ભુજ-ગાંધીધામમાં સરકારે નિયંત્રણો લગાવ્યા, બાકીના વિસ્તારોમાં લોકો આગળ આવે

  • જાન હૈ તો જહાન હૈ !

ગામડાઓમાં વકરતી મહામારી સામે સ્વયંભૂ લગાવાય છે પ્રતિબંધો : સંક્રમણ અટકાવવા અન્ય શહેરોમાં લોકો દાખવે સજાગતા : થોડા સમય સૌ કોઈ સચેત રહી કોરોનાને ફેલાવતા અટકાવીએ : એક બીજાને અડવાનું નથી પણ એકબીજાની સાથે માનવતા મહેકાવીએ

ભુજ : જાન હૈ તો જહાન હૈ, આ વાક્ય હાલના સંજોગોમાં સાચુ સાબીત થઈ રહ્યું છે. કારણ કે, ચારો તરફ કોરોનાનો હાહાકાર છે. માણસો મરી રહ્યા છે. સાધનો મળતા નથી. ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આવા સમયે જો ઘરની એક દીવાલમાં ફોટો ફ્રેમમાં ફીટ ન થવું હોય અને પરિવારને હસતો-રમતો જોવો હોય તો નિયમો પાળવા અત્યંત જરૂરી છે.
સરકાર અને તંત્ર તો પોતનું કામ કરશે. પણ આપણે હવે સમજદારી રાખવાનો સમય આવી ગયો છે. બજારમાં કોણ વ્યક્તિ સંક્રમીત હશે તેની આપણને ખબર નથી. જે વ્યક્તિને સવારે હસતો રમતો જોવો હોય સાંજે તેના ફોટા પર ઓમ શાંતિ લખવું પડે છે. કારણ છે આ બીમારી, મહામારીનો વ્યાપ સતત વધી રહ્યો છે. આવા સમયે જાગૃત્તિ જ કોરોનાથી બચાવશે. ઘરની બહાર કામ વગર ન નીકળીએ, જવાનું થાય તો માસ્ક પહેરીએ, બહારથી આવ્યા બાદ હાથ સાફ કરવા, બજારમાં કોઈને અડકવું નહીં, ઘરના સભ્યો પણ ઘરમાં જ રહે, આપણે સુરક્ષીત તો પરિવાર સુરક્ષીત, પરિવાર સુરક્ષીત તો સમાજ અને આખો દેશ સુરક્ષીત, નિયમો પાળવાની શરૂઆત આપણે કરીએ અને લોકોને પણ નીયમો પાળવા સમજાવીએ તેમજ વેક્સીન મુકાવીએએ અત્યંત જરૂરી છે. નાની-નાની બાબતોમાં દાખવાતી સમજદારી આપણને કોરોનાથી બચવાશે. હાલમાં ભુજ અને ગાંધીધામમાં સરકારે કડક નિયંત્રણો લગાવી દીધા છે ત્યારે અન્ય શહેરોના પણ લોકો સરકાર કે તંત્રની રાહ જોયા વગર સ્વયંભૂ નિયમો પાળે એ જરૂરી છે. ગ્રામીણ વિસ્તારોમાં કોરોના વકરતા સ્વયંભુ સચારબંધી લાદવામાં આવી રહી છે.ગામડાના લોકો તો સચેત બની ગયા, હવે શહેરના લોકો પણ સાવચેતી અને જવાદારી દાખવે તે જરૂરી છે. પોલીસ આવે કે ન આવે પરંતુ આપણે તમામ નીયમોનું પાલન કરીએ, માસ્ક વગર ન ફરીએ, બજારમાં ભીડ ન કરીએ, વેક્સીન મુકાવીએ આવા નાના-નાના પ્રયાસો જ કોરોના સામે જીત અપાવશે અને હા, જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાનો અવસર છે. તેથી સૌની મદદ કરીએ આરોગ્ય વિષયક સેવા હોય કે રાશન-ભોજનની મદદર, જરૂરિયાત મંદ લોકોને મદદ કરી માનવતા મહેકાવીએ એ જરૂરી છે. એકબીજાને અડવાનું નથી પણ એકબીજાની સાથે રહેવાનું છે.

