ભુજમાં પ્લોટની જમીન બાબતે યુવાનને છરી વીંઝી કરાયો હુમલો

ગાંધીધામમાં પાણીના ટેન્કર ખાલી કરવા બાબતે લોખંડના પાઈપથી મારામારી

ભુજ : શહેરના સંજયનગરી વિસ્તારમાં રપ વર્ષની માલિકીના પ્લોટની જમીન આપી દેવા બાબતે ધાક ધમકી કરી યુવાન પર છરી વડે હુમલો કરાયો હતો. તો બીજીતરફ ગાંધીધામના સુંદરપુરીમાં પાણીના ટેન્કર ખાલી કરવા બાબતે ઝઘડો થતા લોખંડના પાઈપ વડે મારામારી થઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ ભુજમાં થયેલી મારામારી અંગે ફરિયાદી અમઝદ ઓસમાણ લોહારે ભુજ બી ડિવિઝન પોલીસ મથકે ઈમ્તિયાઝ ઉસમાણ પઠાણ અને કરીમખાન ઉસમાણ પઠાણ તેમજ બે અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે ઈમ્તિયાઝ અને કરીમખાનની અટક કરી હતી. બનાવની વિગતો મુજબ ફરિયાદી અમઝદ અને સાહેદ ઈમરાન ચૌહાણ પોતાના ઘેર બેઠા હતા, તે દરમ્યાન આરોપીઓએ ફરિયાદીનો રપ વર્ષની માલિકી વાળા પ્લોટની જમીન આપી દેવા બાબતે ધાક ધમકી કરી હતી. એકાદ વર્ષ પહેલા પ્લોટ બાબતે થયેલી ફરિયાદનું મનદુઃખ રાખીને આરોપીઓએ સાહેદ ઈમરાનના પેટના ભાગે છરી વડે ઘા ઝીકી જીવલેણ ઈજાઓ પહોંચાડી હતી, તેમજ ફરિયાદી તથા સાહેદને લોખંડના પાઈપ અને લાકડીઓ વડે માર મારવામાં આવ્યો હતો. બનાવને પગલે ચાર ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધાતા પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી. જયારે અન્ય બે અજાણ્યા ઈસમોને શોધી કાઢવા ચક્રો ગતિમાન કરાયા છે. તો બીજીતરફ ગાંધીધામના જુની સુંદરપુરી વિસ્તારમાં મહેશ્વરી સમાજવાડીની બાજુમાં મારામારી થઈ હતી. જે અંગે હરિભાઈ ભોજાભાઈ બરાડીયાએ આરોપી જખુભાઈ પાતારીયા વિરૂદ્ધ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. જેને પગલે પોલીસે આરોપી જખુને ઝડપી પાડયો હતો. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ ફરિયાદીના પાણીના ટેન્કર ખાલી કરવા બાબતે ઝઘડો કરી લોખંડના પાઈપ વડે ફરિયાદીને માર માર્યો હતો. તો ફરિયાદીના મોટા દિકરા કરણ મહેશ્વરી અને નાના દિકરા હિતેશને પણ લોખંડના પાઈપ વડે માર મારી ફ્રેકચર સહિતની ઈજાઓ પહોંચાડી હતી. ફરિયાદીના પડોશમાં રહેતા સાહેદ ગોપાલભાઈને પણ લોખંડનો પાઈપ મારી ઈજાઓ પહોંચાડી હતી. બનાવને પગલે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ
ધરી છે.