ભુજવાસીઓ સાવધાન…! એપ્રીલ માસના રપ દિવસોમાં ૪૬૮ લોકો મોતને ભેટ્યા

  • આ છે પાલિકા પ્રશાસનના સત્તાવાર આંકડા..!

માર્ચ મહિનામાં ર૪૬ લોકોના મરણ પ્રમાણપત્ર નગરપાલિકામાંથી થયા ઈસ્યુ : હજુ તો એપ્રીલ પૂર્ણ નથી ત્યાં માર્ચ મહિના કરતા એપ્રીલમાં મૃત્યુઆંક ડબલ થવાની કગાર પર : સરકારી ચોપડે કોરોનાથી મૃત્યુઆંક ભલે બતાવાય કે નહીં પરંતુ જેણે સ્વજન ગુમાવ્યા તેઓ કરે છે વસવસો

(બ્યુરો દ્વારા)ભુજ : કોરોનાની બીજી લહેરમાં ઝડપથી સંક્રમણ ફેલાવવા સાથે માનવીઓ મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. પ્રથમ લહેરમાં ઓછી ઝડપે કોરોના ફેલાતો તેમજ ગંભીર દર્દીઓ જ મોતને ભેટતા પરંતુ બીજી લહેર વાવાઝોડાની જેમ આવી હોય તેમ એક વ્યક્તિમાં સંક્રમણ ફેલાયા બાદ આખા પરિવારને જ ઝપેટમાં લઈ લે છે, તેમાં પણ માણસો ટપોટપ મરી રહ્યા છે. પહેલા તો માત્ર બીમારી ધરાવતા અને સીનીયર સિટીઝન મોતને ભેટતા પરંતુ હાલના સંજોગો એવા છે કે, જે વ્યક્તિને તમે ગઈકાલે સાંજે હસતો જોયો હોય અને સવારે સમાચાર આવે તેને કોવિડ પોઝિટીવ છે અને બીજા દિવસે તેના મોતના સમાચાર સાંભળવા મળે છે. ખાસ કરીને યુવાનો ઝડપથી શિકાર બની રહ્યા છે. મોટા ભાગે હાલમાં લોકો ઘરે રહેતા હોવાથી સોશિયલ મીડિયા તેમજ ટેલિફોનના માધ્યમથી જોડાયેલા રહે છે. પરંતુ જેટલા ફોન કોલ થાય છે તેમાં મહદઅંશે કોરોના પોઝિટીવ વ્યક્તિના હાલ – ચાલ જાણવા કે કોઈ વ્યક્તિ મોતને ભેટયો હોય તો ખરખરો કરવા માટે ફોન કરે છે. વોટસઅપ કે ફેસબુકમાં સ્ટોરી જોઈએ તો રોજ કોઈને કોઈ વ્યક્તિનું કોરોનાથી નિધન થયા હોવાના સમાચાર જાણવા મળે છે. આ જ ખરી વાસ્તવિકતા છે પરંતુ તંત્ર દ્વારા આ માહિતી છુપાવાય છે. જો કે, જેણે પોતાના સ્વજન ગુમાવ્યા છે તેઓ સરકારી પ્રક્રિયા ખાતર ભુજ નગરપાલિકામાં પુરાવા રજૂ કરી મરણનું પ્રમાણપત્ર મેળવે છે. જે સાચા આંકડા બતાવે છે.ભુજ સુધરાઈમાંથી મળેલી માહિતી પ્રમાણે માર્ચ મહિનામાં કુલ્લ ર૪૬ વ્યક્તિઓના મરણ પ્રમાણપત્ર નગરપાલિકા દ્વારા અપાયા હતા, જેમાં ૧૪પ પુરૂષ અને ૧૦૧ સ્ત્રીનો સમાવેશ થાય છે. માર્ચની સરખામણીએ એપ્રીલ મહિનામાં બમણો મૃત્યુઆંક તંત્રના ચોપડે નોંધાયો છે. રપ એપ્રીલ સુધી મળેલી માહિતી પ્રમાણે કુલ્લ ૪૬૮ લોકોના મરણ થયા છે, જેમાં ર૮૬ પુરૂષ અને ૧૮૧ સ્ત્રીનો સમાવેશ થાય છે. જેઓનું નિધન થતા નગરપાલિકા દ્વારા મૃત્યુ પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. હજુ તો મહિનો પૂર્ણ થવાને બાકી છે. મરણ થયા બાદ પરિવારજનો ક્રિયામાં શોકમાં હોવાથી અઠવાડિયા – દસ દિવસ બાદ મરણ પ્રમાણપત્ર લેવા જતા હોય છે, જેથી હજુ પણ ઘણા વ્યક્તિઓની વિગતો ચોપડે નો પૂર્ણ થયા બાદ મૃત્યુ આંક કયાં પહોંચશે તેનો અંદાજો પણ હાલના તબક્કે લગાવવો મુશ્કેલ સમાન લાગી રહ્યો છે. ભુજમાં જી.કે. જનરલ હોસ્પિટલમાં મોતને ભેટતા દર્દીઓની અંતિમવિધિ ખારીનદી સ્મશાન ખાતે કરાય છે. જિલ્લાની મોટી હોસ્પિટલ હોવાથી મરણાંક વધુ છે, તે સ્વાભાવિક છે જેથી ભુજમાં આંકડો વધુ છે. જો કે હજુ પણ કચ્છમાં અન્ય છ નગરપાલિકાઓ તેમજ ૬૩ર જેટલી ગ્રામ પંચાયતો આવેલી છે. ત્યારે આ વિસ્તારોમાં મરણ પ્રમાણપત્ર પણ ઈસ્યુ થઈ રહ્યા છે ત્યારે મૃત્યુનોંધનો જિલ્લાવાઈઝ આંકડો જાહેર કરાય તો એપ્રીલમાં મહિનાનો આંક ઘણો જ ઉંચો જાય તેમ છે. દરરોજ મોતના કિસ્સાઓ પ્રકાશમાં આવે છે. અખબારોમાં એક સમય માત્ર ર૦ થી રપ અવસાન નોંધ આવતી હતી, જો કે હાલ દરરોજ ૧૦૦ થી વધુ અવસાન નોંધ પ્રકાશીત થઈ રહી છે, જે સ્થિતિનો ચિતાર આપે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હજુ અમુક લોકો આ મહામારીને સમજયા વગર લાપરવાહ ફરી આ માત્ર નાટક છે તેવું જણાવી રહ્યા છે, પણ જે લોકોના સગાઓ હોસ્પિટલમાં સારવાર લઈ સ્વસ્થ થયા છે તેઓ કોરોના બીમારી હોવાનું કહી રહ્યા છે પરંતુ જેણે પોતાના સ્વજન ગુમાવ્યા છે, પોતાના સગા કે મીત્રને દાખલ કરવા માટે રઝળપાટ કરી હોય અને અંતિમ ઘડીએ વેન્ટીલેટર કે ઓક્સિજન ન મળવાથી મોતને ભેટે તેવા સ્વજનો ચોધાર આંસુએ રડીને કહી રહ્યા છે કે, અમે ભુલ કરી તમે ભુલ ન કરો આ બીમારી મહામારીથી ઓછી નથી.