ભુજમાં સવારથી જ વાદળાછાયા વાતાવરણ બાદ સાંજે ઝરમરિયા

ભુજ : ચાલુ સાલે મેઘરાજાએ ભારતમાં કેરળથી સમયસર દસ્તક દીધા બાદ કચ્છ – ગુજરાતમાં પ્રારંભથી જ ધમાકેદાર બેટીંગ કરતા ખેડૂતો સહિત સૌ કોઈ રાજીના રેડ થઈ ગયા હતા. કચ્છમાં છેલ્લા ૧૮ દિવસથી મેઘાડંબર વચ્ચે હવામાન વિભાગ દ્વારા તા.પ-૮ સુધી અમુક સ્થળે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. આશ્લેષા નક્ષત્રમાં શ્રીકાર વરસાદના યોગ હોય છે ત્યારે આજે ભુજમાં સવારથી જ વાદળછાયા વાતાવરણ બાદ અચાનક સાંજે ઝરમરિયા વરસ્યા હતા. જિલ્લાના ખેડૂતો, માલધારીઓ વગેરે ચાતક નજરે વરસાદની રાહ જાેઈ રહ્યા છે. મેઘાવી માહોલને ૧૮ દિવસ જેટલો સમય થવા છતાં વરસાદની આશા ઠગારી નિવડી છે. પવનની વધતી ગતિ વરસાદ વરસવામાં આડખીલી રૂપ સાબિત થઈ છે, જેના કારણે માત્ર ઝરમરિયા સિવાય વાવણીલાયક વરસાદ પડ્યો નથી.
હવામાન ખાતા દ્વારા ગુરૂવાર સુધી વરસાદની શક્યતા દર્શાવાઈ છે, જેના પગલે જિલ્લાવાસીઓમાં વરસાદ પડશે તેવી આશા જીવંત બની છે.