ભુજ-ગાંધીધામમાં વેપારીઓએ દુકાનો ખોલી ને પોલીસે શટર બંધ કરાવ્યા

આજથી પમી મે સુધી કડક જાહેરનામાનો બન્ને શહેરોમાં થશે અમલ : માત્ર આવશ્યક સેવાઓ ચાલુ રાખવાનો કલેક્ટરનો પરિપત્ર : જાહેરનામામાં અસમંજસતાના કારણે કચવાટ : લોકોએ દુકાનો બંધ રાખી પણ રોડ પર નજારો જોવા નીકળી પડ્યા

ભુજ : રાજ્યમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે ત્યારે વધુ ૯ શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ ગુજરાત સરકારે લગાવ્યો છે. કચ્છના ભુજ અને ગાંધીધામ સહિત રાજ્યના ર૯ શહેરોમાં સરકારે કડક નિયંત્રણો લાદી મીની લોકડાઉન લગાવ્યું છે. જેનો આજથી કડક અમલ શરૂ કરી દેવાયો છે. ભુજ અને ગાંધીધામ સહિત રાજ્યના ર૯ શહેરોમાં નાઈટ કર્ફ્યૂની સાથો સાથ દિવસે પણ લારી-ગલ્લા, દુકાનો, મોલ સહિતના તમામ સ્થળો બંધ રાખવાનું નિર્ણય લેવામાં આવ્યો છે. વેપારીઓમાં અસમંજસતા વચ્ચે આજે સવારે દુકાનો ખોલી હતી. જોકે, પોલીસે આવી શટર બંધ કરાવ્યા હતા.
આ અગેની વિગતો મુજબ જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી.કે. દ્વારા ગઈકાલે ગૃહ વિભાગના જાહેરનામા અનુસંધાને અધિક કલેક્ટર કુલદીપસિંહ ઝાલાની સહી સાથે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું. જેમાં નાઈટ કર્ફ્યુ અમલી છે તેવા ભુજ અને ગાંધીધામમાં કઈ સેવા ચાલુ રહેશે અને કઈ સેવા બંધ રહેશે તેવું જણાવાયું હતું. જોકે, ગત વર્ષની જેમ સરકારી તંત્રોએ જાહેરનામાની કોપી પેસ્ટ કરતા લોકોમાં મુંઝવણ યથાવત રહી હતી. જેના કારણે લોકોએ આજે સવારે દુકાનો ખોલી હતી. જોકે, બાદમાં પોલીસે કલેક્ટરના જાહેરનામા અનુસંધાને દુકાનો બંધ કરાવી હતી. માત્ર આવશ્યક સેવાઓ અને જે વ્યવસાયને છૂટ અપાઈ છે તેઓને જ દુકાન ખોલવાની મંજૂરી અપાઈ હતી.આજથી પમી મે સુધી ભુજ અને ગાંધીધામ શહેરમાં મેડિકલ, પેરામેડીકલ, ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ, ડેર-દૂધ, શાકભાજી, ફળફળાદીનો વેચાણ, હોમડિલેવરી, અનાજ, મસાલા દળવાની ઘંટી, ઘરગથ્થું ટિફિન સેવા, ઈન્ટરનેટ, ટેલિફોન, મોબાઈલ સંબંધિત સેવાઓ, પેટ્રોલ-ડિઝલ, પોસ્ટ અને કુરિયર, સીએનજી ગેસ, ખાનગી સિક્યુરિટી સેવા, પશુ આહાર, ઘાસચારો, પશુઓની સારવાર, સારવાર સંબંધિત સેવાઓ, ખેતીને લગતી કામગીરી, તમામ પ્રકારના ઉત્પાદન, ઉદ્યોગીક એકમો અને તેને લગતા રો-મટિરિયલ પૂરું પાડતા એકમો ચાલુ રહેશે. આંતર રાજ્ય, આંતર જિલ્લા, આંતર શહેરની ટ્રાન્સપોર્ટ સેવા, બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રહી શકશે. કઈ સેવા બંધ રહેવાની છે. તેના પર નજર કરીએ તો તમામ આર્થિક અને વ્યાપારીક પ્રવૃત્તિઓ જેવી કે દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, રેસ્ટોરન્ટ, લારીગલ્લા, શોપિંગ કોમ્પ્લેક્સ, અઠવાડીક ગુજરી બજાર, હાટ, શૈક્ષણિક સંસ્થા, કોચિંગ ક્લાસ (ઓનલાઈન સીવાય), સિનેમા થિયેટર, ઓડિટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, મનોરંજન સ્થળો, સ્લુન, સ્પા, બ્યુટીપાર્લર, જીમ, સ્વિમિંગ પુલ, તમામ પ્રકારના મોલ, કોમર્શીયલ કોમ્પ્લેક્સ, તમામ માર્કેટયાર્ડ, ધાર્મિક સ્થળો, રાજકીય સામાજિક મેળાવળા બંધ રહેશે, રેસ્ટોરન્ટમાંથી પાર્સલ લઈ શકાશે, માર્કેટ યાર્ડમાં શાકભાજી ફળનું ખરીદ વેચાણ ચાલુ રહેશે. આવશ્યક સેવા સીવાય સરકારી અને ખાનગી કચેરીઓમાં પણ પ૦ ટકા સ્ટાફ રહેશે.બીજી તરફ સમગ્ર કચ્છ જિલ્લામાં અલગથી જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું. જેમાં પમી મે સુધી ધાર્મિક સ્થળો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ઉપરાંત લગ્નમાં પ૦, અંતિમક્રિયામાં ર૦ વ્યક્તિની મરીયાદા, ઓફિસોમાં પ૦ ટકા હાજરી, જાહેર કાર્યક્રમોબંધ, પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવા પ૦ ટકા પેસેન્જર સાથે ચાલુ રહેશે. આજે સવારે વિવિધ વિસ્તારોમાં પોલીસે દુકાનો બંધ કરાવી હતી. જેનો વિરોધ કરવામાં આવ્યો હતો. તંત્ર તરફથી જાહેરનામા અનુસંધાને કોઈપણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી નથી. પોલીસે અચાનક સવારે આવી ધોકો પછાડી દુકાનો બંધ કરાવતા વેપારીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો. જોકે, પોલીસ દ્વારા તો કલેક્ટરના જાહેરનામા પ્રમાણે દુકાનો બંધ કરાવાઈ હતી. દુકાનો બંધ રાખવાનું જાહેરનામુ માત્ર ભુજ અને ગાંધીધામ શહેર પુરતુ જ સીમીત હોવાથી કચવાટ પણ જોવા મળ્યો હતો.

