ભુજમાં સોનાની ચેઈન અને વીંટી ભંગાવવા સોની પાસે જતી મહિલા લૂંટાઈ

અજાણ્યા સ્ત્રી-પુરૂષે મહિલાની નજર ચુકવી ૫૦ હજારના દાગીના અને ૧૩ હજારની રોકડ રકમ સેરવી લેતા ચકચાર : ભુજની ભરચક ડાંડા બજારમાં બનેલા બનાવને પગલે ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ

ભુજ : શહેરની ભરચક એવી ડાંડા બજારમાંથી મહિલાની નજર ચુકવી સોનાના દાગીના અને રોકડ રકમ મળી ૬૩ હજારની ચોરી કરાતા ચકચાર મચી ગઈ છે. ભુજના લખુરાઈ ચાર રસ્તા નજીક રહેતી વૃદ્ધા સોનાના દાગીના ભંગાવી નવા બનાવવા સોની પાસે જતા હતા. તે દરમિયાન અજાણ્યા સ્ત્રી-પુરૂષે મળીને ચોરી કરતા ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો છે.પ્રાપ્ત વિગતો મુજબ લખુરાઈ ચાર રસ્તા નજીક રેલવે ફાટકની બાજુમાં રહેતા હુરબાઈ ફકીરમામદ કુંભારે એક અજાણી સ્ત્રી અને અજાણ્યા પુરૂષ વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો છે. ફરિયાદી મહિલા પોતાની પાસેની જુની સોનાની ચેઈન અને વીંટી ભંગાવીને તેમાંથી હાથના નવા કડા બનાવવા માટે સોનીની દુકાને જવા નિકળ્યા હતા. તે પહેલા ડાંડા બજારમાં પટેલ ગરમ મસાલાની ચક્કીની બહાર દુકાનના ઓટલા પર ગરમ મસાલો લેવા માટે ઉભા હતા. ત્યારે અજાણ્યા સ્ત્રી-પુરૂષ આરોપીઓેએ ફરિયાદીની નજર ચુકવીને તેમણે પહેરેલા આભાના ખિસ્સામાંથી પર્સ સેરવી લીધુ હતું. આ પર્સમાં સોનાની ચેઈન અને વીંટી મળીને રૂ.૫૦ હજાર તેમજ રોકડા રૂ.૧૩ હજાર રખાયેલા હતા. જે મળીને કુલ ૬૩ હજારની ચોરી થઈ જતા ભોગગ્રસ્ત વૃદ્ધાએ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવતા પીએસઆઈ વી.એસ. ચૌહાણે તપાસ હાથ ધરી છે