ભુજમાં શુક્ર-શનિ-રવિ ત્રણ દિવસ સંપૂર્ણ લોકડાઉન

રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં ગઈકાલે મળેલી બેઠક બાદ આજે લેવાયો વિધિવત નિર્ણય

ભુજ : કોવિડ-૧૯ મહામારી સામે લડવા માટે લોકડાઉન જરૂરી છે તે હેતુથી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વાસણભાઈ આહિરની અધ્યક્ષતામાં ગઈકાલે સાંંજે બેઠક મળી હતી, જેમાં ભુજમાં ત્રણ દિવસ લોકડાઉન કરવા અંગે મોકલાયેલી દરખાસ્ત બાદ આજે ભુજના ધારાસભ્ય ડૉ. નિમાબેન આચાર્યની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં શુક્ર, શનિ, રવિ ત્રણ દિવસ સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય લેવાયો છે. કોવિડ-૧૯ મહામારી બેકાબુ બની રહી છે ત્યારે તેને અટકાવવાના હેતુથી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે યોજાયેલી બેઠકમાં જિલ્લા મથક ભુજમાં શુક્ર, શનિ, રવિ ત્રણ દિવસના સંપૂર્ણ લોકડાઉનની વિધિવત જાહેરાત કરાઈ હતી ત્યારે આવતીકાલે ગુરૂવારે સાંજે ૮ વાગ્યાથી થનાર બંધ સોમવારે સવારે ૬ કલાક સુધી અમલી રહેશે. ગઈકાલે રાજ્યમંત્રી વાસણભાઈ દ્વારા ભુજમાં ત્રણ દિવસના સંપૂર્ણ લોકડાઉન અંગે વેપારીઓ સાથે બેઠક કરી ચર્ચા કરવામાં આવી હતી, જેમાંં ભુજના તમામ વેપારી એસોસિએશન ઉપસ્થિત રહ્યા હતા અને ત્રણ દિવસના વીકએન્ડ લોકડાઉનને સમર્થન આપવાની ખાત્રી આપી હતી. ત્યારબાદ આજે ભુજના ધારાસભ્ય ડૉ. નિમાબેન આચાર્ય અને ભુજના પ્રાંત અધિકારી મનિષ ગુરૂવાણીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી, જેમાં ચેમ્બર ઓફ કોમર્સ સહિતના વિવિધ વેપારી મંડળ અને સંગઠનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં શુક્રવારથી રવિવાર સુધીના ત્રણ દિવસ દરમ્યાન સંપૂર્ણ લોકડાઉનની સહમતિ સધાતા ભુજમાં ત્રણ દિવસનું સંપૂર્ણ લોકડાઉન રહેશે તેવી જાહેરાત કરાઈ હતી.

ત્રણ દિવસના લોકડાઉનમાં માત્ર મેડિસીન સેવાઓ જ રહેશે ચાલુ

ભુજ : શહેરમાં ત્રણ દિવસના લોકડાઉનના નિર્ણયમાં માત્ર મેડિસીન સેવાઓ જ ચાલુ રહેશે. આ સિવાય કરિયાણા કે દૂધના વેપારીઓ પણ પોતાના ધંધાઓ ખૂલ્લા નહીં રહે તેવું ભુજના ધારાસભ્ય ડૉ. નિમાબેન આચાર્યે જણાવ્યું હતું. ભુજમાં મળેલી બેઠકમાં કેટલાક નાના ધંધાર્થીઓએ પોતાના સૂચનો પણ આપ્યા હતા. જોકે, તેની અવગણના થઈ હોવાનું પણ ચર્ચાયું હતું, પરંતુ નિમાબેન આચાર્યે બેઠકમાં લોકડાઉનનો કોઈએ વિરોધ નોંધાવ્યો નથી. તમામ વેપારી સંગઠનોએ સમર્થન કર્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું.