ભુજ આરટીઓમાં સિક્યોરિટી ગાર્ડ પર થયો હુમલો

ટેસ્ટ ટ્રેક પર વીડિયો શૂટિંગની ના પાડવાની બાબતે એજન્ટેના સંગાએ સિક્યોરિટી ગાર્ડ પર હુમલો કરતા મચી દોડધામ

ભુજ : અહીં આવેલી વાહન વ્યવહાર કચેરી હરહંમેશ ચર્ચામાં રહેતી હોય છે. ભૂતકાળમાં કૌભાંડોના કારણે આરટીઓ ચર્ચામાં હતી. તાજેતરમાં આરટીઓમાં મહિલાની છેડતી થઈ હોવાની નનામી અરજીના કારણે પોલીસ દોડતી થઈ હતી ત્યારે વધુ એક વખત આરટીઓ કચેરી વિવાદમાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે આજે સોમવારે આરટીઓમાં ટેસ્ટ ટ્રેક પર ડ્રાઈવિંગ લાયસન્સ માટેની પરીક્ષા ચાલુ હતી ત્યારે એક એજન્ટ દ્વારા વીડિયો શૂટિંગ કરવામાં આવી રહ્યું હતું. જેથી સિક્યોરિટીગાર્ડે ટેસ્ટ ટ્રેકના વીડિયો ન લેવા જણાવાયું હતું, પરંતુ વીડિયો બંધ કરવાને બદલે એજન્ટેના સગાએ દાદાગીરી કરી સિક્યોરિટી ગાર્ડને માર માર્યો હતો. આરટીઓમાં સરકારી ફરજ પરના સિક્યોરિટી ગાર્ડ પર હુમલાની ઘટના ઘણી ચિંતાજનક કહી શકાય. આરટીઓ અધિકારીની ઢીલાશભરી નીતિના કારણે અવાર-નવાર અહીં ઝઘડાઓ, કૌભાંડો, વિવાદો થતા હોય છે ત્યારે હવે જાે એજન્ટ આરટીઓને ઘરની ધોરાજી સમજી સિક્યોરિટી ગાર્ડ પર હુમલો કરે તે કેટલી અંશે યોગ્ય ગણાય. ઘટનાની જાણ થતાં આરટીઓ અધિકારી દોડી ગયા હતા અને પોલીસને બોલાવી હતી. ઘટના સ્થળે પોલીસ પણ તાત્કાલીક પહોચી ગઈ હતી.