  • પૂર્વ કચ્છ પોલીસ-અંજાર એસડીએમ કેમ ન કરે લાલઆંખ?

ગાંધીધામમાં ડી માર્ટ દ્વારા સરકારના આદેશની ઐસીતૈસી : લોકોનો મોટો ધસારો : નિયમના લીરેલીરાં

ગાંધીધામ સંકુલને કોરોનાના જોખમમાં ધકેલવા બેફિકર બનેલા ગાંધીધામ ડી માર્ટના સંચાલકો-જવાબદારો-મેનેજરો સહિતનાઓને સૌ પ્રથમ તો કોવિદ દર્દીઓની હોસ્પિટલમાં ર૪ કલાક કોરોના સંક્રમિત દર્દીની સારવારની જ આપવી જોઈએ સજા : કોરોના તેમનુ શું બગાડી શકે છે તેનો બરાબરનો તેમને થઈ શકે છે બરાબરનું ભાન ?

ગુજરાત સરકાર દ્વારા નવા નિયમો અનુસાર ર૯ શહેરોમાં મોલ સદંતર બંધ રાખવાના કડક આદેશ છતા પણ ડીમાર્ટ-ગાંધીધામવાળાઓ ધોરીધરાર રાખ્યું ચાલુ, મોટી સંખ્યામા લોકો ઉમટયા…!

પેનડેમીક એકટ-મહામારીના નિયમોના પણ ખુલ્લેઆમ ધજાગરા ઉડાનારા ડી-માર્ટ ગાંધીધામને તો હવે જાહેરનામા અનુસાર માત્ર જ નહી બલ્કે ત્રણથી ચાર માસ માટે સીલ કરી દેવાની જ કરવી જોઈએ ધાક બેસાડતી કાર્યવાહી

