ભુજમાં હાથ ઉછીના અપાયેલા રૂ.પ લાખ ચેકથી ઉપાડી લેતા મારામારી

ભુજ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાયો સામસામે ગુનો : બનાવમાં બન્ને પક્ષે ૩ જણને ઈજાઓ થતાં ખસેડાયા સારવાર હેઠળ

ભુજ : શહેરના સરપટ નાકા બહાર મણીયાર ફળિયામાં છડીદાર ચોકમાં બે જુથો વચ્ચે મારામારી થઈ હતી. રૂ. પાંચ લાખનો ચેક બેંકમાંથી ઉપાડી લેવા બાબતે થયેલા ધિંગાણામાં બન્ને પક્ષે ૩ જણને ઈજાઓ થતા સારવાર માટે ખસેડાયા હતા. ભુજ એ ડિવિઝન પોલીસ મથકે સામસામે ફરિયાદ નોંધાઈ હતી.પ્રાપ્ત વિગતો મુજબ મુસ્તાક અલીમામદ છડીદારે આરોપી ઓસ્માણ ગની ઉર્ફે મુન્નો અબ્દુલ કાદર કુરેશી તેમજ સુલેમાન નાશીર ચૌહાણ વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપી ઓસ્માણ ગનીને ૩ વર્ષ પહેલા ધંધાર્થે રૂા. પ લાખ હાથ ઉછીના આપ્યા હતા. આરોપીએ બદલામાં સિક્યોરિટી પેટે ચેક આપેલો હતો. જે ચેકની મુદ્દત પૂર્ણ થતા બેંકમાંથી વટાવીને રૂા. પ લાખ ઉપાડવામાં આવ્યા હતા. જેના કારણે આરોપીએ ઉશ્કેરાઈને રૂપિયા કેમ ઉપાડ્યા તેવું કહીને છરી વડે ફરિયાદીને મારમાર્યો હતોે. તેમજ સાહેદને પણ ધકબુશટની મારામારી કરી હતી. ફરિયાદી મુસ્તાકને ઈજાઓ પહોંચતા ભુજની જી.કે.માં ખસેડાયો હતો. સામા પક્ષે ઓસ્માણ ગની કુરેશીએ આરોપી અબ્દુલ મજીદ અલીમામદ છડીદાર તેમજ મુસ્તાક અલીમામદ છડીદાર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપીઓએ તેમની જાણ બહાર વટાવી લેતા તેઓ આરોપીના ઘેર સમજાવવા ગયા હતા.દરમિયાન ઉશ્કેરાયેલા આરોપીઓએ ફરિયાદી અને તેની માતાને ધકબુશટનો મારમારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવમાં ઘવાયેલા માતા-પુત્રને સારવાર માટે ભુજની જી.કે.માં ખસેડાયા હતા. ઘટનાને પગલે ભુજ એ ડિવિઝન પોલીસે સામસામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.