ભુજમાં રાત્રિ કર્ફ્યુના અમલીકરણથી ખાણીપીણી સાથે સંકળાયેલા વેપારીઓ પરેશાન

રાત્રિના સમયે હોટલ વ્યવસાય તો ઠપ્પ થયો, પરંતુ ઠંડાપીણા અને નાસ્તાના ધંધાર્થીઓ પણ મૂંઝાયા

ભુજ : કોરોનાના વકરતા કહેરના કારણે રાજ્ય સરકાર દ્વારા કચ્છમાં ભુજ અને ગાંધીધામ શહેરી વિસ્તારમાં રાત્રિ કર્ફ્યુનું અમલ શરૂ કરી દેવાયો છે. જોકે, અમલીકરણથી ખાણીપીણી સાથે સંકળાયેલા વેપારીઓ પરેશાન બન્યા છે. એક તરફ હોટલ વ્યવસાય ઠપ્પ થયો. બીજી તરફ ઠંડાપીણા અને નાસ્તાના ધંધાર્થીઓ પણ મૂંઝાયા છે.સરકાર દ્વારા રાત્રિના ૮ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ અમલી બનાવાયો છે, પરંતુ ઘણી હોટલ – રેસ્ટોરેન્ટ, લોજ સહિતના સ્થળોએ આ સમયગાળામાં ગીર્દી રહેતી હોય છે. એક તરફ લોકડાઉનની થપાટ હજુ ભૂલાઈ નથી તેવામાં રાત્રિ કર્ફ્યુથી આ ધંધો પડી ભાંગવાની ભીતિ વ્યક્ત કરાઈ હતી તેમજ કર્ફ્યુના સમયગાળામાં ઘટાડો કરવામાં આવે તેવી લાગણી નાના ધંધાર્થીઓ વ્યક્ત કરી રહ્યા છે. ૮ વાગ્યાના બદલે ૧૦ કે ૧૧ વાગ્યે રાત્રિ કર્ફ્યુ લાગુ કરાય તો ધંધાર્થીઓને ધંધો મળી રહેશે. હાલમાં ઉનાળાની ગરમી હોવાથી રાત્રિના સમયે શહેરીજનો ઠંડક મેળવવા આઈસ્ક્રીમ, ઠંડાપીણા, સોડા પીવા જતા હોય છે. જેઓનો ધંધો પણ ઠપ્પ થઈ ગયો છે. સૌથી વધુ ઘરાકી હમીરસર પાસે જોવા મળતી હોય છે તેમજ મંગલમ્‌, રઘુવંશી ચોકડી, પ્રમુખસ્વામી નગર, ભાનુશાલી નગર, હોસ્પિટલ રોડ, ભીડ ગેટ, સરપટ ગેટ સહિતના તમામ વિસ્તારોમાં રાત્રિના સમયે કર્ફ્યુના કારણે સુનકાર આવી જતા ધંધાઓ પડી ભાંગશે. અન્નપૂર્ણા લોજના ભૌમિક ગોરે જણાવ્યું કે, કર્ફ્યુનો આદેશ આવકાર્ય છે, પરંતુ ધંધાના પીકઅવર્સમાં કર્ફ્યુ હોવાથી ખોટ પડી છે ત્યારે ૮ વાગ્યાના બદલે ૯ કે ૧૦ વાગ્યે કર્ફ્યુ લાગુ કરાય તો થોડોક ધંધો મળી રહે. નિત્યાનંદ હોટલના જીતેન્દ્ર ધારશી શાહે કહ્યું કે, આ નિયમથી ધંધાને ફટકો પડશે. લોકડાઉનની ખોટ હજુ પૂરી નથી થઈ ત્યાં કર્ફ્યુના કારણે ફરી પડ્યા પર પાટું સમાન સ્થિતિ સર્જાઈ છે, તો મહારાજા રેસ્ટોરેન્ટના રાહુલ ગોરે હાલની પરિસ્થિતિ ખરાબ હોવાનું જણાવી નાગરિક તરીકેની ફરજ લોકો અદા કરી પ્રધાનમંત્રીનું સૂત્ર ‘જાન હૈ તો જહાન હૈ’માં સહયોગી બને તેવું જણાવ્યું હતું.