ભુજ, ગાંધીધામ અને નખત્રાણાના કેન્દ્રો પર ધો.૧૦ અને ૧રના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ

બપોર બાદ ધો.૧રના સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

ભુજ : રાજ્યમાં આજથી ધોરણ ૧૦ અને ૧૨ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કચ્છના ભુજ, ગાંધીધામ, નખત્રાણા ઝોનમાં રપ કેન્દ્રો, ૯૮ બિલ્ડિંગ અને ૮૭૭ બ્લોકમાં ૧૮૦૦૬ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ગુજરાત રાજ્યના માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ દ્વારા ધો.૧૦ અને ૧રના રિપીર વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. જિલ્લામાં કુલ ૬પ૩ બ્લોકમાં પરીક્ષા લેવાઈ રહી છે. ેના માટે ૭૯ સ્કૂલો નક્કી કરાઈ છે. જેમાં આદિપુરમાં ૪, અંજારમાં ૬, ભુજમાં ૧૦, માંડવીમાં ૭, નખત્રાણામાં ૪, કોઠારામાં ર, મુન્દ્રામાં ૪, ભચાઉમાં ૪, ગાંધીધામમાં ૬, ગઢશીશામાં ૩, દયાપરમાં ૩, નલિયામાં ર, રાપરમાં પ, કેરામાં ર, ભુજપુરમાં ર, આડેસરમાં ર, સામખિયાળીમાં ૩, ખાવડામાં ર, ઢોરીમાં ર, રતનાલમાં ર, કુકમામાં ર, મોથાળા અને કટારિયાની એક એક શાળાનો સમાવેશ કરવામાં આવ્યો છે.ભુજમાં આ પરીક્ષા ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ, ઈન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ, માતૃછાયા, ચાણક્ય સ્કૂલ, મુસ્લિમ એજ્યુકેશન હાઈસ્કૂલ, વી.ડી. હાઈસ્કૂલ, આર.ડી. વરસાણી, કચ્છી લેવા પટેલ, સ્વામિનારાયણ વિદ્યાલય, મા આશાપુરા સ્કૂલ, સેન્ટ ઝેવિયર્સ, સંસ્કાર સ્કૂલ અને સેન્ટએન્ડ્રુસ પરીક્ષા લેવાઈ રહી છે.
આ અંગે વિગતો આપતા જિલ્લા શિક્ષણાધિકારી ડો. ભગવાનભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે, આજથી ધો.૧૦ અને ૧રની રિપીટર પરીક્ષાઓ શરૂ કરવામાં આવી છે. જેમાં નખત્રાણા, ભુજ, ગાંધીધામ કેન્દ્રો પર આ પરીક્ષાઓ લેવાઈ રહી છે. કચ્છમાં ધો.૧૦ના ૧ર,૭૮૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. કોવિડ ગાઈડ લાઈનનું પૂરેપૂરું પાલન કરી વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ સાથે પ્રવેશ આપી સેનેટાઈઝર કરી, માસ્ક સાથે પ્રવેશ આપવામાં આવ્યો છે. બોર્ડની સૂચના મુજબ દરેક બ્લોકમાં ર૦ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા છે અને સંવેદનશીલ કેન્દ્રો પર કલેક્ટર દ્વારા વર્ગ-૧ અને રના અધિકારીઓની વિજલન્સ ક્વોર્ડની નિમણૂક કરાઈ છે અને તમામ કેન્દ્રો પર અધિકારીઓ સમયસર પહોંચી ગયા છે. તમામ કેન્દ્રો પર શાંતિપૂર્વક રીતે પરીક્ષા લેવાઈ રહી છે.બપોર બાદ ધો.૧રના સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના પ,ર૧૭ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષાઓ શાંતિપૂર્વક રીતે લેવા તે માટે સુચારૂ રીતે આયોજન કરવામાં આવ્યું છે. કચ્છમાં પ્રથમ દિવસે લેવાયેલી ધો.૧૦ની પરીક્ષામાં કુલ ૩૬૦૮ વિદ્યાર્થીઓ પૈકી ર૮૬૯ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જ્યારે ૭૩૯ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા, જેમાં ભુજ કેન્દ્ર પરથી કુલ ૧૧૧૯ વિદ્યાર્થીઓમાંથી ૮૭૪ હાજર, ર૪પ ગેરહાજર, ગાંધીધામ કેન્દ્રમાં ૧પ૩૦માંથી ૧ર૩૩ વિદ્યાર્થીઓ હાજર, ર૯૭ ગેરહાજર તેમજ નખત્રાણા કેન્દ્રમાંં ૯પ૯ વિદ્યાર્થીઓ પૈકી ૭૬ર હાજર રહ્યા હતા. જ્યારે ૧૯૭ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ધો.૧રની સામાન્ય પ્રવાહની ચિત્ર, સંગીત અને કોમ્પ્યુટરની પરીક્ષા લેવાઈ હતી, જેમાં કુલ ૩૭૭ વિદ્યાર્થીઓ પૈકી ૩ર૭એ હાજર રહી પરીક્ષા આપી હતી. જ્યારે પ૦ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

