ભુજમાં પોલીસ બની ડીજીટલ, કેસ સાથે કાર્ડથી પણ દંડ વસૂલવાની કામગીરી

ભ્રષ્ટાચાર પર આવશે લગામ

ભુજ : હાલમાં જયારે ઓનલાઈન પેમેન્ટનું ચલણ વધી રહ્યું છે. ત્યારે પોલીસ વિભાગમાં પણ ડીજીટલ યુગનો આરંભ થયો છે. આજથી ભુજ શહેર વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા રોકડની સાથે કાર્ડ અને મોબાઈલથી પણ દંડની રકમ વસૂલવાની કામગીરી શરૂ કરાઈ છે. શહેર વિસ્તારમાં પોલીસ દ્વારા ટ્રાફિક ભંગના ગુનામાં રોકડમાં દંડની વસૂલાત કરવામાં આવતી હતી. ત્યારે હવે સમયથી તાલ મિલાવી ભુજમાં પાયલોટ પ્રોજેકટ હેઠળ પોલીસ દ્વારા ડિજીટલ માધ્યમોથી ઓનલાઈન દંડની રકમ લેવામાં આવશે, જેમાં પીઓએસ મશીન, ક્યુઆર કોડ દ્વારા મોબાઈલથી દંડ વસૂલવાની કામગીરી શરૂ કરાઈ છે. આ માટે વાહન ચાલકો ફોનપે, ગુગલ પે જેવા માધ્યમોથી દંડની રકમ જમા કરાવી શકશે. ભુજ બાદ જિલ્લાના અન્ય વિસ્તારોમાં ડીજીટલ પેમેન્ટથી દંડ વસૂલવામાં આવશે. આજ રોજ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ દરમિયાન ટ્રાફિકના નિયમો ન પાળનારા વાહન ચાલકો પાસેથી એટીએમ કાર્ડ પીઓએસ મશીનમાં સ્વાઈપ કરાવી દંડ લેવામાં આવ્યો હતો. ડીજીટલ પેમેન્ટના આ વ્યવહારથી ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ પર અંકુશ આવશે તેવું લોકોએ કહ્યું હતું.