ભુજોડી-ભચાઉ ઓવરબ્રિજ માટે વધુ ૭૦ કરોડની ફાળવણી

ઓવરબ્રિજની નવી ડિઝાઈનને પણ સરકારે આપી મંજૂરી : ભુજ- ભચાઉ હાઈવેનું અટવાયેલું કામ ત્વરીતે થશે શરૂ : સાંસદ

 

ભુજ : ભુજ-ભચાઉ હાઈવે અને ભુજોડી તેમજ ભચાઉના ઓવરબ્રિજના અટકેલા કામને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે આ કામગીરી સત્વરે પુર્ણ થાય તે માટે અનેક વખત રજૂઆતો ઉઠી છે.
સાંસદ વિનોદ ચાવડાએ કચ્છ ઉદય સાથે ખાસ વાતચીત કરીને ભુજ ભચાઉ હાઈવે પર અટવાયેલા કામો અંગે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે, ગુજરાત સ્ટેટ રોડ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે અને તેના અધિકારી દ્વારા સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. તો નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ સમક્ષ આ અંગે રજૂઆત કરાતાં તેમના દ્વારા વધારાના ૭૦ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે, અને આ રોડ અને ઓવરબ્રિજનું કામ વાલેચા નામની એજન્સી અને તેની પેટા એજન્સી દ્વારા કરવામાં આવે છે, જેમાં રોડનું કામ તો મહદઅંશે પૂર્ણ થયું હોવાનું સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું.
કબરાઉ પાસે મંજૂરીના કારણે થોડી ઘણી કામગીરી અટવાઈ છે, જે સત્વરે પુર્ણ કરવામાં આવશે તો ભચાઉ અને ભુજોડી ઓવરબ્રિજ બનાવવામાં પેટા એજન્સીએ નવી ડિઝાઈન સાથે ઓવરબ્રિજ બનાવવાની મંજૂરી સરકાર પાસેથી માંગી હતી તે પણ આપી દેવામાં આવી છે એટલે ભુજ ભચાઉ માર્ગ અને તેના પર આવેલા બન્ને ઓવરબ્રિજનું કામ આગામી ટુંક સમયમાં પુરજોશમાં શરૂ થશે તેવું સાંસદ વિનોદ ચાવડાએ ઉમેર્યું હતું.