ભુજીયા રીંગ રોડ પર છરીની અણીએ યુવકને લૂંટનારી ગેંગ ઝડપાઈ

વાહન પર જતા લોકો પાસે લિફ્ટ માંગી લૂંટના બનાવને અપાતો અંજામ : મહિલા સહિત 5 શખ્સોની ધરપકડ સાથે મુદ્દામાલ કરાયો રિકવર

ભુજ : શહેરમાં આરટીઓથી આત્મારામ સર્કલને જોડતા ભુજીયા રીંગરોડ પર ત્રણ દિવસ પૂર્વે લૂંટનો બનાવ બન્યો હતો. જે કેસમાં બી ડિવિઝન પોલીસે મહિલા સહિત કુલ 5 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓની કેવી રીતે ધરપકડ કરવામાં આવી, તે અંગે ડીવાયએસપી જે.એન પંચાલે વિગતો આપી હતી. ગત 15મીએ રાત્રિના સાડા દસ વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. ફરિયાદી મોહમ્મદ હનીફ લુહાર આત્મારામ રીંગરોડ પરથી પસાર થયા, ત્યારે રોડ પર રૂબિના નામની મહિલા ઉભી હતી. તેણે ફરિયાદીને પોતાના ઘરે મુકી જવા વિનંતી કરી હતી. જેથી ફરિયાદી મહિલાને ભુજીયા રીંગ રોડ પર રામનગરી ખાતે મુકવા ગયા હતા. ત્યારે ગાડી ઉભી રાખી ત્યાં અન્ય ચાર શખ્સો પૂર્વ આયોજીત કાવતરા સાથે ઉભા હતા. રૂબિના નામની મહિલા અને અન્ય ચાર શખ્સોએ ભેગા મળીને છરીની અણીએ ફરિયાદીને માર મારી તેની પાસે રહેલ 20 હજારનો મોબાઈલ અને 1 હજાર રોકડા લૂંટી લીધા હતા. જે કેસમાં ફરિયાદીએ બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી. બનાવને પગલે પોલીસે આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ શોધવા આ પ્રકારની લૂંટમા અગાઉ સંડોવાયેલા આરોપીઓની પુછપરછ કરી રૂબિના નામની મહિલાનો ગુનાહિત ઈતિહાસ ચકાસ્યો, જેના આધારે તેની અટક કરી પુછપરછ કરતા તેણે ગુનાને અંજામ આપ્યાની કબૂલાત આપી હતી. પોલીસે રૂબીના ઉર્ફે રૂબલી બુઢાભાઈ ઈસ્માઈલ મીયાણાની ધરપકડ કરી પોલીસ રિમાન્ડમાં પુછતાછ કરતા અન્ય ચાર શખ્સોના નામ ખુલ્યા હતા. જે આરોપીઓ મેહૂલ ઉર્ફે લડુ હરેશ ઠાકુર, જાવેદ ઉર્ફે બુઢા મિયાણા, સમીર ઉર્ફે ઈલુ અબ્દુલ સમેજા અને રોઝાન ઉર્ફે ધભનીયા અબ્દુલ શકુર સમેજાની ધરપકડ કરી લેવાઈ છે. જેઓ પાસેથી ધાડમાં ગયેલ ર૦ હજારનો મોબાઈલ અને રોકડા રૂપિયા 1 હજાર કબજે કરી ગુનાનો ભેદ ઉકેલી લેવાયો છે. દરમિયાન ભુજીયા તળેટીમાં લોકોને લૂંટનારી રૂબીના સામે વધુ એક ગુનો દાખલ થયો છે. સુરલભીટ્ટ રોડ પર રહેતા ખેરાજભાઈ સુરજભાઈ મહેશ્વરીએ રૂબીના ઉર્ફે રૂબલી બુઢાભાઈ ઈસ્માઈલ મીયાણા સામે ફરિયાદ નોંધાવી છે. જે મુજબ ગત ૧૪મી મેના સાંજના સમયે ભુજીયા તળેટી પર મેલડી માતાના મંદિર પાસે બનાવ બન્યો હતો. આરોપણે ફરિયાદીને પોતાના ઘરે મુકી આવવા માટે જણાવ્યું હતું. ફરિયાદી તેને બાઈકથી મુકવા ગયા ત્યારે ભુજીયા રીંગરોડ પર ખીસ્સામાંથી પ હજારનું મોબાઈલ લૂંટી જો કોઈને કહીશ તો છેડતીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી, જેથી ફરિયાદીએ ગભરાઈને પોલીસને જાણ કરી ન હતી. અલબત આ મહિલા સામે બીજા કેસમાં ફરિયાદ થતા ખેરાજભાઈ ફરિયાદ માટે આગળ આવ્યા છે. પોલીસે તેના સાગરીતોને પણ ઝડપી જેલ હવાલે કરવા ચક્રો ગતિમાન કર્યા છે. નોંધનીય છે કે, આરટીઓથી આત્મારામ સર્કલને જોડતા ભુજીયા રીંગરોડ તેમજ ભુજીયા ડુંગરમાં આવતા જતા પ્રવાસીઓ પાસેથી ચોરી, લૂંટના બનાવો સતત વધી રહ્યા છે.