અબડાસાના ગામે-ગામ સ્વૈચ્છીક અડધો દિવસ કામકાજ

કોઠારા આખું ગામ કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવતા બંધ : વાયોર – મોથાળા પણ અડધો દિવસ ચાલુ : નલિયામાં ૭ર કલાકનો લોકડાઉન સફળ થયા બાદ સરકારી આદેશ આવે તો સહકાર આપવાની વેપારી એસો.ની તૈયારી

નલિયા : ભુજ અને ગાંધીધામમાં સરકારના નિયમોના કડક પાલનની અમલવારી શરૂ થવા સાથે છેવાડાના અબડાસા તાલુકામાં પણ જાગૃતિના સુર સાથે હાલ અમુક ગામોમાં અડધો દિવસ બજારો ખુલે છે તેને સરકારનો આદેશ આવે તો બંધ રાખવાની વેપારી અને અગ્રણીઓએ તૈયારી બતાવી હતી.અબડાસા તાલુકાના મુખ્ય મથક નલીયા મધ્યે ૭ર કલાકનો સ્વૈચ્છીક લોકડાઉન સફળ રહ્યો હતો તેવું જણાવી નલીયા વેપારી એશો.ના પ્રમુખ હકુમતસિંહ હઠુભા જાડેજાએ જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતી ઉપર વેપારી એશો. નજર રાખી રહ્યું છે અને સરકારી આદેશ આવે તેમાં સહકાર આપવાની નલીયા વેપારી એશો.ની તૈયારી છે.વાયોરના સરપંચ પતિ સાહેબજી જાડેજાનો સંપર્ક કરતા ખુદ તેઓ હોમ ક્વોરેન્ટાઈન હતા અને આજે ક્વોરેન્ટાઈનનો તેમનો છેલ્લો દિવસ છે તેમ જણાવી હાલ વાયોરમાં પોજીટીવ કેસો આવ્યા બાદ સવારથી બપોર ર વાગ્યા સુધી જ ગામ ચાલુ રહે છે અને સ્વૈચ્છીક રીતે જ અડધો દિવસ હાલ બંધ હોય છે તેમ જણાવ્યું હતું.સરકાર દ્વારા સંપુર્ણ લોકડાઉન જરૂરી છે કે કેમ તેના જબાબમાં તેમણે હાલ જેટલા સંક્રમણને ટાળવા સરકારી રાહે પગલા લેવાય તેટલા ઓછા છે જણાવી વાયોર સંપુર્ણ લોકડાઉન માટે સહકાર આપશે તેવું જણાવ્યું હતું. મોથાળા ગામના અગ્રણી કિશોરભાઈ (જગદીશ) ઠક્કરે જણાવ્યું હતું કે હાલ મોથાળાની બજારો અડધો દિવસ સુધી એટલે કે બપોરે ર વાગ્યા સુધી જ ખુલ્લી રહે છે.અહિંના ખાનગી અને સરકારી દવાખાના દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે ભલે તેમાં બધા કોરોના દર્દી ન હોય સાદા તાવના પણ કેસો આવી રહ્યા છે ત્યારે લોકોના જાહેર આરોગ્યની સલામતી માટે તેઓ વ્યક્તિગત રીતે લોકડાઉન થાય તેના પક્ષમાં છે ધંધા આખી જીંદગી કરી શકાશે પણ હાલ એકાદ મહીનો સાચવીને ચાલશું તો આવનારી પેઢી માટે સારૂ કામ કર્યું ગણાશે તેવો તેમણે મત વ્યક્ત કર્યો હતો.આમ અબડાસા તાલુકાના મુખ્ય ગામો હાલ અડધો દિવસ ચાલુ રહે છે અને નલીયા ૭ર કલાકના લોકડાઉનના સારા પરિણામ મેળવ્યા હોઈ સરકારી આદેશની રાહ નાગરીકો જોઈ રહ્યા છે.