ગાંધીધામ : કોરોનાની મહામારી દિવસેને દિવસે વધુને વધુ ચિંતાજનક મોડ પર આવી રહી છે ત્યારે બીજીતરફ ગુજરાત સરકાર પણ આખાય રાજયની સમાંતર ચિંતા સેવી અને લોકભાગીદારીથી આ મહામારીને નાથવા માટે સક્ષમ નિર્ણયો-પ્રયાસો કરી રહી છે જેમાં ગત રોજ જ ગુજરાત સરકાર દ્વારા રાજયના કુલ્લ ર૯ શહેરોમાં વધુ કડક નિયંત્રણો લાદવાની જાહેરાત કરી દીધી હતી અને તેમાં ભુજ-ગાંધીધામનો પણ સમાવેશ થવા પામી ગયો છે. જેમાં લારી-ગલ્લાવાળાઓથી લઈ અને મોલ સહિતનાઓને બંધ રાખવાનો આદેશ આપી દેવામા આવ્યો હોવા છતા પણ ગાંધીધામમાં ડી માર્ટ દ્વારા જાણે કે, સરકારના આ આદેશની ધોરીધરાર ઐસીતૈસી જ કરવામા આવી રહી હોય તેમ આજે મોલ ખુલ્લો રાખવામા આવ્યો હતો અને સહજ રીતે જ મોલ ખુલ્લો રહેતા તેમાં લોકોની પણ મોટી ગીર્દી-ભીડ-ધસારો એકત્રીત થયેલો જોવાઈ ગયો હતો. મોલ તો ખુલ્લો રખાયો જ રખાયો પરંતુ અંદર પણ સોશ્યલ ડીસ્ટનશીંગનો અભાવ, સેનેટાઇજર માત્ર નામ પુરતુ, પાર્કીંગની વ્યવસ્થાઓમાં પણ કેાઈ નિયમોની અમલવારી નહી અને બહાર લોકો કુંડાળા કરીને ઉભા રહે અને અંદર મર્યાદિત સંખ્યામાં હોય તેવુ પણ કયાંય જોવા મળ્યુ જ ન હોવાથી જાણે કે, ગાંધીધામમાં ડી માર્ટવાળાને કોરોનાનો ડર જ ન હોય, અથવા તો કોરોના તેમનુ કશુ જ બગાડી શકવાનો ન હોય, અથવા તો તેમના મોલમાં આવનારાને કોરોના સ્પર્શવાનો જ ન હોય તેવી રીતે આજે રાબેતામુજબ જ ચાલુ રાખી સરકારની નીતી નિયમોના ભંગ કરવા ઉપરાંત ગાંધીધામ સંકુલની પ્રજા પણ મોટા જોખમના ભોગે નફાખોરી જ કરી લેવાની લ્હાયમાં પડયુ હોવાનુ દેખાવવા પામી ગયુ છે.હકીકતમાં પૂર્વ કચ્છ એસપીશ્રીની ટીમ તથા અંજારના એસડીએમ શ્રી જોષી આ બાબતે કડક બને અને આ ડી માર્ટને ન માત્ર હાલમાં બંધ કરાવે બલ્કે આગામી સુચના તેમને ન આપવામાં આવે ત્યા સુધી સદતર સીલ કરવાની ધાક બેસાડતી કાર્યવાહી કરી દેખાડવી જોઈએ જેથી કરીને આ પ્રકારની ગફલતાઈ કરવાની હિમંત અન્ય કોઈ મોલવાળા હાલના સમયે ન કરે..!

  • ભુજમાં લોકો તરફથી સંપૂર્ણ પ્રતિસાદ : પોલીસ વડા સૌરભસિંઘ
    ભુજ : આજથી જ્યારે ભુજ અને ગાંધીધામ શહેરમાં કડક નિયંત્રણો લાગુ કરાયા છે ત્યારે પોલીસ વડા સૌરભસિંઘે શહેરમાં પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. એસપી સૌરભસિંઘે જણાવ્યું કે, રાત્રિ કર્ફ્યુની મુદતમાં પાંચ મે સુધી વધારો થયો છે. તેમજ કડક નિયંત્રણો પણ લગાવાયા છે. જેમાં જે વ્યવસાયને છૂટ અપાઈ છે તેવા શાકભાજી, કિરાણા અને અન્ય આવશ્યક સેવાના સ્ટોર ચાલુ રહ્યા છે. બાકીના લોકોએ નિયમ પ્રમાણે બંધ રાખી છે. પ્રથમ દિવસે ૯૯ ટકા લોકોએ પોલીસ અને તંત્રને સહકાર આપ્યો છે. જેથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. નિયમભંગ થશે તો કાર્યવાહી પણ કરવામાં આવશે. પોલીસ, વહીવટી તંત્ર લોકોના આરોગ્ય હીતાર્થે કામગીરી કરી રહ્યું છે. જનતા સહકાર આપે તો આપણે સૌ કોરોનાને હરાવી શકીશું. એસપી સૌરભસિંઘે હોસ્પિટલ રોડ સહિતના વિસ્તારોમાં પગપાળા ચાલી નિયમોની અમલવારી માટે સૌને તાકીદ કરી હતી. ડીવાયએસપી જે.એન. પંચાલ તેમજ શહેર એ અને બી-ડિવિઝન, ટ્રાફિક પોલીસ સહિતની ટીમોએ બજાર વિસ્તારમાં કલેક્ટરના જાહેરનામાની અમલવારી કરાવી હતી.
  • રમજાન અને લગ્નસરાની સિઝન વચ્ચે અચાનક લોકડાઉનનો શું મતલબ ?
    અનમ રિંગરોડ વેપારી એસો.એ ઠાલવી વ્યથા

