ભુજ આરટીઓમાં અધિકારીઓની બદલીની ગણાતી ઘડીઓ

બોગસ પત્રકારો અને આરટીઆઈ એક્ટિવિસ્ટથી કંટાળેલા એક અધિકારીએ ગાંધીનગરમાં ફરિયાદ પણ કરી

ભુજ : કૌભાંડ અને વિવાદના કારણે ભુજની પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી હંમેશા વિવાદમાં આવતી હોય છે ત્યારે આ કચેરીમાં વર્ષોથી બેઠેલા અધિકારીઓની બદલીની ઘડીઓ ગણાઈ રહી છે. તાજેતરમાં રાજ્યમાં બદલીનો ગંજીપો ચીંપાયા બાદ બીજા રાઉન્ડમાં કચ્છનો સમાવેશ થાય તેવી વિગતો ગાંધીનગરથી પ્રાપ્ત થઈ છે. થોડા દિવસોમાં ભુજ સહિતની આરટીઓમાં વર્ષોથી ફરજ બજાવતા અધિકારીઓની અન્યત્ર બદલી થશે. અગાઉ પણ કૌભાંડો અને વિવાદોના કારણે અમુક અધિકારીઓને જિલ્લા બહાર ફેંકી દેવાયા હતા. ત્યારબાદ હવે ફરી સરકારે પોતાનું નાક બચાવવા ભ્રષ્ટ બાબુઓને દૂર ખસેડવા તજવીજ શરૂ કરી છે. બીજી તરફ ભુજની આરટીઓ કચેરીમાં અમુક બોગસ પત્રકારો અને આરટીઆઈ એક્ટિવિસ્ટોનો ત્રાસ વધી ગયો છે. ખોટી અરજીઓ કરી અધિકારીનું નાક દબાવી પરેશાન કરવામાં આવે છે ત્યારે એક અધિકારીએ તો સ્થાનિકે દાદ ન મળતા ગાંધીનગર આરટીઓ કમિશ્નરને પણ રજૂઆત કરી છે.