ભુજમાં હીટ એન્ડ રન : નિવૃત પોલીસકર્મીનું મોત

એન્જીનીયરીંગ કોલેજમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી પુરી કરી ઘરે આવતા હતા ત્યારે એરપોર્ટ ઉપર કોઈ અજ્ઞાત વાહન ચાલકે બાઈકને ટક્કર મારતા સર્જાઈ કરૂણાંતીકા : પરિવારજનોમાં અરેરાટી

ભુજ : શહેરના ગુરૂદ્વારા ચાર રસ્તાથી હીલગાર્ડન તરફ જતા રીંગરોડ ઉપર એરપોર્ટ સામે હીટ એન્ડ રનનો બનાવ બનવા પામ્યો હતો. અજાણ્યા વાહન ચાલકે મોટર સાયકલને ટક્કર મારતા નિવૃત પોલીસ કર્મચારીને ગંભીર પ્રકારની ઈજાઓ થતાં ઘટના સ્થળે મોત આંબી ગયું હતું. હતભાગીના મોતથી પરિવારજનોમાં ગમગીની છવાઈ જવા પામી હતી.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ જીવલેણ અકસ્માતનો બનાવ ગત રાત્રીના ૧૧ વાગ્યે એરપોર્ટ રોડ ઉપર બનવા પામ્યો હતો. ગીતા કોટેજીસમાં રહેતા અને પાંચ વર્ષ પહેલા પોલીસ વિભાગમાંથી નિવૃત થયેલા પ્રવિણસિંહ દાનુભા પરમાર (ઉ.વ.૬૩)ને અકસ્માત નડ્યો હતો. એન્જીનીયરીંગ કોલેજમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે પોતાની નોકરી પુરી કરીને મોટર સાયકલ નંબર જી.જે.૧ર.એ. કે. ૬ર૧૩ ઉપર ઘરે આવતા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે મોટર સાયકલને ટક્કર મારી ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી ઘટના સ્થળે મોત નિપજાવી વાહન ચાલક વાહન લઈ નાસી છુટયો હતો. શહેર બી ડીવીઝન પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ફેટલ એક્સીડેન્ટનો ગુનો નોંધી પીએસઆઈ આર. યુ. ઝાલાએ તપાસ હાથ ધરી હતી. નિવૃત પોલીસ કર્મચારીનું માર્ગ અકસ્માતમાં મોત થતાં પોલીસ બેડામાં તથા પરિવારજનોમાં શોકનું મોજું છવાઈ ગયું હતું.