ભુજ : શહેરના અનમ રિંગરોડ વેપારી એસોસિએશન દ્વારા કલેક્ટરને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. તેમાં જણાવાયું છે કે, સરકાર તરફથી મીની લોકડાઉન લગાવાયું છે, પરંતુ હાલમાં રમજાન માસ તેમજ લગ્નસરાની સિઝન ચાલુ છે ત્યારે અચાનક લોકડાઉનનો શું મતલબ ? હાલમાં અનમ રિંગરોડની બજારમાં ઉંચા ભાડાની દુકાનો તેમજ માણસો રાખેલા છે. જેથી ધંધો બંધ થવાથી વેપારીઓ પર આર્થિક બોજો પડશે તેની જવાબદારી કોની ? રોજગારી છીનવાઈ જશે તો આપઘાતના પ્રમાણમાં વધારો થશે. હાલના સમયમાં આમ પણ માણસો માનસીક તણાવમાં જીવી રહ્યા છે. કચ્છમાં માત્ર ભુજ શહેર અને ગાંધીધામ શહેરમાં જ કોરોના ફેલાય છે. બાકી કચ્છમાં ક્યાંય કોરોના નથી. નિયમ અમલી બનાવા હોય તો સમગ્ર કચ્છમાં સંપૂર્ણ લોકડાઉન કરો, હરવા-ફરવાની છૂટ, ધંધા બંધ આ તે કેવું લોકડાઉન, હરવા-ફરવાથી સંક્રમણ વધી શકે તેમ છે. તેથી જો લોકડાઉન કરવો હોય તો સંપૂર્ણ લોકડાઉન કરો, માત્ર વેપારીઓ માટે કેમ ? તેવો સવાલ પણ ઉઠાવાયો છે.

  • બાંધકામ સાઈટને છૂટ, પણ સામગ્રી વેંચતા ધંધા બંધ

ભુજ : બન્ને શહેરોમાં કોવિડના નિયમોના પાલન સાથે બાંધકામને લગતી પ્રવૃત્તિ ચાલુ રાખવા જણાવાયું છે, પરંતુ કોન્ટ્રાક્ટરને માલ-સામાન જોઈએ તો તે માટે સિમેન્ટ, લોખંડ ઈતિયાદી બાંધકામને લગતી અન્ય સામગ્રી વેચતા ધંધા બંધ કરાવી દેવાયા છે. આવા સંજોગોમાં વેપારીઓ શું કરે તેવો સવાલ પણ ઉઠવા પામ્યો છે. આ અસમંજસતા દૂર કરવી જરૂરી છે.

  • ઓનલાઈનને છૂટ તો અમને પણ ગ્રાહકો વગર દુકાનો ખોલવા દયો

ભુજ : જાહેરનામા ઘણી અસમંજસતાઓ જોવા મળી રહી છે, ત્યારે ભુજના અનમ રિંગ રોડના વેપારીઓએ પોતાનો બળાપો ઠાલવ્યો હતો. વેપારી હિતેશ સંઘવીએ જણાવ્યું કે, ઓનલાઈન બિઝનેશની છૂટ અપાઈ છે, પરંતુ ઓનલાઈન ઓર્ડરમાં જતી વસ્તુઓ દુકાનમાંથી જ અપાય છે તો અમને દુકાન ખોલવી જ પડે. ખર્ચા ચાલુ છે, ત્યારે જાહેરનામા ફેરફાર કરી દુકાનો ગ્રાહકો વગર ખુલ્લી રહે તેવી માંગણી કરીએ છીએ. લગ્નની સીઝનમાં ઓર્ડર લીધેલા છે તે પુરા કરવા દુકાનો અડધા શટરે ખુલ્લી રાખવા માંગ કરી હતી. તો અનિલ ડાભીએ કહ્યું કે, સરકારે માત્ર ભુજ – ગાંધીધામમાં પ્રતિબંધો લગાવ્યા છે. હાલમાં લગ્નની સીઝન છે અમે ઓર્ડર લીધેલા છે, ત્યારે અમને દુકાનો ખોલવા દયો, ગ્રાહકોને અમે પ્રવેશ નહીં આપીએ પરંતુ ઓનલાઈન થકી ઓર્ડરનો માલ અને વસ્તુઓ તો સપ્લાય કરી શકીએ. ઓનલાઈન વ્યવસાય ખુલ્લો હોય તો અમારી દુકાનો પણ ઓનલાઈન વ્યવસાય માટે ખુલ્લી રાખવી જરૂરી છે. આ અંગે તંત્ર ઘટતું કરે તેવી માંગણી પણ કરાઈ છે.