ભુજમાં હમીરસર પાસે હેડ કોન્સ્ટેબલે બે યુવાનોને ફટકારતા ગુનો

બાઈકના કાગળો માંગી એક યુવાનને ધકબુશટનો, જયારે બીજાને માથામાં હથિયાર મારતા ત્રણ ટાંકા આવ્યા : પોલીસ કર્મચારી નશાની હાલતમાં હોવાનો આરોપ મુકાયો : ઘટનાએ સમગ્ર શહેરમાં જગાવી ચકચાર

ભુજ : શહેરમાં ખેંગારબાગથી લેકવ્યુ જતા રોડ પર ગઈકાલે રાત્રે ૧૧ વાગ્યે પોલીસ કર્મચારીએ બાઈક પર જતા બે યુવાનોને ફટકારતા પોલીસ કર્મચારી સામે એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવાઈ છે.એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભીડનાકા પાસે હોટલ ધરાવતા સિકંદર સિધિક કુંભારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના બલભદ્રસિંહ તખુભા ગોહિલ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમનો નાનો ભાઈ શકીબ તેના મિત્ર આરીફ સાથે ઠંડુ પીવા ખેંગારપાર્ક પાસે ગયો હતો. ત્યારે ખેંગાર પાર્કથી લેકવ્યું જતા રસ્તા પર પોલીસ કર્મચારી બલભદ્રસિંહે યુવાનોને રોકયા હતા. ત્યારે બલભદ્રસિંહ પડી ગયા હતા. અને આરીફ પાસે બાઈકના કાગળો માંગ્યા હતા. જેથી લાયસન્સ બતાવ્યું હતું.પોલીસ કર્મચારીએ આરીફને કહ્યું કે, તું સ્ટટ કરશ, જેથી આરીફે જણાવ્યું કે, હું કોઈ સ્ટટ કરતો નથી. દરમિયાન આરીફને મારવાનું શરૂ કરતા શકીબ બીકના માર્યે દૂર જતો રહ્યો હતો. જેથી શકીબને બોલાવી કહ્યું કે, તું નજીક આવ નહીં તો હું આરીફને મારતો રહીશ. આ દરમિયાન શકીબ આવતા તેના માથામાં ધારદાર વસ્તુનો ઘા મરાતા લોહી નિકળી આવ્યું હતું. અન્ય પોલીસ કર્મચારીઓએ છોડાવી પોલીસ મથકે લઈ ગયા હતા. ત્યાં ફરિયાદ ન કરવા માટે ધમકી આપવામાં આવી હતી. આ ઘટનામાં શકીબને માથામાં ત્રણ ટાંકા આવ્યા હતા. તો મિત્ર આરીફ ખલીફાને ધકબુશટનો માર મરતા બંને યુવાનો જી.કે.માં દાખલ કરાયા હતા. આરોપી પોલીસ કર્મચારી નશાની હાલતમાં હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. પીએસઆઈ વી.એસ. ચૌહાણની હાજરીમાં આ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.એ ડિવિઝન પીઆઈ પી.એમ. ચૌધરી સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું કે, બલભદ્રસિંહ પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. ફરિયાદીએ ફરિયાદ નોંધાવતા ફરજના ભાગરૂપે પોલીસ કર્મચારી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. બલભદ્રસિંહનું નિવેદન મેળવી આગળની કાર્યવાહી કરવામાં આવશે.