બે દિવસમાં વધુ ૧૦૦ બેડ પણ થશે કાર્યરત : ઓક્સિજન, બાયપેપ, ફાયરસેફટી સહિતના તમામ સાધનો વસાવાયા : જરૂર જણાય તો અન્ય ૧૦૦ બેડ પણ ઉભા કરવાની તૈયારી

ભુજ : કોવિડ-૧૯ મહામારીને પગલે એક્ટિવ કેસો તેમજ મૃત્યુ આંકમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ત્યારે આ મહામારીને કાબુમાં લેવા તથા કોવિડના દર્દીને સારવાર મળે તેવા ઉદ્દેશ્યથી કચ્છ યુનિવર્સિટીમાં સમરસ કુમાર છાત્રાલયમાં ૧પ૦ બેડ ધરાવતી હોસ્પિટલમાં પ્રથમ તબક્કે પ૦ બેડ સાથે કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. કોવિડ-૧૯ મહામારી કચ્છમાં બેકાબુ બની છે. દરરોજ નવા કેસોમાં ભારે ઉછાળો જોવા મળે છે, જેના કારણે જી.કે. જનરલ હોસ્પિટલમાં કોવિડ દર્દીઓનો ભારે ધસારો જોવા મળે છે. ઉપરાંત આગામી સમયમાં કેસો વધવાની શક્યતા વચ્ચે કચ્છ યુનિવર્સિટીમાં આવેલ સમરસ હોસ્ટેલમાં કોવિડ હોસ્પિટલ ચાલુ કરવામાં આવી છે. આ અંગે વધુ માહિતી આપતા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એમ.બી પ્રજાપતિએ જણાવ્યું હતું કે, છેલ્લા દસ દિવસથી આ હોસ્પિટલનું કામ યુદ્ધના ધોરણે ચાલુ હતું, જે કામ પૂરૂં થઈ જતા તેમજ ફાયર સેફટીની કામગીરી અંગે મોકડ્રીલ કરાઈ હતી. જી.કે. જનરલ હોસ્પિટલમાંથી કોવિડ દર્દીને જરૂરિયાત મુજબ આ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી રહ્યા છે. હોસ્ટેલના ગ્રાઉન્ડ ફલોર પર ઓક્સિજન લાઈન ટેસ્ટીંગ કરી ઓક્સિજનનો જથ્થો પૂરતો છે તેમજ ઓક્સિજનના સાધનો, ફાયર સેફટીના સાધનો, વાતાનુકૂલિત રૂમો, બાયપેપ સાધન, એચએનએફસી મશીન કીટ વગેરે સાધનો ફીટ થઈ જતા પ૦ બેડ સાથે ૧પ રૂમમાં આઈસીયુ હોસ્પિટલ કાર્યરત છે. ઉપરાંત પ્રથમ માળે ઓક્સિજન લાઈનનું કામ ચાલુ હોતા તે કામ બે દિવસમાં પૂર્ણ થઈ જશે. જેથી વધારાના ૧૦૦ બેડ પણ ઉભા થશે. જો જરૂર જણાશે તો બીજા માળે અન્ય ૧૦૦ બેડની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે તેવું તેમણે ઉમેર્યું હતું.