ભુજમાં વેક્સિન લેવા યુવાનો કલાક સુધી તડકામાં બેઠા પછી રસી મળી

આર.ડી. વરસાણી હાઈસ્કૂલમાં ૧૦ વાગ્યે ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન થશે તેવી જાહેરાત કરાઈ પણ આરોગ્ય સ્ટાફ ૧૧ વાગ્યા પછી આવતા લોકોને કલાક સુધી ધીરજ રાખવાનો આવ્યો વારો

ભુજ : હાલમાં સપ્તાહ સુધી રાજયમાં વેક્સિનની મહાઝુંબેશ ચાલી રહી છે. કચ્છમાં પણ ૧૮ થી ૪પ વર્ષની આયુ સુધીના લોકોનું રસીકરણ વધારાયું છે. અગાઉ દૈનિક ૧ હજાર લાભાર્થીને રસી અપાતી, હવે દૈનિક ૪ હજાર લોકોને રસી આપવાનો ટાર્ગેટ છે. ભુજમાં ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન સેન્ટર પણ શરૂ કરાયું છે. જાે કે, વેક્સિન લેવા આવેલા યુવાનોને કલાક સુધી તડકામાં બેસી ધીરજ રાખવાનો વારો આવ્યો હતો. આ અંગેની વિગતો મુજબ જિલ્લા પંચાયત દ્વારા સવારે ૧૦ વાગ્યાથી આર.ડી. વરસાણીમાં ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન શરૂ થઈ જશે તેવી જાણકારી અપાઈ છે, જેથી સ્લોટ બુક કરાવનારા યુવાનો દસ વાગ્યા પૂર્વે જ રસી લેવા પહોંચી ગયા હતા. જાે કે, આરોગ્ય સ્ટાફ આવ્યો ન હતો. ઈન્તેજારી બાદ ૧૧ વાગ્યા પછી આરોગ્ય સ્ટાફ આવતા લોકોને રસી મળી હતી.