૧૦૩ દિવ્યાંગ વિદ્યાર્થીઓેએ ધો.૧૦ની આપી પરીક્ષા

ભુજ : કચ્છમાં આજથી ધો.૧૦ અને ૧રના રીપીટ વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો છે. જેમાં ધોરણ ૧૦ના ૧૦૩ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ભુજ, નખત્રાણા અને ગાંધીધામ પરીક્ષા કેન્દ્રો પર દિવ્યાંગ પરીક્ષાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે.

આજથી કચ્છમાં ધોરણ ૧૨ની સ્કૂલો, કોલેજો ઓફલાઇન શરૂ

જે સ્કૂલોમાં પરીક્ષા કેન્દ્રો નથી ત્યાં ધોરણ-૧રનું શિક્ષણ શરૂ કરાયું છે : પ્રથમ દિવસે લાલન કોલેજમાં ર૬૦ વિદ્યાર્થીઓ રહ્યા હાજર

ભુજ : કોરોનાના કેસ ઘટતા ધો.૧૨ની ઓફલાઈન સ્કૂલો-કોલેજો- હોસ્ટેલ આજથી શરૂ કરવા માટેની સરકારે જાહેરાત બાદ કચ્છમાં પણ સ્કૂલો અને કોલેજો શરૂ કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓના સંમતિપત્રક સાથે સ્કૂલ અને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો છે.સરકારના પરિપત્રમાં સ્કૂલો ૫૦ ટકા કેપેસિટી સાથે શરૂ કરાઈ છે. વિદ્યાર્થીઓ, વાલીઓ, સ્કૂલના સ્ટાફને કોરોના સંબંધિત તમામ પ્રકારના નિયમોનું પાલન કરવાનું રહેશે. આ સાથે જ ક્લાસ રૂમને સેનિટાઈઝ કરાયા હતા. શિક્ષણ વિભાગે વાલીઓના સંમતિપત્રનું ફોર્મેટ પણ જારી કર્યું છે. ઓફલાઈન વિકલ્પ ન પસંદ કરનાર વિદ્યાર્થીનું ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખી શકાશે. જે સ્કૂલોમાં એકઝામ સેન્ટર હશે તે સ્કૂલોમાં સવારે ઓનલાઈન-ઓફલાઈન ટીચિંગ કરાયું હતું.આ બાબતે જિલ્લા શિક્ષણાધિકારી ડો. ભગવાનદાસ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, જે સ્કૂલોમાં એકઝામ સેન્ટર ફાળવવામાં આવ્યા છે તે સ્થળ પર ધોરણ-૧રની સ્કૂલ શરૂ કરાઈ નથી અને જયાં એકઝામના સેન્ટરો નથી ત્યાં આજથી રાબેતા મુજબ ધોરણ-૧રના વિદ્યાર્થીઓનો અભ્યાસ શરૂ કરાવાયો છે.
તો બીજીતરફ કચ્છની કોલેજો પણ આજથી ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે., જેમાં કોલેજોમાં દરવાજા પર વિદ્યાર્થીઓનું ટેમ્પરેચર માપવામાં આવ્યું હતું. કોલેજના દરેક ફલોર સેનિટાઇઝ્‌ડ કરાયા છે. વિદ્યાર્થીઓ એકસ્થળે એકઠા થઈ શકશે નહીં તેમ જ હાથ મિલાવી શકશે નહીં. લેબોરેટરી, લાઇબ્રેરીમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે શરૂ કરાયા છે.
આ બાબતે ભુજની આર.આર. લાલન કોલેજના પ્રિન્સિપાલ છત્રપાલસિંહ ઝાલાએ જણાવ્યું કે, આજથી કોલેજ ખાતે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. બીએ અને બીએસસીના સેમેસ્ટર ૩ અને પના ર૬૦ વિદ્યાર્થીઓ વાલીઓના સંમતિપત્રક સાથે હાજર રહ્યા હતા.