્છની ગાડી નરોડા ખાતે ઉભી છે.જો કે અંકલેશ્વરથી જથ્થો નરોડા પહોંચ્યા બાદ લિસ્ટ મુજબ લોડીંંગ થતું હોઈ આજ સાંજ સુધી કચ્છમાં ઈન્જેક્શન પહોંચે તેવી સંભાવના નહીવત છે.પૂર્વ કચ્છમાં શરૂ થનારા વિતરણ માટેનો જથ્થો પણ ભુજથી જ ફાળવવાનો હોઈ ભુજ ઈન્જેક્શન પહોંચ્યા બાદ પૂર્વ કચ્છ માટેનો જથ્થો મોકલવામાં આવશે. ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં રેમડેસિવીરનો જથ્થો ખુટી પડયો હોઈ કોઈ વાદ – વિવાદ ન થાય ઉપરાંત અવ્યવસ્થા ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.