ભુજ ખાતે કોરોના રસીકરણ મહાઅભિયાન હેઠળ લોકોને રસી અપાઇ

ભુજ શહેરના છઠ્ઠીબારી રીંગ રોડ પર આવેલ અર્બન હેલ્થ સેન્ટર ભુજ-૧માં કોવીડ-૧૯ રસીકરણ ૧૮ થી ૪૫ વયના લોકો માટેનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનું ઉદઘાટન ભુજ ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્ય, નગરપતિશ્રી ઘનશ્યામભાઇ ઠકકર, મામલતદારશ્રી પ્રજાપતિ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કન્નર, તાલુકા આરોગ્ય અધિકારી ડો.ગાલા, અર્બન મેડીકલ ઓફિસર ડો.નિનાદ ગોર, કાઉન્સિલર ધીરેજભાઇ લાલન દ્વારા દિપ પ્રાગટય કરી ખુલ્લું મુકવામાં આવ્યું હતુ.

આ તકે ભુજ ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્યે કહયું હતું કે, વધુમાં વધુ લોકો રસી લે તેમજ એક વ્યકિત બીજા દસ વ્યકિતઓને રસી લેવા માટે પ્રોત્સાહિત કરે એને પણ કોરોના વોરિયર તરીકે બિરદાવી શકાય તેમજ આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્રનો પણ તેમણે આભાર માન્યો હતો.

ભુજ નગરપતિશ્રી ઘનશ્યામભાઇ ઠકકર દ્વારા રસીકરણની કામગીરીને વધુમાં વધુ વેગ મળે તે માટે સહયોગની ખાતરી આપી હતી. ડો.કન્નર દ્વારા રસીના લાભોની વિસ્તૃત માહિતી અપાઇ હતી તેમજ ડો.ગાલા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. સમગ્ર આયોજન અર્બન હેલ્થ સેન્ટરના મેડીકલ ઓફિસર ડો.નિનાદ ગોર, ડો.અલ્પાબેન પટેલ, તાલુકા સુપરવાઈઝર આસિતભાઇ શાહ, સિવિલ ડિફેન્સના જગદીશભાઇ ઠકકર, અર્બન સુપવાઇઝર ઈમરાનભાઇ મન્સુરી તથા સ્ટાફે જહેમત ઉઠાવી હતી.