પોલિસી મેટરના કારણે વિતરણ થોડા સમય માટે રોકાયા બાદ પુનઃ શરૂ : ઈન્જેક્શનની કિંમતમાં ભાવ વધારો ઝીંકાયો

ભુજ : વૈશ્વિક મહામારી કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું હોઈ દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક સ્તરે ઉછાળો આવી રહ્યો છે. રેમડેસિવીર ઈન્જેક્શનને દર્દીઓ માટે રામબાણ સમાન મનાતું હોઈ તેની માંગમાં ઉછાળો આવ્યો છે. ભુજ જી.કે.માંથી આ ઈન્જેક્શનનું વિતરણ કરવામાં આવે છે. જો કે, આજે વિતરણ અટકતા લોકો હાલાકીમાં મુકાયા હતા. પ્રાપ્ત થયેલી વિગતો મુજબ ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાંથી આજે રેમડેસિવીર ઈન્જેક્શનનું વિતરણ અટકતા તરેહ તરેહની ચર્ચાઓ પણ જાગી હતી. સુત્રોમાંથી પ્રાપ્ત થયેલ વિગતો મુજબ જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે, પરંતુ પોલિસી મેટરના કારણે વિતરણ બંધ કરાયું હતું જે બાદમાં પુનઃ શરૂ કરી દેવાયું છે. બીજીતરફ ઈન્જેક્શન વિતરણ શરૂ કરાયા બાદ કિંમતમાં પણ ભાવ વધારો ઝીંકી દેવાયો છે. અગાઉ રેમડેસિવીર ઈન્જેકશનની કિંમત રૂા. ૬૬૮.૪રની વસુલાતી હતી, તેને બદલે નવા ભાવ રૂા. ૧પ૬૮ કરી નાખવામાં આવ્યા છે. આજે નવા ૭૦૦ ઈન્જેક્શનનો જથ્થો ભુજ પહોંચી આવ્યો હતો.