ભુજમાં ભરાયેલા ૩રમાંથી ૬ ફોર્મ કરાયા રદ્દ

ભુજ : વિધાનસભાની ચૂંટણી માટેના ફોર્મ ભરાયા બાદ આજે ફોર્મ ચકાસણી કરાઈ હતી જેમાં ભાજપ અને કોંગ્રેસના બન્ને ડમી ઉમેદવારોના ફોર્મ કેન્સલ કરાયા હતા. કોઈપણ એક પક્ષ વતી એક જ ઉમેદવાર ફોર્મ ભરી શકે છે. ત્યારે મુખ્ય ઉમેદવારના ફોર્મ અકસેપ્ટ થઈ જતા ભાજપના અરવિંદ લાલજી પીંડોરિયા અને કોંગ્રેસના રાજેન્દ્રસિંહ જાડેજાનું ડમી ફોર્મ રદ્દ થયું હતું. 

તો જેડીયુના ઉમર હુશેન જતના ફોર્મમાં ટેકેદારોની પૂરતી સહી ન હતી. તેવી જ રીતે અપક્ષ ઉમેદવારો કુંભાર કાસમ ઉમર, રબારી દેવશી રવાના ફોર્મમાં પણ ટેકેદારો સહિત દરખાસ્ત કરનારની સહીઓ પૂરી ન હોવાથી ફોર્મ રદ્દ થયા હતા. જ્યારે અપક્ષ ઉમેદવાર કાનાણી પિયુષ નરેન્દ્રભાઈનું સોગંદનામું રજુ ન થયું હતું. તેમજ દરખાસ્ત કરનારની પૂરતી વિગતો ન હોવાથી તે ફોર્મ રદ્દ થયું હતું. આમ ૩ર ફોર્મમાંથી કુલ્લ ૬ ફોર્મ રદ્દ થવાથી હવે ર૬ ઉમેદવારો બાકી રહ્યા છે. જેમાં ર૪મી તારીખ ફોર્મ પરત ખેંચવાની અંતિમ તિથિ છે. ત્યારબાદ ઉમેદવારોનું ચોક્કસ લીસ્ટ સામે આવશે.