ભુજમાં ભાડાના મકાનમાં રહેતા માનકુવાના યુવાનનો આપઘાત

મુંદરામાં બ્રેઈન હેમરેજથી તેમજ રાપરમાં બિમારીથી યુવાનોના મોત

ભુજ : શહેરના મુંદરા રોડ પર આવેલ સાગર સિટીની બાજુમાં ન્યુ લાયન્સ નગરમાં રહેતા મુળ માનકુવા ર૦ વર્ષિય યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જયારે મુંદરાના શક્તિનગરમાં રહેતા મુળ નેપાળી સિક્યોરિટી ગાર્ડનું બ્રેઈન હેમરેજ થવાથી મોત નિપજયું હતું. તો રાપરના ગેલીવાડીમાં યુવાનને ગળામાં તકલીફ થવાથી શ્વાસ રૂંધાતા મોત નિપજયું હતું.  પ્રાપ્ત વિગતો મુજબ ભુજના મુંદરા રોડ પર આવેલ ન્યુ લાયન્સ નગરમાં ભાડાના મકાનમાં રહેતા મુળ માનકુવાના અર્ષદ ગની રાયમા (ઉ.વ.ર૦) નામના યુવાને અગમ્ય કારણોસર આપઘાતી પગલું ભર્યું હતું. હતભાગીના પિતા ગની મીઠુ રાયમાએ હોસ્પિટલ ચોકીએ નોંધાવેલી વિગતો મુજબ તેમનો પુત્ર છેલ્લા દોઢેક મહિનાથી ભુજના લાયન્સ નગરમાં મકાન ભાડે રાખીને તેની પ્રેમિકા સાથે રહેતો હતો. દરમ્યાન અગમ્ય કારણોસર પોતાના મકાનમાં પંખા સાથે લુંગી બાંધીને ગળે ફાંસો ખાઈ લેતા તેને સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જયાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકે અકસ્માત મોતનો મામલો દર્જ થયો હતો.  તો બીજીતરફ મુંદરાના શક્તિનગરમાં રહેતા મુળ નેપાળના વિષ્ણુ બહાદુર હમાલ (ઉ.વ.૪પ) નામના સિક્યોરિટી ગાર્ડનું બ્રેઈન હેમરેજને કારણે મોત નિપજયું હતું. હતભાગી શક્તિનગરમાં પોતાના રૂમ પર હતો, તે દરમ્યાન અચાનક તેને મગજનો લકવો થતા તે બોલી શકતો ન હતો. હતભાગીને તાત્કાલિક મુંદરા સીએચસી અને ત્યાર બાદ અદાણી હોસ્પિટલમાં ખસેડાયો હતો. વધુ સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં પણ રીફર કરાયો હતો. જાે કે ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા મુંદરા પોલીસ મથકે અકસ્માત મોતનો મામલો નોંધાયો હતો, જેને પગલે પીએસઆઈ બી. જે. ભટ્ટે આગળની તપાસ  હાથ ધરી છે.  આ તરફ રાપરના ગેલીવાડી વિસ્તારમાં રહેતા ૪૦ વર્ષિય શ્રવણસિંહ આનંદસિંહ ભાટીનું મોત નિપજયું હતું. હતભાગીને ગળાના અંદરના ભાગે એકાએક તકલીફ થતા રાપર સીએચસીમાં સારવાર માટે ખસેડાયો હતો. પરંતુ શ્વાસ રૂંધાવાને કારણે સારવાર કારગત ન નિવડતા યુવાને દમ તોડયો હતો. બનાવને પગલે રાપર પોલીસે અકસ્માત મોતનો બનાવ દર્જ કરી આગળની તપાસ પીએસઆઈ જે. એચ. ગઢવીએ હાથ ધરી છે.