ભુજમાં પાલિકા પદાધિકારીઓની મિલિભગતથી ગેસ પાઈપના કામોમાં આચરાતો ભ્રષ્ટાચાર

કોન્ટ્રાકટરે ખોદકામ કરતા પૂર્વે લેવાતી હોય છે મંજુરી : ડામર, સીસી રોડ, ફૂટપાથ માટે જુદા- જુદા ભાવો છે નિર્ધારીત : મન મરજી મુજબ રકમ વસૂલી બાકીની સેરવાતી ખિસ્સામાં

 

ભુજ નગરપાલિકા દ્વારા ખોદાયેલા માર્ગોનું સમારકામ કરવામાં ઠાગાઠૈયા
ભુજ : શહેરમાં વર્તમાને ચોતરફા અન્ડરગ્રાઉન્ડ કેબલ – પાઈપો પાથરવાની કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ કામગીરી નગરપાલિકા માટે કમાઉ દિકરા સમાન સાબિત થઈ રહી હોવા છતાં ખોદાયેલા માર્ગોનું સમારકામ કરવામાં પાલિકા દ્વારા ધોરીધરાર ઠાગાઠૈયા કરાઈ રહ્યા છે.
આ અંગેની વિગતો મુજબ શહેરમાં ચાલી રહેલા અન્ડર ગ્રાઉન્ડ કેબલ – પાઈપ લાઈનોના કામ પેટે પાલિકા પાસે રૂપિયા પ.પ૦ કરોડ જેટલી રકમ ડિપોઝિટ રૂપે જમા છે. તો જે તે કંપની પાસેથી મિટરના રૂપિયા ર૦ લેખે પ્રતિ વર્ષ ભાડુ પણ વસુલ કરવામાં આવે છે, જેમાં દર ત્રણ વર્ષે ૧૦ ટકાનો વધારો થાય છે. જીઓ દ્વારા શહેરમાં ૭૦ કિ.મી. જેટલા વિસ્તારમાં કેબલ પાથરાયા છે, તો ગેસ પાઈપલાઈનનો વિસ્તાર પણ ૯ર કિ.મી. જેટલો થાય છે. વોડાફોન, એરટેલ સહિતના કંપનીઓના કેબલો પણ કિ.મી.ના હિસાબે નખાયેલા હોઈ આ તમામ કંપનીઓ પાસેથી પાલિકાને પ્રતિવર્ષ ભાડા પેટે લાખોની આવક થાય છે. કંપનીઓ પાસેથી માર્ગ સમારકામના રૂપિયા એડવાન્સમાં લઈ લેવાતા હોવા છતાં પાલિકા માર્ગોનું સમારકામ કરવામાં ઠાગાઠૈયા જ કરે છે.

 

 

ભુજ : ભારતએ પ્રગતિશીલ દેશ હોઈ નિર્માણ કાર્યોનો ધમધમાટ સતત ચાલે છે. સરકારના વિવિધ વિભાગો તેમજ એજન્સીઓ દ્વારા વિકાસકામો ચાલ્યા જ કરે છે. જિલ્લા મથક ભુજ શહેરમાં પાઈપલાઈન મારફતે ઘરો- ઘર ગેસ પહોંચાડવાનું આયોજન હોઈ હાલે તે માટેનું માળખું ઉભું કરાઈ રહ્યું છે, ત્યારે પાલિકાના પદાધિકારીઓની મિલિભગતથી ગેસ પાઈપલાઈનોના કામો ભ્રષ્ટાચારનું માધ્યમ બન્યા છે.
સરકારના કોઈ પણ વિભાગ દ્વારા માર્ગનું નિર્માણ સંપન્ન થયા બાદ જ અન્ય એજન્સી દ્વારા માર્ગ તોડી પાઈપ લાઈન, કેબલ પાથરવામાં આવે છે. બે વિભાગો વચ્ચે સંકલનના અભાવનો ભોગ નાગરિકો બનતા હોય છે. સાથોસાથ સરકારી નાણાંનો પણ વ્યાપક દુરૂપયોગ થાય છે. ભુજ શહેરની વાત કરીએ તો જે કોઈ એજન્સી કે સરકારે માર્ગ પર ખોદકામ કરવું હોય તો તે માટે ફૂટ પાથ – સીસી રોડ માટે મિટરના રૂપિયા ૮૯૦થી ૯૦૦, ડામર રોડ માટે રૂપિયા ૬૦૦, મેટલ માટે રૂપિયા ૪પ૦ તેમજ માટી વાળા માર્ગ માટે રૂપિયા પ૦ પ્રતિ મિટરનો ભાવ નિર્ધારીત છે. હાલે શહેરમાં ચોતરફ ગેસ પાઈપ લાઈનનું કામ ચાલી રહ્યું છે. નિયમ મુજબ કોન્ટ્રાકટરે કામ શરૂ કરતા પૂર્વે પાલિકાની મંજુરી લેવી પડે છે તેમજ કેટલા વિસ્તારમાં ખોદકામ થશે ત્યાં રોડ છે, તો કયો છે કે ફૂટપાથ છે તે જણાવવું પડે છે. કોન્ટ્રાકટર જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરે અને પાલિકામાં નિર્ધારીત રકમ જમા કરાવે તે બાદ જ ખોદકામની મંજુરી આપવામાં આવે છે. વર્તમાને ભુજ નગરપાલિકા ભ્રષ્ટાચારથી ખદબદી રહી હોઈ ગેસ પાઈપલાઈનના કામને પણ ઝપેટમાં લઈ લેવાયું છે. પદાધિકારીઓ કોન્ટ્રાકટર સાથે સાંઠગાંઠ રચી ખોદકામ માટે મનમરજી મુજબ ભાવો લઈ બાકીની રકમ ખિસ્સામાં સેરવી રહ્યા છે.