ભુજમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવાને ફીનાઈલ પી આત્મહત્યાનો કર્યો પ્રયાસ

ભુજ : શહેરના મુન્દ્રા રિલોકેશન સાઈડે પ્રમુખસ્વામીનગરમાં રહેતા યુવાને ફીનાઈલ પી જતા બેભાન અવસ્થામાં હોસ્પિટલ ખસેડાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઘનશ્યામ રામજી પલણ (ઉ.વ.૩પ)એ ગઈકાલે બપોરના સવાર વાગ્યે પ્રમુખસ્વામીનગરમાં કોમર્શિયલ કોમ્પલેક્ષ પાછળ ફીનાઈલ પી લેતા બેભાન હાલતમાં ભુજની જીકેમાં દાખલ કરાયો હતો. શહેર એ ડિવીઝન પોલીસે જાણવા જોગ દાખલ કરી હતી અને ભોગ બનનાર ભાનમાં આવેથી તેનું ડીડી લેવા સહિતની કાર્યવાહી હાથ ધરેલ છે. આ બાબતે તપાસનીશ સહાયક ફોજદાર કે.પી. પટેલનો સંપર્ક સાધતા હતભાગી હજુ સુધી ભાનમાં આવેલ નથી તેના પરિવારજનોમાં ચર્ચાતી વાતો મુજબ ઘનશ્યામે અંજારના ભૂપેન્દ્રસિંહ રવુભા જાડેજા તથા રમેશ નારણ સોરઠિયા નામના શખ્સો પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા અને આર્થિક તંગીના કારણે વ્યાજ ભરી શકેલ નહી બન્ને શખ્સોએ પઠાણી ઉઘરાણી કરતા અને ધાક ધમકીઓ આપતા વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ફીનાઈલ પીધાનું તપાસમાં ખુલ્યું હતું. સત્યતા શું છે તે તો ઘનશ્યામ ભાનમાં આવેથી તેનું નિવેદન નોંધ્યા બાદ જ ખુલી શકે તેમ છે. અત્રે ઉલ્લેખનીય છે કે વ્યાજખોરોના ત્રાસથી અનેક યુવાનોએ આત્મહત્યા કરી છે અને આપઘાતનો પ્રયાસ પણ કર્યો છે. કચ્છમાં વ્યાજવટાનો ધંધો મોટાભાગે પોલીસ કર્મચારીઓ પણ કરતા હોઈ છે અને નાણા લેનાર યુવાનો વ્યાજ ભરપાઈ નહી કરતા તેમને ધાક ધમકીઓ અપાતી હોઈ છે ત્યારે પશ્ચિમ કચ્છ એસપી એમ.એસ. ભરાડા આવા વ્યાજવટાના કિસ્સાઓ સંદર્ભે તટસ્થ તપાસ કરાવે તો વ્યાજે નાણા ધીરનાર પોલીસ કર્મચારીઓ સહિતના વ્યાજખોરોનો પર્દાફાસ થઈ શકે તેવું શહેરીજનોમાં ચર્ચાવા લાગ્યું છે.