ગામડાઓમાં સ્વયંભૂ લોકડાઉન અને શહેરોમાં પડાય ગાઈડલાઈન

કોરોનાના સંક્રમણની ચેઈન બ્રેક કરવા લોકો બંધમાં આપે સહયોગ : સાંસદ વિનોદ ચાવડા

ભુજ : કચ્છમાં કોરોનાની બીજી લહેરને કારણે પરિસ્થિતિ ગંભીર બની છે. કોરોનાનું સંક્રમણ વધુ ફેલાઈ રહ્યું છે અને મૃત્યુ આંક પણ વધ્યો છે ત્યારે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ કચ્છમાં ગામડાઓ સ્વયંભૂ લોકડાઉનમાં જોડાય તેમજ બે મુખ્યમથક ભુજ અને ગાંધીધામ માટે સરકારે જારી કરેલા નિર્દેશોનું પાલન થાય તેવી અપીલ કરી હતી. કચ્છમાં બીજી લહેરમાં કોરોના તેજ ગતિએ ફેલાય છે જેને પગલે સાંસદ વિનોદ ચાવડાએ કચ્છીઓને અપીલ કરી હતી કે કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવે. ગામડાઓ સ્વયંભુ લોકડાઉનમાં જોડાય, લોકો આકસ્મીક કામ સિવાય ઘરની બહાર ન નીકળે, નીકળવું પડે તો માસ્ક અવશ્ય પહેરો, સોશિયલ ડિસ્ટન્સ જાળવો તેવી અપીલ કરી હતી. કચ્છના અનેક ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન કરાયું છે. જેને તેમણે બિરદાવ્યું હતું અને હજુ પણ તમામ ગામો સ્વયંભુ લોકડાઉન કરીને કોરોનાના ફેલાતા સંક્રમણની ચેઈનને બ્રેક કરે તેવી તેમણે અપીલ કરી હતી તો જિલ્લા મથક ભુજ અને ગાંધીધામમાં સરકાર હાલ બહાર પાડેલ નવી ગાઈડલાઈન મુજબ વેપારીઓ બંધ પાડે અને લોકો પણ સ્વયંભુ લોકડાઉનમાં જોડાય તેવી અપીલ તેમણે કરી હતી. કોરોના સામેની લડાઈમાં સરકારી માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે આપણે સૌ પાલન કરીએ અને આપણી આસપાસના લોકોને પણ પાલન કરાવીએ તેવું સાંસદ વિનોદભાઈ ચાવડાએ ઉમેર્યું હતું. આ ઉપરાંત આગામી પહેલી મેથી ૧૮ વર્ષથી ઉપરના લોકોને પણ રસી આપવામાં આવશે. ત્યારે લોકો રસીકરણ ઝુબેશમાં જોડાય અને કોઈપણ અફવા કે ગેરસમજમાં દોરાયા વિના રસી મુકાવી કોરોના સામેની લડાઈમાં જોડાય તેવું તેમણે કહ્યું હતું.

માંડવી શહેરમાં પાંચ દિવસના સ્વૈચ્છિક લોકડાઉનમાં નવા કેસોમાં ઘટાડો થયો
માંડવી : નગર અધ્યક્ષા હેતલબેન સોનેજી પાંચ દિવસના સ્વૈચ્છિક લોકડાઉન દરમિયાન શહેરને સેનેટાઈઝ કરવામાં આવ્યો હતો. સફાઈ અને ડીડીટી છંટકાવ, કર્મચારી સાથે નગરજનોને માસ્ક વિતરણ તેમજ નગરપાલિકા દ્વારા ર૪ કલાક એમ્બ્યુલન્સ તથા શબવાહિનીની સેવા ફાળવવામાં આવી હતી. સ્વૈચ્છિક લોકડાઉનથી નવા કેસો આવતા ઓછા થયા હતા. આરોગ્ય તંત્રની જહેમતથી રિક્વરી રેટ કેસોમાં વધારો થયો છે અને એક્ટિવ કેસોમાં ઘટાડો થયો છે. સ્વૈચ્છિક લોકડાઉનની અસર કોરોના મહામારી પર પડી રહી છે. પ દિવસના લોકડાઉનમાં મહદઅંશે સુધારો આવ્યો છે પણ જો ૧૪ દિવસનો લોકડાઉન હોય તો ઘણો ફરક પડી શકે તેમ છે. તેવું માંડવી તા. હેલ્થ ઓફિસર ડો. કે.પી.પાસવાને જણાવ્યું હતું.

