ભુજમાં રીક્ષા હમાલીના ભાડા પેટે યુવાન પર બે શખ્સો દ્વારા હુમલો

ભુજ : શહેરના સ્ટેશન રોડ પર રીક્ષામાં આવેલા કાપડના ત્રણ બંડલની હમાલીના રૂપિયા અંગે બોલાચાલી થતા રીક્ષા-છકડા ચાલક તેમજ અન્ય એક અજાણ્યા શખ્સે યુવાનને માર મારતા ભુજ શહેર બી-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ દિનેશભાઈ હરખચંદ મહેતાએ છકડા નંબર જીજે૧ર-બીયુ-૧પરર તેમજ છકડા ચાલક સાથેના અન્ય એક અજાણ્યા યુવાન સામે ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદીએ છકડામાં કપડાના ત્રણ બંડલ મંગાવ્યા હતા. જેના હમાલીના ચાર્જ પેટે ૩૦ રૂપિયા લેખે ત્રણ બંડલના ૯૦ રૂપિયા છકડા ચાલકને અપાયા હતા. જેમાં છકડા ચાલકે ૩૦ના બદલે બંડલ દીઠ પ૦ રૂપિયાની માંગણી કરી હતી. આ બાબતે બોલાચાલી બાદ ઉશ્કેરાઈ ગયેલા છકડા ચાલકે ફરિયાદીને આંખમાં લોખંડના ઈંગલવળે માર મારી ફેકચર સહિતની ઈજાઓ પહોંચાડી હતી. બનાવને પગલે બી-ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.