ભુજમાં : હવામાન શાસ્ત્રીના ઘરે તસ્કરોએ પાડ્યું ખાતર

નવી રાવલવાડી વિસ્તારમાં આવેલા મકાનમાં બન્યો બનાવ : પ્રાથમિક તબક્કે ૭થી ૮ લાખની મતા ચોરાઈ હોવાનું અનુમાન : ઘટનાને પગલે શહેરભરમાં પોલીસ દ્વારા હાથ ધરાઈ તપાસ

ભુજ : કચ્છ જિલ્લામાં હવામાન સંદર્ભેની આગાહી કરી લોકોને વરસાદ કયારે આવશે, ગરમી કેવી છે, ઠંડીનું પ્રમાણ કેટલું છે તેની નિયમીત માહિતી આપતા ભુજ હવામાન કેન્દ્રના હવામાનશાસ્ત્રી રાકેશકુમારના ઘરે ચોરીનો બનાવ બનતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાને પગલે શહેર ભરમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
આ અંંગેેની મળતી વિગતો મુજબ રાકેશકુમાર તાજેતરમાં જ નવી રાવલવાડીમાં નરસિંહનગરમાં આવેલ અંબીકા ચોક પાસે નવા મકાનમાં રહેવા ગયા હતા. જયાં તસ્કરોએ બારી તોડી ઘરમાં ઘુસી મોટી માલમતા તફડાવી લીધી હતી. સ્થળ પરથી મળેલા અહેવાલ પ્રમાણે તસ્કરો બારીનો કાચ તોડી ઘરમાં ઘુસ્યા હતા અને તિજોરીમાં વેર વિખેર કરી કબાટમાં રહેલા દાગીના રોકડ સહિતની મતા ચોરી ગયા હતા. તેમજ ચોરી માટે આખા ઘરમાં વેર વિખેર કરવામાં આવતા સામાન અસ્ત વ્યસ્ત જોવા મળ્યો હતો. રસોડાનો દરવાજો પણ પથ્થરથી તોડી નખાયો હોવાનું જાણવા મળે છે. બનાવને પગલે એ ડિવિઝન પીઆઈ પી.એમ. ચૌધરી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને વિગતો મેળવી હતી. રાકેશકુમાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પણ દોડી ગયા હતા.પીઆઈ પી.એમ. ચૌધરી સાથે વાત કરતાં તેઓએ જણાવ્યું કે, પ્રાથમિક તબક્કો ૭થી ૮ લાખની ચોરી થઈ હોવાનું અનુમાન છે. સ્થળ પર સીસીટીવી મળી આવ્યા નથી. જો કે હાલમાં ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી પાડવા તપાસ શરૂ કરી દેવામાં આવી છે.