ભુજમાં કોવિડ-૧૯ ગાઈડ લાઈનનું પાલન નહીં થાય તો સુધરાઈ કડક કાર્યવાહી કરશે

કલેક્ટરના જાહેરનામાનો અમલ કરવા વેપારીઓને નગરપાલિકાના પ્રમુખની અપીલ

ભુજ : કચ્છમાં કોવિડ-૧૯ મહામારી બેકાબૂ બની રહી છે ત્યારે ભુજ સહિતના શહેરોમાં કોરોના કેસો સતત વધી રહ્યા છે ત્યારે કલેક્ટરના જાહેરનામાનો અમલ કરવા માટે ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કરે અપીલ કરી છે જો સરકારની ગાઈડ લાઈનનું પાલન નહીં થાય તો સુધરાઈ કડક કાર્યવાહી કરશે. કોવિડ-૧૯ મહામારીથી કચ્છ બેહાલ બન્યું છે ત્યારે ભુજમાં વધતા સતત કોરોનાના કેસો ચિંતાજનક છે. જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામુ બહાર પાડીને મંદિર, સિનેમા, બાગ-બગીચા, જીવન જરૂરિયાત સિવાયની દુકાનો બંધ રાખવાનો જાહેરનામુ બહાર પાડ્યું છે ત્યારે આ જાહેરનામાનો પાલન કરવા ભુજના લોકોને નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કરે અપીલ કરી છે. ઉપરાંત સરકારની કોવિડ-૧૯ અંગેની ગાઈડ લાઈનનું પાલન કરવા ખરીદી માટે એક જ વ્યક્તિ ઘરની બહાર નીકળે, બિન જરૂરી બહાર ન ફરે, ખરીદી કરતી વખતે વેપારીઓ તથા ગ્રાહકો કોરોના માર્ગદર્શિકાનું પાલન કરે તેવું સુધરાઈના પ્રમુખે જણાવ્યું હતું. જો સરકારની ગાઈડલાઈનનું પાલન કરવામાં નહીં આવે તો નગરપાલિકા કડક કાર્યવાહી કરશે તેમ જણાવ્યું હતું.

મુંદરામાં ચોથી મે સુધી સ્વૈચ્છિક લોકડાઉનઃબપોર બાદ વેપાર-ધંધા બંધ રહેશે

મુંદરા : કચ્છ જિલ્લામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે કચ્છનું પેરિસ ગણાતું મુંદરા એક સપ્તાહ સુધી અડધા દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન કર્યું છે. મુંદરા શહેર પાંચ દિવસ સુધી સજ્જડ બંધ રહ્યા બાદ મુંદરાની બજારો સવારે અડધા દિવસ માટે ખુલ્લી હતી જેથી લોકોએ જીવનજરૂરીયાત વસ્તુઓની ખરીદી કરી હતી. જો કે બપોર બાદ સ્વૈચ્છિક લોકડાઉનના કારણે શહેરના શક્તિનગર, જવાહર ચોક, બારોઈ રોડ, કંદોઈ બજાર, સોની બજાર સહિતની બજારો સજ્જડ બંધ રહી ત્યારે ચોથી મે સુધી માત્ર સવારે ૮ થી બપોરના ર વાગ્યા સુધી જ બજારો ખુલ્લી રહેશે. સતત પાંચ દિવસ બંધ રહ્યા બાદ ફરી સ્વૈચ્છિક લોકડાઉનના કારણે વેપારીઓમાં કયાંક ગણગણાટ જોવા મળ્યો હતો.

મોટા લાયજા જડબેસલાક બંધ
મોટા લાયજા : સરપંચ કિશોરભાઈ ગઢવી લોકડાઉનના પાંચમાં દિવસે ગામ જડબેસલાક બંધ છે. પંચાયત દ્વારા સાફ સાઈની સંપૂર્ણ તકેદારી લેવાઈ રહી છે. હાલની કોરોનાની ગંભીરતાને જોતા હજી લોકડાઉન વધારવું જોઈએ જેથી સંક્રમણની ચેઈન તુટી જાય.

મહામારીમાં ડગાળા ગામની સ્વૈચ્છિક લોકડાઉન તેમજ જાગૃત્તિ અન્ય ગામો માટે બોધપાઠ રૂપ

૧૪ થી ૩૦ એપ્રિલ સુધી એક વાગ્યા બાદ ગામમાં પડાયો સ્વૈચ્છીક બંધ :તા.પંચાયત ઉપપ્રમુખ તથા પંચાયત દ્વારા કોવિડ ટેસ્ટ માટે ૩૦૦ કિટો અપાઈ

ભુજ : તાલુકાના ડગાળા ગામ કોરોના મહામારીમાં પ્રથમથી જ સચેત રહી ૧૪ એપ્રિલથી ૩૦ એપ્રિલ સુધી બપોર એક વાગ્યા બાદ સ્વૈચ્છિક લોકડાઉનનો ચૂસ્ત અમલ કરાયો હતો. ગામમાં ભુજ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ડાયાભાઈ આહિર, સરપંચ માવજીભાઈ આહિર દ્વારા ગામમાં કોરોનાને રેપિડ ટેસ્ટ માટેની ૩૦૦ કિટો અપાઈ હતી. ગામમાં પેટા આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ ઘરે-ઘરે જઈ ટેસ્ટ કરી રહ્યા છે, તો ગામમાં રેપીડ ટેસ્ટ કેમ્પનું પણ આયોજન કરાયું હતું. આ ટેસ્ટમાં ર૭ કેસો પોઝિટિવ જણાતા તેઓને હોમ ક્વોરેન્ટાઈન કરાયા હતા. ગામના પૂર્વ સરપંચ દાનાભાઈ વરચંદ, ભુરાભાઈ આલાભાઈ, તા.પં. ભુજના ઉપપ્રમુખ ડાયાભાઈ આહિર, સરપંચ માવજીભાઈ આહિર ગામની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને લોકોને કોઈ અગવડ ન ભોગવવી પડે તેની તકેદારી લઈ રહ્યા છે. ગામના સંઘના સ્વયંસવકો દ્વારા પણ કપુર, અજમાની પોટલીનું વિતરણ કરાઈ રહ્યું છે. લોકો પણ સ્વયંભુ નિયમોનું પાલન કરે છે.

કોરોના સામે નાડાપા ગામ જાગૃત

ગામમાં ઓક્સિજન, દવાઓ, બેડ, એમ્બ્યુલન્સ સહિતની સુવિધા ઉપલબ્ધ : બપોરે એક વાગ્યા બાદ સ્વૈચ્છિક લોકડાઉન

ભુજ : તાલુકાના નાડાપા ગામે કોરોના મહામારી સામે જંગ છેડયો છે. ગામમાં તા. ૩૦ એપ્રિલ સુધી બપોરે ૧ વાગ્યા બાદ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવાયો હતો. જેનો પુરેપુરો અમલ કરવામાં આવ્યો. ગામના દર્દીને ઓક્સિજનની જરૂરતની પુરતી વ્યવસ્થા કરવામાં આવી હતી અને ૪ બેડની પથારી પણ ઈમરજન્સી માટે તૈયાર રાખવામાં આવી. ગામમાં સ્વૈચ્છિક લોકડાઉનના કારણે સંક્રમણ ફેલાતું અટક્યું હતું. દાતાના સહયોગથી કોરોના ટેસ્ટ કીટ, દવાઓ, ઓક્સિજન તથા એમ્બ્યુલન્સ સહિતની વ્યવસ્થા કરાઈ. શરૂઆતમાં આ ગામમાં ૭૦ કેસો હતા જે ઘટીને ૧૯ થયા છે. ગામના જાગૃત સરપંચ દેવજીભાઈ કાગી તથા દાતા ગોકળ કાનજી ડાંગર, હરિ કાનજી ડાંગરે જહેમત ઉઠાવી હતી. જરૂરત પડે નજીકના ધાણેટી પીએચસી કેન્દ્રના ડોકટરની સેવાઓ પણ લેવાય છે.

મસ્કા ગામે પણ સ્વૈચ્છીક લોકડાઉનઃ સરપંચ કિર્તિ ગોર
મસ્કા : માંડવી તાલુકાના મસ્કા ગામે સ્વૈચ્છીક લોક ડાઉન જાહેર કર્યું છે. અગાઉ કેસ આવ્યા હતા તે ધીરે- ધીરે ગટી રહ્યા છે. સરપંચ કીર્તિ ગોર અમારા ગામમાં આજે પાંચ દિવસના લોકડાઉન બાદ ૩થી ૪ કેસ પોઝિટીવ આવતા પંચાયત દ્વારા સમગ્ર ગામને સેનેટાઈઝ કરવામાં આવ્યો તેમજ આયુર્વેદીક ઉકાળો, માસ્ક વિતરણ કરાયા હતા. પબ્લિક એનાઉન્સ સિસ્ટમ દ્વારા લોકોમાં વધુ જાગૃત્તા કેળવાય અને વધુમાં વધુ રસીકરણ થાય તે માટેના પ્રયત્ન કરાઈ રહ્યા છે.

કુનરિયામાં કોરોનાની પ્રવેશબંધી

બપોર બાદ સ્વૈચ્છીક લોકડાઉન, રેપીડ ટેસ્ટ તેમજ રસીકરણ માટે જાગૃતિ થકી ગામ મહામારીથી દૂર

ભુજ : તાલુકાના કુનરિયા ગામની ૩પ૦૦ની વસતીમાં હાલે કચ્છમાં વ્યાપેલી કોરોના મહામારીની ખાસ કોઈ અસર જોવા મળી નથી અને અત્યારે ગામમાં કોરોના પોઝિટીવ કેસ નોંધાયેલ નથી અને આ માટે ગામ લોકો તેમજ ગામના યુવાન જાગૃત સરપંચ સુરેશભાઈ છાંગાની જાગૃતિને આભારી છે. આ બાબતે સરપંચ સુરેશભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, ગામમાં ૧૦ દિવસ પહેલા રેપીડ ટેસ્ટ કરાઈ ચુકયા છે અને રસીકરણ ઉપર ભાર દેતાં ગામમાં ૪પ વયથી ઉપરના મોટાભાગના લોકોનું રસીકરણ થઈ જતાં અત્યારે ગામમાં કોરોનાના કોઈ કેસ નોંધાયા નથી. પંચાયત દ્વારા લાઉડ સ્પીકર પર સુચના સંદેશાઓનું લોકો દ્વારા સ્વયંભૂ પાલન કરાઈ રહ્યું છે. ઉપરાંત માસ્ક તેમજ સેનેટાઈઝની પણ લોકો ઉપયોગીતા સમજી ઉપયોગ કરી રહ્યા છે. ર૦ દર્દીઓ માટે તમામ સગવડો સાથેનો એક હોલ પણ ગામમાં ઉપલબ્ધ છે. જેનો ભવિષ્યમાં ઉપયોગી થઈ શકે તેવું સરપંચે જણાવ્યું હતું.

કચ્છની ર૯૯ જેટલી ગ્રામ પંચાયતોએ આંશિક લોકડાઉન કરી સાવચેતી દાખવી

દરરોજ વધુ ગ્રામ પંચાયતો આ ચેઈનમાં જોડાતી જાય છે

ભુજ : કોવિડ-૧૯ મહામારી દેશમાં ચિંતાજનક રીતે વધી રહી છે, જેના કારણે કોરોનાના કેસો તથા મૃત્યુઆંકમાં ઉછાળો આવ્યો છે. કચ્છમાં પણ સ્થિતિ ગંભીર છે ત્યારે આ કોરોના મહામારીને રોકવા માટે કચ્છની ગ્રામ પંચાયતોએ આગળ આવીને આંશિક લોકડાઉન કર્યું છે. કચ્છમાં ૬ર૮માંથી ર૯૯ જેટલી નાની – મોટી ગ્રામ પંચાયતો આંશિક લોકડાઉન કરીને કોરોનાને પરાસ્ત કરવા કટિબદ્ધ બની છે.વૈશ્વિક મહામારી કોરોનાએ ભારતમાંં હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં કોવિડથી દર્દીઓ મોતને ભેટી રહ્યા છે ત્યારે કચ્છની પણ હાલત ગંભીર છે. આ કોરોનાની ચેઈન તોડવા માટે લોકડાઉન જરૂરી છે ત્યારે આ પહેલમાં કચ્છની ગ્રામ પંચાયતો આગળ આવી રહી છે. કચ્છના ગામડાઓ મોટા ભાગે બપોર બાદ આંશિક લોકડાઉનના કારણે ગામના વેપારીઓ ધંધા-રોજગાર બંધ રાખે છે.આ અંગે વિસ્તૃત વિગત આપતા કચ્છ જિલ્લા સરપંચ સંગઠનના પ્રમુખ તથા કુનરિયા ગ્રામ પંચાયતના સરપંચ સુરેશ ગોપાલ છાંગાએ જણાવ્યું હતું કે, કચ્છમાં તાલુકા મુજબ ગ્રામ પંચાયતોએ સ્વૈચ્છિક લોકડાઉન કર્યું છે, જેમાં લખપત તાલુકાની ૩રમાંથી ૧૦ જેમાં માતાનામઢ, દયાપર, ઘડુલી વગેરેનો સમાવેશ થાય છે. અબડાસાની ૮પમાંથી ૩પ, માંડવીની ૭૪માંથી ૭૦, મુંદરાની ૪પમાંથી ૧પ, રાપરની ૮રમાંથી ૧પ, ભુજની ૧૩૩માંથી ૪પ, અંજારની પ૬માંથી પર, ગાંધીધામની ૭માંથી ૭, ભચાઉની પ૬માંથી ૭ તથા નખત્રાણાની ૭૭માંથી ૪૦ ગ્રામ પંચાયતોએ આંશિક લોકડાઉન જાહેર કર્યું છે. આમ કચ્છની કુલ ૬ર૮માંથી ર૯૯ જેટલી ગ્રામ પંચાયતોએ આંશિક લોકડાઉન કર્યું છે.

બિદડા ગામ પણ સ્વૈચ્છિક લોકડાઉનમાં જોડાયો
બિદડા : માંડવી તાલુકાના બિદડા ગામે સ્વૈચ્છિક લોકડાઉનમાં સ્વયબું જોડાયો હતો. અગાઉ જે કેસ આવ્યા હતા જેમાં થોડો ઘટાડો થયો છે, તેવું સરપંચ સંઘાર જણાવ્યું હતું. સરપંચ સુરેશ સંઘાર અમારા ગામમાં લોકડાઉનના પાંચ દિવસ બાદ ૧થી ર કેસ જ પોઝિટિવ આવ્યા છે અને ગામમાં આયુર્વેદીક ગોળીઓ, ઉકાળાનો વિતરણ થઈ રહ્યો છે. ક્વોરેન્ટાઈન લોકો માટે જગ્યા અને ભોજનની વ્યવસ્થા દાતાઓ દ્વારા થઈ રહી છે. લોકોમાં વધુમાં વધુ વેક્સિન અને કામ વગર ઘરની બહાર ન નીકળે અને હાલની પરિસ્થિતિને જોતા લોકડાઉન હજી વધવો જોઈએ.

મોટી રાયણ ગામે લોકડાઉન જાહેર : તકેદારીના પગલાં લેવાયા
મોટી રાયણ : માંડવી તાલુકાના મોટી રાયણ ગામે લોકડાઉન જાહેર કર્યા બાદ તકેદારીના પગલા લઈ ગામવાસીઓને જાગૃત્ત કરાયા હતા તેવું સરપંચ હેમલતાબેન રામજીયાણીએ જણાવ્યું હતું. હેમલતાબેન રામજીયાણી સરપંચ અમારા ગામમાં હાલના લોકડાઉન દરમિયાન ૩થી ૪ કેસ પોઝિટિવ આવ્યા છે. પંચાયત દ્વારા તમામ તકેદારીના પગલાં લેવાઈ રહ્યા છે. હાલની પરિસ્થિતિને જોતા લોકડાઉન વધવો જોઈએ જેથી સંક્રમણની ચેન તૂટી જાય.